વડોદરા શહેરમાં થોડાક દિવસ અગાઉ નાગરવાડા વિસ્તારમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ વડોદરા કોર્પોરેશન દ્વારા રસ્તામાં આવતા અને ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે આજે સતત છઠ્ઠા દિવસે શહેરના આજવા રોડ પર સરદાર એસ્ટેટથી મહાવીર હોલ ચાર રસ્તા તરફના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે પાલિકાની દબાણ શાખા પહોંચી હતી. આ કામગીરી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી. છઠ્ઠા દિવસે પણ દબાણ શાખાની કામગીરી
વડોદરા કોર્પોરેશન દ્વારા ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્ર તપન પરમારની હત્યા થયા બાદ દબાણો દૂર કરવાની ઘનિષ્ઠ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે પ્રથમ દિવસે સંવેદનશીલ મચ્છી પીઠ, સલાટવાળા, નાગરવાડા, સંગમ ચાર રસ્તાથી ફતેપુરા ચાર રસ્તા તે બાદ ન્યાયમંદિર, દૂધવાળા મોહલ્લા, પથ્થરગેટ, નવાપુરા, મહેબુબપૂરા, તાંદલજા સહિતના વિસ્તારોમાં રસ્તા ઉપર ગેરકાયદેસર ઉભી રહેલી લારીઓના દબાણો તેમજ કાચા-પાકા શેડના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તે બાદ આજે છઠ્ઠા દિવસે પાલિકાની દબાણ શાખાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શહેરના આજવા રોડ પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ઘરી હતી. પોલીસ મોડી આવતા કામગીરી લેટ શરૂ થઈ
છેલ્લા છ દિવસથી ચાલતી આ કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. આ હંગામી દબાણો દૂર કરવાનો મામલો ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ સિલસિલો યથાવત્ રહ્યો છે. ત્યારે દબાણ શાખાને હંમેશા બંદોબસ્ત આપતાં પોલીસ વિભાગ દ્વાર સમયસર બંદોબસ્ત મળે છે, પરંતુ આ ડ્રાઈવમાં બેથી ત્રણ વાર દબાણ શાખાની ટીમે પોલીસ સ્ટેશન આગળ જઈ એકથી બે કલાક સુધી રાહ જોવાનો પણ વારો આવ્યો છે. ત્યારે જો તંત્ર દ્વારા યોગ્ય સંકલન થાય તો આ કાર્યવાહીમાં આવતા તમામ અધિકારીઓ,કર્મચારીઓ, સ્ટેટ લાઇટ વિભાગ, ફાયર વિભાગ, આરોગ્ય વિભાગની ટીમોને હેરાનગતિ ઓછી થઈ શકે છે. દબાણ કર્તાઓની ચાલાકી કેમેરામાં કેદ
દબાણ શાખાની ટીમ કાર્યવાહી કરે છે, ત્યારે દબાણ કર્તાઓ ચાલાકી વાપરતા હોય છે. ટીમ પહોંચે તે પહેલાં પોતાનાં હંગામી દબાણો જાતે દૂર કરે છે. સાથે શેડ ફોલ્ડિંગ બનાવી મારજીન એરિયાની અંદર લઇ લે છે. ત્યારે દિવ્ય ભાસ્કરના કેમેરામાં આ દૃશ્યો કેદ થયા છે. દબાણ શાખાનાં અઘિકારીઓ દબાણ દુર કરવાની કાર્યવાહીમાં કેટલીક વાર આડકતરી રીતે બચાવવાનો પ્રયાસો થતો હોય છે. પરંતુ દિવ્ય ભાસ્કરે સવાલ કરતા જ આખરે ફોલ્ડિંગ કરેલા પતરાનો શેડ દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રોડ લાઈન અને ફૂટપાથ પરના હંગામી દબાણો દૂર કરાયા
આ અંગે દબાણ શાખાના અધિકારી રાજેશ મેકવાને જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર વિસ્તારમાં આવેલા સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી લઇ મહાવીર હોલ ચાર રસ્તા સુધી રોડ લાઈન અને ફૂટપાથ પરના હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ કામગીરીમાં બાપોદ પોલીસ મથકનો સ્ટાફ , વોર્ડ પાંચના ઓફિસર સહિત તેમનો સ્ટાફ, ટીડીઓ ડિપાર્ટમેન્ટ, ટીપી ડિપાર્ટમેન્ટનો સ્ટાફ સહિત એન્જિનિયર અને સર્વેયર સહિત જમીન મિલકત શાખાના અધિકારીઓ હાજર છે. બે ટ્રક જેટલો સામાન જપ્ત કરાયો
વધુમાં જણાવ્યું કે, બોર્ડ, બેનર, લારી-ગલ્લા, શેડ દુર કરી બે ટ્રક જેટલો સામાન જપ્ત કર્યો છે અને હાલમાં કાર્યવાહી ચાલી રહી છે. આ રૂટિન પ્રક્રિયા છે, આ કમિશનર સાહેબના આદેશથી કામગીરી કરવામા આવી રહીં છે. વધુ દબાણ થશે તો આ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.