એન.સી.સી. ડે દર વર્ષે નવેમ્બર મહિનાનાં છેલ્લા રવિવારે ઉજવવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજપીપળાની શ્રી એમ.આર.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના એન.સી.સી.કેડેટ્સ દ્વારા એન.સી.સી. ડેની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સો જેટલા એન.સી.સી. કૅડેટસે ઉત્સાહભેર ભાગ લીધો હતો. સૌ પ્રથમ કેડેટ્સ દ્વારા કોલેજ કેમ્પસ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ “ઇન્સાઇટસ ઇનટુ મિલિટરી લાઈફ એન્ડ વેલ્યૂઝ ” વિષય ઉપર કૅડેટસે ડ્રોઈંગ, નિબંધ અને ડિબેટ જેવી વિવિધ કોમ્પિટશનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ત્યારબાદ બ્લડ ડોનેશન કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એન.સી.સી. ઓફિસર કેપ્ટન રાહુલ ઠક્કર, થ્રિ ગુજરાત ઈન્ડિપેન્ડેન્ટ કંપનીનાં સુબેદાર સંજય સિંઘ, સી.ટી.ઓ. વિજય પટેલ, કંપનીનાં તમામ પી.આઈ. સ્ટાફ અને એમ.આર.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ અને સી.પી.ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશનનાં કૅડેટસે આ બ્લડ ડોનેશન કેમ્પમાં ખુબ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. એન.સી.સી.ઓફિસર કેપ્ટન રાહુલ ઠક્કરે માહિતી આપતા જણાવ્યું હતું કે, એન.સી.સી.માં રેગ્યુલર પ્રવૃત્તિ ઉપરાંત સામાજિક સેવાઓની ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેથી કેડેટસનો સર્વાંગી વિકાસ થઇ શકે અને કેડેટ્સ સમાજ પ્રત્યેની તેમની નૈતિક જવાબદારીઓથી અવગત થાય. આ પ્રસંગે કોલેજનાં આચાર્ય ડો. શૈલેન્દ્રસિંહ માંગરોલાએ વિદ્યાર્થીઓને તેમના ઉમદા કાર્યો બદલ બિરદાવ્યા હતા અને ભવિષ્યમાં પણ આવી સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહી સમાજ સેવા અને દેશ સેવા કરવા પ્રોત્સાહિત કર્યા હતા.