અમદાવાદ મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્કની 718 જગ્યા માટે શહેરમાં પરીક્ષા યોજાઈ રહી છે. આ પરીક્ષા માટે રાજ્યભરમાંથી 1.10 લાખથી વધારે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. અમદાવાદનાં 300થી વધારે પરીક્ષા કેન્દ્ર પર બપોરે 12:30થી 2 વાગ્યા સુધી આ પરીક્ષા યોજાશે. ઉમેદવારોને 11:30 વાગ્યે કેન્દ્રમાં પ્રવેશ અપાયો
આ પરીક્ષા માટે માત્ર અમદાવાદમાંથી જ નહીં, પરંતુ રાજ્યભરના અલગ-અલગ જિલ્લામાંથી ઉમેદવારો પહોંચ્યા છે. આ પરીક્ષા 100 માર્કસની રહેશે, જેમાં તમામ પ્રશ્નો MCQ આધારિત હશે. આ પરીક્ષા દોઢ કલાક સુધી યોજાશે. ઉમેદવારોને 11:30 વાગ્યે કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. તમામ કેન્દ્રમાં ઉમેદવારોને ચેકિંગ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ પરીક્ષામાં પરીક્ષાર્થી આવે ત્યારથી રવાના થાય ત્યાં સુધીનું સીસીટીવી દ્વારા સમગ્ર રેકોર્ડિંગ કરવામાં આવશે. પરીક્ષા હેમખેમ પાર પડે તેવી આશાઃ નાગેશ પ્રજાપતિ
સાબરકાંઠાથી પરીક્ષા આપવા આવેલા નાગેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, હું સાબરકાંઠાના પોશીના તાલુકાથી પરીક્ષા આપવા આવ્યો છું. છેલ્લા બે વર્ષથી પરીક્ષાની તૈયારી કરતો હતો. આજની પરીક્ષાને લઈને આશા છે કે, પરીક્ષા હેમખેમ પાર પડી જાય. અગાઉ તલાટી અને CECની પરીક્ષા આપી હતી, જેનો અનુભવ સારો રહ્યો છે. ત્યારબાદ આજે ફરીથી પરીક્ષા આપવા માટે આવ્યો છું. આ પરીક્ષા હું પાસ કરીશઃ દિનેશ ચૌધરી
બનાસકાંઠાથી પરીક્ષા આપવા આવેલા દિનેશ ચૌધરી નામના ઉમેદવારે જણાવ્યું હતું કે, બનાસકાંઠાના ધાનેરાથી આવ્યો છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાની ખૂબ જ સારી તૈયારી સાથે આવ્યો છું. અગાઉ મેં અનેક સરકારી નોકરીની ભરતીની પરીક્ષા આપી છે, તેના આધારે જ આજે પરીક્ષા આપીશ. મને વિશ્વાસે છે કે, આ પરીક્ષા હું પાસ કરીશ.