ગુજરાતમાં માંડ ફૂલગુલાબી ઠંડીનો માહોલ જામ્યો ત્યાં તાપમાનનો પારો ફરી ઉંચકાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના વિવિધ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન બે ડિગ્રી સુધી વધવાની સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ અને મહત્તમ તાપમાન એક ડિગ્રી સેલ્સિયસ જેટલું વધ્યું છે. આગામી સમયમાં તાપમાનમાં વધારો થતાં ઠંડીમાંથી અંશતઃ રાહતના એંધાણ હવામાન વિભાગે વ્યક્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી પવનો આવતા હોવાથી તે હિમાલયના ઠંડા પવનનોને ગુજરાત સુધી ખેંચી લાવે છે. પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં પૂર્વ અને દક્ષિણ પૂર્વ દિશા તરફથી ગુજરાત પર પવન આવવાના હોવાથી ઠંડીના ચમકારામાંથી રાહત મળવાની સંભાવના છે. પોરબંદરમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યભરમાં પોરબંદરમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં ગતરોજ પોરબંદરમાં સામાન્ય કરતાં 3.9 ડિગ્રી સેલ્સિયસ ઓછું લઘુત્તમ તાપમાન નોંધાઈ ને 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત રાજ્યના ચાર મહાનગરોમાં અમદાવાદમાં 16 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 14.8 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 14.9 અને સુરતમાં 19.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી દિવસોમાં તાપમાન વધારો નોંધાશે
ઉલ્લેખનીય છે કે, પવનની દિશા ફંટાતા મહત્તમ તાપમાનમાં પણ વધારો નોંધાયો છે. જેમાં અમદાવાદ શહેરનું દિવસ દરમિયાનનું મહત્તમ તાપમાન 31.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જો કે, આ તાપમાન 22 નવેમ્બરના તાપમાન કરતા વધુ છે, પરંતુ તેમ છતાં સામાન્ય કરતા હજુ પણ 0.9 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન ઓછું નોંધાયું છે.