ભારતીય બેટર તિલક વર્મા T-20 ક્રિકેટમાં સતત ત્રણ ઇનિંગ્સમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024-25ની પ્રથમ મેચમાં મેઘાલય સામે હૈદરાબાદ માટે 67 બોલમાં 151 રન બનાવીને આ સિદ્ધિ મેળવી હતી. આ મેચ રાજકોટમાં રમાઈ રહી છે. આ પહેલા તેણે સાઉથ આફ્રિકા સામે ત્રીજી અને ચોથી T20માં સતત બે સદી ફટકારી હતી. તેણે સેન્ચુરિયનમાં અણનમ 107 અને જોહાનિસબર્ગમાં અણનમ 120 રન બનાવ્યા હતા. T20માં 150થી વધુ રન બનાવનાર ભારતીય પુરૂષ ક્રિકેટર
તિલક T20માં 150થી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય પુરુષ ક્રિકેટર પણ બની ગયો છે. તેના પહેલા, કિરણ નવગીરે 2022માં સિનિયર વુમન્સ T20 ટ્રોફીમાં અરુણાચલ પ્રદેશ સામે નાગાલેન્ડ માટે 162 રન બનાવ્યા હતા. નવગીર હવે મહારાષ્ટ્ર તરફથી રમે છે. હૈદરાબાદે 248 રન બનાવ્યા
તિલક મેઘાલય સામે ત્રીજા નંબરે બેટિંગ કરી અને 225.37ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. તેણે પોતાની ઇનિંગમાં 14 ફોર અને 10 સિક્સર ફટકારી હતી. તેણે 18 બોલમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 50 રન બનાવ્યા હતા. તિલકે બીજી વિકેટ માટે માત્ર 48 બોલમાં 122 રન જોડ્યા હતા. તેની ઇનિંગની મદદથી હૈદરાબાદે 4 વિકેટે 248 રન બનાવ્યા હતા. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં હૈદરાબાદનો આ સર્વોચ્ચ સ્કોર છે. આ સ્પર્ધાના ઈતિહાસમાં પાંચમો સર્વોચ્ચ સ્કોર પણ છે. જવાબમાં મેઘાલયની ટીમ 69 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હૈદરાબાદે આ મેચ 179 રને જીતી લીધી હતી. ટીમ તરફથી અનિકેત રેડ્ડીએ 4 વિકેટ ઝડપી હતી. મુંબઈએ રિટેન કર્યો
તિલક વર્મા IPL-2025ના ઓક્શન પહેલા મુંબઈ ઈન્ડિયન્સે રિટેન કરેલા પાંચ ખેલાડીઓમાંના એક હતો. તે 2023 અને 2024માં ટીમ માટે રમ્યો હતો. તેના સિવાય મુંબઈએ જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને રોહિત શર્માને રિટેન કર્યા છે.