વટવા વિસ્તારમાં ચંદ્રલોક બંગ્લોઝ પાસે આવેલી કેનાલ પર શનિવારે મોડી સાંજે એક બાઈક સવાર અચાનક ઢળી પડ્યો હતો. યુવકના ગળા પર ઇજાના નિશાન હોવાનું જાણવા મળ્યું છે. જોકે, તેને હોસ્પિટલ લઈ જવાય તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ હત્યાનો છે કે યુવકને ક્યાંથી ઈજા થઈ છે તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. મૃતકના ગળા પરથી ઈજાના નિશાન મળ્યા હતા. આ અંગે વટવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તપાસ શરૂ કરી છે. વટવામાં ઘોડાસર ચાર રસ્તાથી સ્મૃતિ મંદિર નજીક આવેલ ચંદ્રલોક બંગ્લોઝ પાસેની કેનાલ પર બાઈક પર આવી રહેલો 26 વર્ષીય હિમાંશુ મહેશકુમાર રાણા દુધેશ્વર વિસ્તારમાં આવેલી કુરિયર કંપનીમાં નોકરી કરતો હતો. શનિવારે સાંજે યુવક ઘોડાસર ચંદ્રલોક બંગલોઝ નજીક આવેલી કેનાલ પાસે અચાનક ઢળી પડતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. જોકે, એમ્બ્યુલન્સ બોલાવીને તેને સારવાર માટે ખસેડાય તે પહેલા તેનું મોત નીપજ્યું હતું. નજરે જોનાર લોકોના અનુસાર યુવક બાઈક પર એક હાથ ગળા પર રાખીને કેનાલ નજીક આવ્યો હતો. આ સમયે જોગાનુજોગ નજીક રહેતા તેના સબંધી કામસર બહાર નીકળતા તેમણે યુવકને બાઈક પરથી ઢળી પડતા તેની નજીક જઈને જોતા ગળાના ભાગે ઈજા થયેલી જોવા મળી હતી. આ અંગે વટવા પોલીસે સ્થળ પર આવીને તપાસ કરતા યુવકને આગળથી ગળાના ભાગે ઈજા થઈ હશે. જોકે, ગળા પરનો ઘા જોતા તેના પર કોઈએ હુમલો કર્યો કે તેને કોઈ ચાઈનીઝ દોરી ગળામાં આવી ગઈ તેથી ઈજા થઈ કે કેમ તે મામલે પોલીસ પણ અસમંજસની સ્થિતિમાં છે. આ અંગે હાલમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.