વર્ષ 2036ની ઓલિમ્પિક ભારતમાં યોજાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દાવેદારી કરવામાં આવી છે. ત્યારે સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરનારા ખેલાડીઓ તમામ રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકે તે માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ગુજરાતના અમદાવાદ પાસે સાણંદમાં સ્પોર્ટ્સ સંકુલ તૈયાર થઈ રહ્યું છે. ત્યારે ઓલિમ્પિકમાં રાજકોટના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારુ પ્રદર્શન આપે તે માટે સ્પોર્ટ્સ કલ્ચર વિકસાવવામાં આવી રહ્યું છે. જેમાં અન્ડર-14ના વિદ્યાર્થીઓ 12 વર્ષ બાદ ભારતને મેડલ અપાવી શકે તે માટે DLSS સ્કૂલમાં તાલીમ આપવામાં આવે છે અને બાદમાં ગુજરાતના 8 ટ્રેનિંગ સેન્ટર પર એક્સપર્ટ કોચ દ્વારા તાલીમ અપાઈ રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એથ્લેટિક્સમાં 3 નવી ઇવેન્ટ ઉમેરી
રાજકોટમાં 23મી નવેમ્બરથી સ્વિમિંગની નેશનલ સ્કૂલ ગેમ્સ રમાવવા જઈ રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એથ્લેટિક્સમાં 3 નવી ઇવેન્ટ ઉમેરી છે. તો રાજકોટના 4 વિદ્યાર્થીઓ રોલર સ્કેટિંગમાં નેશનલ કક્ષાની ટુર્નામેન્ટ માટે પસંદગી પામ્યા છે. દરમિયાન અન્ય હકીકત એ પણ છે કે, ઓલિમ્પિકનો જેના પર આધાર રહેલો છે તેવી DLSS 19 સ્કૂલોમાં વિદ્યાર્થીઓને તાલીમ આપતા કોચ કાયમીને બદલે કોન્ટ્રાક્ટ આધારિત છે. ઉપરાંત રાજ્યમાં 5500 સ્પોર્ટ્સ ટીચરની જગ્યા ખાલી છે. જે ભરતી રાજ્ય સરકાર કરે તે જરૂરી છે. રાજકોટ રોલર સ્કેટિંગમાં ખેલાડીઓ આગળ વધી શકે તે માટેની બેન્કડ ટ્રેક રીંગ નથી. જેને લીધે ખેલાડીઓને પ્રેક્ટિસ માટેનું યોગ્ય મેદાન મળતું નથી. રાજ્યમાં 5500 સ્પોર્ટ્સ ટીચરની જગ્યા ખાલી
રાજકોટ જિલ્લા વ્યાયામ મંડળ પ્રમુખ ભરતસિંહ પરમારે જણાવ્યું હતું કે, વર્ષ 1891થી ઓલિમ્પિક રમાઈ રહી છે. ત્યારે અત્યાર સુધીમાં એકપણ વખત ભારત દ્વારા ઓલિમ્પિકની યજમાની માટે દાવેદારી કરવામાં આવી નથી, પરંતુ આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2036ની ઓલિમ્પિક ભારતમાં અને તે પણ ગુજરાતમાં યોજવા માટે દાવેદારી કરી છે. સાણંદમાં ઓલિમ્પિકની તૈયારીઓ હાલ ચાલુ છે. જેના ભાગરૂપે રાજકોટ ઉપરાંત ગાંધીનગર, વડોદરા, પોરબંદર, દાહોદનું દેવગઢ બારીયા, નડિયાદ, ભાવનગર, હિંમતનગર અને તાજેતરમાં ડાંગમાં સ્પોર્ટ્સ ટ્રેનિંગ સેન્ટર કાર્યરત છે. જે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના નેજા હેઠળ આવે છે. જેથી આગામી સમયમાં ઓલિમ્પિકમાં રાજકોટના ખેલાડીઓ સારુ પ્રદર્શન આપશે તે નક્કી છે. અન્ડર-14ના ખેલાડી 12 વર્ષ બાદ 2036માં ટુર્નામેન્ટ રમી શકે
વધુમાં જણાવ્યું હતું કે, ઓલિમ્પિકમાં એટલેટીક્સની દોડ, કૂદ, ફેંક ઉપરાંત બાસ્કેટબોલ, ફૂટબોલ, હોકી, બેડમિન્ટન, રાયફલ શૂટિંગ, સ્વિમિંગ અને લોન ટેનિસ સહિતની રમતોની તાલીમ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. હાલમાં અન્ડર-14, 17 અને 19ના ખેલાડીઓને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે. જેથી અન્ડર-14ના ખેલાડી 12 વર્ષ બાદ 2036 ઓલિમ્પિકમાં ઇન્ટરનેશનલ પ્લેયર તરીકે ટુર્નામેન્ટ રમી શકે. ખેલકૂદ મહોત્સવમાં 3 નવી ઇવેન્ટ ઉમેરવામાં આવી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 5થી 7 ડિસેમ્બર સુધી યોજનારા ખેલકૂદ મહોત્સવમાં 3 નવી ઇવેન્ટ ઉમેરવામાં આવી છે. ડેકેથ્લોન, હેપ્ટાથ્લોન અને 3000 મીટર ટ્રીપલ ચેસ એટ્લે કે 3000 મીટર દોડની ઇવેન્ટ યોજાશે. જેમાં ડેકેથલોનમા 10 ઇવેન્ટ આવે અને એ ઇવેન્ટમાં દોડ, કૂદ અને ફેંક એમ ત્રણ ઇવેન્ટ નું મિશ્રણ હોય છે અને ફક્ત ભાઈઓ માટે જ આ ઇવેન્ટ હોય છે. જ્યારે હેપ્ટાથલોન ફક્ત બહેનો માટેની ઇવેન્ટ છે. તેમાં સાત ઇવેન્ટ હોય છે. જ્યારે 3000 મીટર ટ્રીપલ ચેસ માત્ર ભાઇઓ માટેની ઇવેન્ટ થશે. જયારે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી એટલે એક સ્પર્ધા આગામી તારીખ 26થી 30 ડિસેમ્બર સુધી ભુવનેશ્વરની કલિંગા ઇન્સ્ટિટયૂટ ઓફ સોશિયલ સાયન્સ ખાતે રમાવાની છે. તે પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી કક્ષાની એથ્લેટિક સ્પર્ધા યોજાશે. સ્ટેટ રોલર સ્કેટિંગમાં 4 બાળકો નેશનલ લેવલ માટે સિલેક્ટ થયા
તાજેતરમાં ગુજરાત સ્ટેટ રોલર સ્કેટિંગ ચેમ્પયનશિપ-2024નું આયોજન DPS સ્કૂલ – અમદાવાદ ખાતે થયું હતું. જેમાં રાહ સ્કેટ એકેડેમીના 16 બાળકોએ ભાગ લીધો હતો. જેમાંથી 4 બાળકો નેશનલ લેવલ માટે સિલેક્ટ થયા છે. શિવાંશ જોરિયા, દેવમ કોટક, રાજદિત્યસિંહ જાડેજા તથા વ્યાના ફળદુ 2થી 8 ડિસેમ્બર મૈસુર ખાતે નેશનલ લેવલ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા જશે. આ બાળકોને કોચ રાહુલભાઈ, આશિષભાઈ તથા હર્ષભાઈ દ્વારા કોચિંગ આપવામાં આવી રહી છે. ‘4 વર્ષ પ્રેક્ટિસ બાદ ખેલાડીઓ નેશનલ સુધી પહોંચે છે’
