રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા જામનગરના રામપર ગામે રૂપિયા 300 કરોડના ખર્ચે 5100 નિરાશ્રિત અને અશક્ત વડીલો રહી શકે તે માટે દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ નિર્માણ પામી રહ્યું છે. તેના લાભાર્થે 12 વર્ષ બાદ એટલે કે, 23 નવેમ્બરથી 1 ડિસેમ્બર, 2024 સુધી મોરારી બાપુ રામકથાનું રસપાન કરાવશે. જેમાં 150 કરોડ વૃક્ષોના વાવેતર અને તેના જતનનો સંકલ્પ કરવામાં આવશે. ત્યારે દરરોજ 1 લાખ લોકો કથા શ્રવણનો લાભ લેશે અને દરરોજ 50,000 લોકો ભોજન-પ્રસાદ ગ્રહણ કરશે. દિવ્ય ભાસ્કરની ટીમ ભોજનશાળામાં પહોંચી તો રસપ્રદ વિગતો જાણવા મળી છે. 150થી વધુ રસોઈયા દરરોજ અન્નપૂર્ણા ભંડાર તૈયાર કરશે. જેમાં 9 દિવસની આ કથા દરમિયાન દરરોજ એક મીઠાઈ, 2 શાક, ફરસાણ, દાળ-ભાત આપવામાં આવશે. જે માટે 15 ટન ઘઉંનો લોટ, 300 ડબ્બા ઘી, 2000 ડબ્બા તેલ, 5000 કિલો ખાંડ, 6000 કિલો ચોખા સહિતનો જથ્થો લાવવામાં આવ્યો છે. દરરોજ ચૂલા પર 2500 કિલો રોટલી બનાવવામાં આવશે. જ્યારે દૈનિક 1000 લીટર દાળ અને 6000 કિલો શાક બનાવવામાં આવશે. 150થી વધુ રસોઇયા રોજ 50 હજારથી વધુ ભાવિકો માટે પ્રસાદ બનાવશે
રામકથા દરમિયાન ભોજનની વ્યવસ્થા કરતા કેતન પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રેસકોર્સ મેદાનમાં યોજનારી રામકથામાં દરરોજ 45 હજાર જેટલા શ્રાવીકો કથા શ્રવણ કરશે. જેમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં માઁ અન્નપૂર્ણાનો ભંડાર તૈયાર કરવામાં આવશે. આના માટે ઇડરવાળા જીતુભાઈને કેટરિંગ આપવામાં આવેલું છે. જેના 150થી વધુ રસોઇયાઓ રસોઈ બનાવવાના છે. લાઇવ ચૂલા પર સ્વામિનારાયણની રોટલી બનાવવામાં આવશે. સાથે જ લોટ બાંધવા માટે મશીન રાખેલું છે. ભોજન પ્રસાદમાં પ્રથમ દિવસે ફાડા લાપસી, મિક્સ ભજીયા, મગ મિક્સનું શાક, રોટલી, દાળ-ભાત, શાક અને સંભારો આપવામાં આવશે. આ રીતે મોહનથાળ સહિતની મીઠાઈ ઉપરાંત દરરોજ બે શાક હશે. મોટા ભંડારા થતાં હોય ત્યાં અમે કામ કરીએ છીએઃ પ્રતિક સોની
જ્યારે કેટરિંગનુ સંભાળતા પ્રતિક સોનીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં જે જગ્યાએ મોરારી બાપુની કથા થતી હોય અને જે સ્થાનો ઉપર મોટા ભંડારા થતા હોય તે તમામ જગ્યાએ કેટરિંગનું કામ અમે જ કરીએ છીએ. આ ઉપરાંત ખોડલધામ તેમજ પરબ સહિતના ધાર્મિક સ્થળો ઉપર ભોજન પ્રસાદ અમે જ બનાવીએ છીએ. આ રીતે મોટી સંસ્થાઓમાં અમે કામ કરીએ છીએ. ઇડરમાં સદગુરુ કેટરર્સ નામથી છેલ્લા 4 દાયકાથી કેટરિંગનું કામ કરીએ છીએ. ‘માહોલ જોતા લાગે છે કે પબ્લિક વધુ આવશે’
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અહીં રામકથામાં દરરોજ 40થી 50 હજાર જેટલા લોકો ભોજન ગ્રહણ કરવાના છે, પરંતુ માહોલ જોતા એવું લાગે છે કે પબ્લિક વધુ આવશે. દરરોજ અલગ-અલગ મીઠાઈ આપવામાં આવશે, જેમાં લાડવા, મોહનથાળ, બુંદી, મગની દાળનો શીરો રાખવામાં આવશે. દરરોજ 1000 લીટર દાળ બનશે. આ ઉપરાંત દૈનિક 2500 કિલો રોટલી, 6000 કિલો શાક હશે. અહીં દરેક વસ્તુઓ ચોખ્ખા ઘીમાં બનાવવામાં આવશે. પ્રસાદ તમામ લોકો માટે એક સરખો હશે. આ પણ વાંચો…. દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ રાજકોટમાં, 300 કરોડમાં 11 માળની 7 બિલ્ડિંગમાં 1400 રૂમ બનશે, 5100 વડીલોની નિઃશુલ્ક સેવા કરાશે; મંદિરથી લઈ મેડિકલ સુધીની સુવિધા