ધીરેન્દ્ર પાટીલ
સુરત સહિત રાજ્યભરમાં પાંચ હજાર બૅન્ક ખાતાં સાઇબર માફિયા ભાડા પર ચલાવતા હોવાનો ખુલાસો સામે આવ્યો છે. એકાઉન્ટધારકને ટ્રાન્ઝેક્શનદીઠ દોઢ ટકા કમિશન અથવા 10થી 20 હજાર સુધીની ફિક્સ રકમ અને કરન્ટ ખાતા માટે એકથી દોઢ લાખ આપી સાઇબર માફિયા બૅન્ક ખાતાં ભાડે લે છે. સુરતમાં પકડાયેલા સાઇબર કૌભાંડ અને હવાલા કૌભાંડમાં ભાડે લેવામાં આવેલાં બૅન્ક ખાતાંમાં જ કરોડો રૂપિયાનાં ટ્રાન્ઝેકશન થયાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. સુરત ઉપરાંત ભાવનગર, અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં આ કૌભાંડ ચાલી રહ્યાં છે.
જ્યારે સાઇબર ફ્રોડનાં નાણાં જમા કરાવતા માફિયા તેને ચાઇનીઝ ફંડ તરીકે ઓળખાવે છે. સટ્ટા અથવા અન્ય કોઈ પણ ગેંમિંગનાં રૂપિયાને ગેમિંગ ફંડ જ્યારે જરૂર પડે ત્યારે તાત્કાલિક હવાલા પાડી શકાય તે માટે જે ફંડ રાખે છે તેને પ્રી પેઇડ ફંડ તરીકે ઓળખાવી આ આખું નેટવર્ક દુબઈથી સાઇબર માફિયાઓ ઓપરેટ કરી રહ્યા છે. ક્રાઇમ બ્રાંચનાં સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ડિજિટલ એરેસ્ટના એક કેસમાં 1 કરોડની રકમ માફિયાઓએ 2700 બૅન્ક ખાતાંમાં ટ્રાન્સફર કરાવી હતી.
અમારી તપાસમાં જ 900થી વધુ એકાઉન્ટ મળ્યાં સુરત સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ પ્રકારના સાઇબર ફ્રોડના ગુનામાં કમિશનથી કે ભાડેથી બૅન્ક એકાઉન્ટ્સનો ઉપયોગ થયો હોય એવાં 900થી વધુ એકાઉન્ટ સામે આવ્યાં છે. ઉપરાંત હજી પણ વધુ ગુના આ ટોળકી વિરુદ્ધ દાખલ થાય એવી સંભાવના છે. સુરતમાં આવી રીતે અન્ય ગેંગો પણ એક્ટિવ હોય એવી સંભાવના છે. તે દિશામાં પણ અમે તપાસ કરી રહ્યા છે. સુરતમાંથી આ ન્યૂસન્સ કાયમી ધોરણે દૂર થાય તેવા અમારા પ્રયાસો છે. – બી. પી. રોજિયા, ડીસીપી માફિયા પાનના ગલ્લા પરથી સમગ્ર નેટવર્ક ગોઠવે છે
સાઇબર માફિયાઓ અને તેમના એજન્ટો પાનના ગલ્લા પર કે બોક્સ ક્રિકેટના બોક્સમાં ભેગા થાય છે. ત્યાં આવતા લોકોની વાતો સાંભળે છે, રૂપિયાની જરૂર હોય એવા યુવકોનો એજન્ટો કોન્ટેક્ટ કરે છે. હાલમાં સૌથી વધુ રત્નકલાકાર કે હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા નાના કર્મચારીઓનાં બૅન્ક એકાઉન્ટનો ઉપયોગ થાય છે. ઉપરાંત કૉલેજ સ્ટુડન્ટ કે ઓનલાઇન બિઝનેસ કરનારાના એકાઉન્ટનો પણ ઉપયોગ થાય છે. કમિશન કે ભાડાની લાલચ આપીને બૅન્કોમાં ખાતાં ખોલાવીને આખી કિટ આપે છે. ત્યાં હાલમાં જ પકડાયેલો મિલન જેવા લોકોએ નોકરી પર રાખેલા લોકો દુબઈમાં એટીએમથી રૂપિયા ઉપાડી લે છે. કઈ કઈ ગેંગ એક્ટિવ? : હાલમાં જ પોલીસે એક ગેંગને પકડી છે, જેનો મુખ્ય આરોપી મિલન દુબઈમાં બેસીને ખેલ કરતો રહે છે. તેના જેવા દુબઈ બીજા પણ ગુનેગારો સક્રિય છે. જેમાં ખાસ કરીને કેવલ, કેતન, અતુલ સક્રિય છે. તેમની આખી ચેનલ સુરતમાં કામ કરી રહી છે. સુરતમાં હાર્દિક અને નિકુંજ દુબઈમાં બેસેલા કેવલના ખાસ માણસો છે. તે ઉપરાંત સુરતમાં કરણ અને મિતુલ તેમ જ અંકુર મોટું નામ છે, જે કમિશન પર એકાઉન્ટ લઈને તેનામાં ગેરકાયદે ટ્રાન્ઝેક્શન કરે છે.
એક બૅન્ક એકાઉન્ટ 10 દિવસથી વધુ એક્ટિવ રાખતા નથી : કમિશન પર કે ભાડેથી લીધેલા એકાઉન્ટોમાં ગેરકાયદે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન થાય છે. તે એકાઉન્ટમાં ફ્રોડના રૂપિયા આવતાં જ તરત જ તે અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાય છેઅને પછી દુબઈમાં એટીએમથી રૂપિયા નીકળી જાય છે. આવી રીતે ફ્રોડના રૂપિયાનો નિકાલ આવાં બૅન્ક એકાઉન્ટોમાં એકાદ બે વાર થાય એટલે તે એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય છે. જ્યારે ફ્રીઝ થાય ત્યારે તે એકાઉન્ટોમાં કોઈ રકમ બચતી નથી. કોઈ પણ એકાઉન્ટ 10 દિવસથી વધારે એક્ટિવ રખાતું નથી, તેથી તરત જ આ ગેંગને બીજા એકાઉન્ટની જરૂર પડે છે. અમે સરળતાથી જરૂરિયાતમંદને ઓળખી લઈએ : એજન્ટ
એક એજન્ટે નામ નહીં જણાવવાની શરતે કહ્યું કે, પાનના ગલ્લા પર કે બોક્સ ક્રિકેટના બોક્સમાં ક્રિકેટ રમતાં રમતા વાતો કરનારાઓની વાતો અમે સાંભળીએ છે. તેમાં અમને ખબર પડી જાય કે કોને રૂપિયાની જરૂર છે. ત્યાર બાદ અમે તે વ્યક્તિનો સામેથી સંપર્ક કરીએ છે. અમે લાલચ આપ્યા બાદ તે વ્યક્તિના ડોક્યુમેન્ટ લઈને તેને બૅન્કમાં લઈ જઈને એકાઉન્ટ ઓપન કરાવીએ છીએ. તેની કિટ અમે લઈ લઈએ છે. કિટમાં બધું આવી જાય છે. અમે એકાઉન્ટધારકને રૂપિયા કે કમિશન આપી દઈએ છે. એકાઉન્ટધારકને ખબર નથી હોતી કે, અમે તેના એકાઉન્ટનો કેવો ઉપયોગ કરીએ છે.
હવે તો મોટા વરાછાથી આ ગેરકાયદે ધંધો મહીધરપુરા વિસ્તારમાં વધી રહ્યો છે. આમાં છોકરીઓનાં નામે પણ એકાઉન્ટ ખોલવામાં આવે છે. કાલ કિટના સ્થાને માલ કે જગ્યા એવા કોડનો ઉપયોગ કરીએ છીએ. તમામ વ્યવહાર ટેલિગ્રામ પર થાય છે.