પાલિકાએ કારેલીબાગ સ્વિમિંગ પુલ સાથે જિમ બિલ્ડિંગનું નિર્માણ કર્યું હતું. જોકે તજ્જ્ઞોની સલાહ લીધા વિના બનાવેલું જિમનું બાંધકામ યોગ્ય ન હોવાથી તેમાં 8 વર્ષથી સાધનો પડી રહ્યાં છે. વીએસએફ સંસ્થાએ જિમમાં 30 સુધારા સૂચવ્યા હતા. જોકે તે શક્ય ન હોવાનું કહી સુધારા કરવાનું ટાળતાં 8 વર્ષથી જિમ બંધ છે. પાલિકાના અનુભવી ઇજનેરો અણઆવડતના કારણે કરેલાં કામો માટે ચર્ચામાં રહે છે. 2014માં 10.91 કરોડના ખર્ચે કારેલીબાગ સ્વિમિંગ પુલ બિલ્ડિંગનું કામ કોન્ટ્રાક્ટર કિસ્મતરાય પટેલને સોંપાયું હતું. જેમાં સ્વિમિંગ પુલ, તેનું બિલ્ડિંગ અને જિમનું બાંધકામ કરાયું હતું. 2016માં આ બાંધકામ 13 કરોડ સુધી પહોંચ્યું હતું. જોકે તે સમયે 93.46 ચો.મીટરના 2 રૂમમાં શરૂ કરાયેલું જિમ આજે પણ બંધ છે. સમા અને માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સંચાલન કરતી સંસ્થા વીએસએફે જિમ માટે 30 સુધારા સૂચવ્યા હતા. જેમાં સૌથી મહત્ત્વનો સુધારો હતો કે, જિમ ઇક્વિપમેન્ટ માટે 16 એમ્પિયર સાથે ઈએલસીબીના હેવી કનેક્શન જિમમાં ઉપલબ્ધ ન હોવાથી જાનહાનિ થવાની શક્યતા છે. વેન્ટિલેશનનો અભાવ પણ જણાયો હતો. જોકે સ્વિમિંગ પુલ ચાલુ હોવાથી સુધારા શક્ય નથી, તેવો નિર્ણય લેવાતાં 8 વર્ષથી જિમ બંધ છે. નોંધનીય છે કે, બંને રૂમને એક કરી ટેરેસનો ઉપયોગ કરી જિમ ચાલુ કરી શકાય, તેવું સૂચન તજ્જ્ઞો દ્વારા અપાયું છે. રૂમમાં પાણી ભરેલાં, ધૂળ ખાતાં સાધન
જિમના એક રૂમમાં પાણી ઝમે છે. જેને કારણે રૂમમાં પાણી ભરાય છે. જ્યારે લાખોના ખર્ચે વસાવાયેલાં જિમનાં સાધનો 8 વર્ષથી ધૂળ ખાઈ રહ્યાં છે છતાં અધિકારીઓના પેટનું પાણી નથી હલતું. 2018-19માં VSFસંસ્થાએ જિમમાં આ સુધારા સૂચવ્યા હતા
રબર કાર્પેટ અને ફ્રી વેઇટ્સ એરિયા, સ્ટીમ બાથરૂમ, લોકર, પાણીની વ્યવસ્થા, બૂટ માટે રેક , મ્યૂઝિક સિસ્ટમ, મલ્ટીબેંચ-2, ફ્લેટ બેંચ 2, સ્મિથ મશીન , લેગ પ્રેશ ફંકશનલ પુલી, ઈંકલાઈન-ડીક્લાઇન-ફ્લેટ ચેસ્ટ બેન્ચ પ્રેસ, પીક ડેક મશીન , લેગ કર્લ-લેગ એક્સટેન્શન કોમ્બો મશીન, યોગા મેટ-10 , સ્ટીક્સ-10, સ્ટેપ અપ બોર્ડ-10, ટ્યૂબસ-10, સ્કીપિંગ રોપ-10, પેર ઓફ કેટલ બેલ (1,2,4,5,8 કિલો), બેટલ રોપ-20 ફીટ, પંચિંગ બેગ, પુલી મશીન માટે વેરિયસ હેન્ડલ લોકોને તંદુરસ્ત કરતા જિમને દુરસ્ત કરવું જરૂરી હેવી વીજ : જિમનાં મશીન માટે હેવી વીજ જોડાણ ન હોવાથી જાનહાનિ થવાની શક્યતા છે. શોર્ટ સર્કિટથી આગનું પણ જોખમ.
નાના રૂમ : જિમ માટેના બે રૂમ પૈકીનો એક રૂમ 52.7 ચો.મી.નો અને બીજો રૂમ 40.7 ચો.મી. ક્ષેત્રફળનો છે. જેમાં સુધારા કરવા જરૂરી છે.
વેન્ટિલેશનનો અભાવ : વેન્ટિલેશનનો અભાવ છે. જો જિમ ચાલુ કરાય અને વધુ લોકો આવે તો મુશ્કેલી સર્જાઈ શકે છે. પૂર્વ મ્યુ. કમિશનરે પણ જિમ બંધ રાખવા હામી ભરી હતી
સામાન્ય રીતે જિમ માટે વિશાળ જગ્યા, યોગ્ય વેન્ટિલેશન અને ટોઇલેટ-બાથરૂમ અલગ હોવાં જરૂરી છે. જોકે જિમના 2 રૂમ નાના હોવાથી સુધારા-વધારા જરૂરી હતા.સૂત્રો મુજબ 2018-19માં સ્વિમિંગ પુલ કાર્યરત હોવાથી સુધારા-વધારા શક્ય નથી, તેમ પૂર્વ મ્યુ. કમિ. અજય ભાદુને જણાવતાં તેઓએ જિમ હાલ પૂરતું બંધ રાખવા હામી ભરી હતી.