અનિરુદ્ધસિંહ પરમાર
શિયાળામાં બાળકો કોઈ પણ જગ્યાએથી ખરીદેલાં સ્વેટર પહેરી શકે તે માટે પરિપત્રો કરાયા છે, પરંતુ તેના અમલ માટે શિક્ષણ અધિકારીઓ પાસે કોઈ પ્લાન જ નથી, જેના કારણે વાલીઓ પરેશાન થઈ રહ્યા છે.
ડીઈઓની સૂચના બાદ સંચાલકોએ વાલીઓને માર્કેટમાંથી ગમે ત્યાંથી સ્વેટર ખરીદવાની મંજૂરી આપી દીધી છે, પરંતુ સાથે બાળકોને ‘સ્વેટર પર સ્કૂલનો લોગો કેમ નથી?’ તેવું કહીને પરોક્ષ રીતે સ્કૂલની દુકાનનું જ સ્વેટર ખરીદવા દબાણ કરે છે. આવા સ્વેટર માર્કેટમાં ખાસ દુકાને જ મળે છે. બધી દુકાનોમાં દરેક સ્કૂલનાં સ્વેટર મળતાં નથી. ઉપરાંત સ્વેટર પર સ્કૂલનો લોગો એમ્બ્રોઇડરી કરી તૈયાર કરાયો હોય છે, જેથી આ લોગોવાળા સ્વેટર બધી દુકાનમાં હોતાં નથી. એટલે એક તરફ વાલીઓને માર્કેટમાંથી ગમે ત્યાંથી સ્વેટર ખરીદવા છૂટ અપાઈ છે, પરંતુ હકીકત એ છે કે દરેક સ્કૂલે પોતાનાં યુનિફોર્મની જેમ ગરમ કપડાં માટે પણ ખાસ દુકાનોને કામ આપેલું છે. વાલી ફરિયાદ કરતા ડરે છે, તેથી ડીઈઓમાં ફરિયાદો મળતી નથી અને સ્કૂલો સામે કાર્યવાહી થતી નથી. સ્કૂલોની દુકાનોમાં વેચાતાં સ્વેટરનો ભાવ રૂ. 500 વધુ હોય છે. જ્યારે નાનાં બાળકોના સ્વેટર 350થી 400માં મળી રહે છે.
શહેર-ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર કરી સંચાલકોને સ્પષ્ટ સૂચના આપી છે કે, સ્કૂલ વિદ્યાર્થીને કોઈ ચોક્કર કલરના કે ચોક્કસ દુકાનેથી ખરીદવા દબાણ કરી શકશે નહિ. આ અંગે ગ્રામ્ય ડીઈઓ કૃપા ઝાએ કહ્યું કે, અમે અત્યાર સુધીમાં આવી 3 સ્કૂલમાં તપાસ કરી છે. ગોતાની સેન્ટ મેરી સ્કૂલ કોટ પ્રકારનાં ગરમ કપડાં ખરીદવા દબાણ કરે છે. અમારી સૂચના બાદ પ્રિન્સિપાલે વાલીઓને અન્ય ગરમ કપડાં ખરીદવાની છૂટ આપી છે. વાલી કોઈ પણ દુકાનમાંથી સ્વેટર ખરીદી શકે પણ સ્કૂલનો લોગો હોય તેવું સ્વેટર ખાસ દુકાને જ મળે છે વાલીને અન્ય દુકાનેથી કલર મળી જશે, પરંતુ લોગોવાળું સ્વેટર નહીં મળે આથી વાલીએ સ્કૂલે નક્કી કરેલી દુકાનેથી જ સ્વેટર ખરીદવું પડે છે અમુક સ્કૂલો પોતે જ બનાવીને દુકાનોને વેચવા આપે છે સ્કૂલોમાં યુનિફોર્મ કે સ્ટેશનરીનું વેચાણ ન કરવાના નિયમનો સંચાલકોએ પોતાનો જ રસ્તો કાઢી લીધો છે. અમુક સ્કૂલો પોતે જ સ્વેટરો તૈયાર કરાવે છે. તેને નજીકની દુકાનોમાં કમિશનના આધારે વેચવા આપે છે. આથી દુકાનદાર માત્ર પીસ પ્રમાણે કમિશન લઈને તે વાલીને વેચે છે. જ્યારે વધુ નફો તો સ્કૂલ સંચાલકો જ રળે છે. સ્કૂલે જ લોગો વાલીને આપવો જોઈએ
વિદ્યાર્થી પાસે આઈકાર્ડ હોય છે, તો શા માટે લોગોનો આગ્રહ રાખવામાં આવે છે. જો સ્કૂલ લોગોનો આગ્રહ રાખે છે તો તેણે જ લોગો વાલીને આપવો જોઈએ, પરંતુ સંચાલકોની આ રીત યોગ્ય નથી. આપણે ત્યાં ઠંડીની સિઝન પણ બહુ લાંબી ચાલતી નથી. આ સ્થિતિમાં સંચાલકોએ પણ વાલીઓને સમજવા જોઈએ.
{ ભાસ્કર પટેલ, પ્રમુખ, શાળા સંચાલક મંડળ
ફરિયાદ આવશે તો કાર્યવાહી કરીશું
વાલી ફરિયાદ કરશે તો ચોક્કસથી અમે પગલાં લઈશું. સ્કૂલો પોતાના લોગોવાળાં સ્વેટર ખરીદવા માટે દબાણ ન કરી શકે. દરેક સ્કૂલોને સ્પષ્ટ સૂચના અપાઈ છે કે, કોઈ વાલીને માનસિક હેરાનગતિ ન કરે. જો કોઈને સમસ્યા હશે તો પગલાં લઈશું. { રોહિત ચૌધરી, શહેર ડીઈઓ