રોલર સ્કેટિંગ કોચ હર્ષ પૂજારાએ જણાવ્યું હતું કે, ગત 1થી 7 નવેમ્બર સુધી અમદાવાદ ખાતે 44મી ગુજરાત રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાહ’સ એકેડેમીના 6 વિદ્યાર્થીઓ મેડલ લાવ્યા છે અને તેમાંથી 4 વિદ્યાર્થીઓ નેશનલ માટે સિલેક્ટ થયા છે. રોલર સ્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા મૈસુર ખાતે 62મી રાષ્ટ્રીય કક્ષાની નેશનલ ચેમ્પિયનશિપ આયોજીત કરવામાં આવશે. જેમાં આ 4 વિદ્યાર્થીઓ રમવા માટે જશે. 4 વર્ષ જેટલી પ્રેક્ટિસ બાદ ખેલાડીઓ નેશનલ સુધી પહોંચે છે. રાજકોટ જિલ્લામાં આગામી સમયમાં બેંકડ ટ્રેક રિંગ બની જશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે રીતે ઓલિમ્પિક-2036ની યજમાની માટે ભારત એટલે કે ગુજરાતે દાવેદારી નોંધાવી છે. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલું છે ત્યારે ગુજરાતમાં સ્પોર્ટ્સ માટેનું કલ્ચર ડેવલપ થઈ રહ્યું છે. તમામ જગ્યાએ પ્રોફેશનલ ગ્રાઉન્ડ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેનાથી સ્પોર્ટ્સ ઘણું ઉપર આવે છે. અંતમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં વિદ્યાર્થીઓને રોલર સ્કેટિંગ શીખવતી હોય તેવી 10 જેટલી એકેડેમી કાર્યરત છે. રાજકોટ જિલ્લામાં આગામી સમયમાં બેંકડ ટ્રેક રિંગ બની જશે. રાજકોટ માટે ગૌરવપૂર્ણ બાબત
આ ઉપરાંત રાજકોટના કોઠારીયા રોડ ઉપર આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ સ્વિમિંગ પૂલ ખાતે 23થી 30 નવેમ્બર સુધી સ્વિમિંગ અને ડાઇવિંગની નેશનલ સ્કૂલ ગેમ્સ યોજાશે. જેમાં રાજકોટના 10 સહિત દેશભરના 2500 ખેલાડીઓ અહીં ભાગ લેવા માટે આવશે. છેલ્લે વર્ષ 2017માં રાજકોટમાં સ્વિમિંગની નેશનલ સ્કૂલ ગેમ્સ યોજાઇ હતી. જે બાદ 6 વર્ષ બાદ નેશનલ સ્કૂલ ગેમ્સ યોજાઈ રહી છે જે રાજકોટ માટે ગૌરવપૂર્ણ બાબત છે. કાયમી કોચની સરકાર દ્વારા ભરતી કરવામાં આવે
રાજકોટમાં ધોળકિયા અને જય ઇન્ટરનેશનલ સ્કૂલ DLSS એટલે કે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ તરીકે કાર્યરત છે. જેમાં ધોળકિયામાં ખો-ખો તો જય ઇન્ટરનેશનલ સ્કૂલમાં એથ્લેટિક્સ અને ફૂટબોલની ટ્રેનિંગ આપવામાં આવે છે. આ પ્રકારની ગુજરાત રાજ્યમાં 19 DLSS સ્કૂલ છે. જોકે સમસ્યા એ છે કે આ સ્કૂલોમાં કાર્યરત સ્પોર્ટ્સ ટીચર 11 માસના કોન્ટ્રાક્ટ આધારિત છે જેને લીધે વિદ્યાર્થીઓને સતત એક જ સ્પોર્ટ્સ ટીચર પાસેથી ટ્રેનિંગ મળવામાં મુશ્કેલી પડે છે. આધાર જે વિદ્યાર્થીઓ ઉપર છે તે વિદ્યાર્થીઓને હાલ કોન્ટ્રાક્ટ આધારિત કોચ તાલીમ આપી રહ્યા છે. આ ઉપરાંત અન્ય કડવી વાસ્તવિકતા એ છે કે ગુજરાતમાં 5500 જેટલા સ્પોર્ટ્સ ટીચરની જગ્યા ખાલી છે, પરંતુ તેની ભરતી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી નથી.