પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંત (કેપીકે)ના કુર્રમ જિલ્લામાં ગુરુવારથી ચાલી રહેલી હિંસામાં મૃત્યુઆંક 82 પર પહોંચી ગયો છે, જ્યારે 156 લોકો ઘાયલ છે. માર્યા ગયેલા લોકોમાં 16 સુન્ની અને 66 શિયા સમુદાયના હતા. હુમલાખોરોએ મહિલાઓ અને બાળકો સહિત ઘણા લોકોને બંધક બનાવી લીધા છે અને મૃતદેહોને સોંપવાનો ઈન્કાર કરી રહ્યા છે. ખૈબર પખ્તુનખ્વાના મંત્રી આફતાબ આલમે કહ્યું, “આજે અમારો પહેલો પ્રયાસ બે જૂથો વચ્ચે યુદ્ધવિરામ હાંસલ કરવાનો છે. આવું થતાં જ અમે બંને પક્ષો વચ્ચે સમજૂતી પર પહોંચવાનો પ્રયાસ કરીશું. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા અનુસાર, હજુ પણ લડાઈ ચાલુ છે. બે જૂથો વચ્ચે છૂટાછવાયા ગોળીબાર ચાલુ છે. પારાચિનારથી ખૈબર પખ્તુનખ્વા જઈ રહેલા કાફલા પર હુમલો
ગુરુવારે કુર્રમ જિલ્લાના મંડુરી અને ઓછતમાં 50થી વધુ પેસેન્જર વાન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 6 વાનને ભારે નુકસાન થયું હતું. આ તમામ વાહનો એક કાફલામાં પરચિનારથી ખૈબર પખ્તુનખ્વાની રાજધાની પેશાવર જઈ રહ્યા હતા. અફઘાનિસ્તાનની સરહદે આવેલા શિયા પ્રભુત્વ ધરાવતા કુર્રમ જિલ્લામાં અલીઝાઈ (શિયા) અને બાગાન (સુન્ની) જાતિઓ વચ્ચે દાયકાઓથી સંઘર્ષ ચાલી રહ્યો છે. સરહદ વિવાદને કારણે આતંકવાદીઓનું આશ્રયસ્થાન બની ગયું
ખૈબર પખ્તુનખ્વાને લઈને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે હંમેશા તણાવ રહ્યો છે. આ કારણે ઘણા આતંકવાદી જૂથો તેનો ઉપયોગ આશ્રયસ્થાન તરીકે કરે છે. આ સિવાય અહી રહેતા આદિવાસીઓ વચ્ચે લાંબા સમયથી જમીનનો વિવાદ ચાલી રહ્યો છે. અહીં બનતી આતંકવાદી ઘટનાઓનું મુખ્ય કારણ બંને દેશો વચ્ચે સરહદી વિસ્તારને લઈને પરસ્પર સહમતિનો અભાવ છે. વાસ્તવમાં, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન એક સરહદ દ્વારા અલગ પડે છે. તેને ડ્યુરન્ડ લાઇન કહેવામાં આવે છે. પાકિસ્તાન તેને સીમા રેખા માને છે, પરંતુ તાલિબાન સ્પષ્ટપણે કહે છે કે પાકિસ્તાનનું ખૈબર પખ્તુનખ્વા રાજ્ય તેનો ભાગ છે. પાકિસ્તાની સેનાએ અહીં કાંટાળી તાર લગાવી દીધી છે. અફઘાનિસ્તાન પર કબજો કર્યા પછી, તાલિબાનોએ પાકિસ્તાનને આ વિસ્તાર ખાલી કરવા કહ્યું અને અહીંની ફેન્સીંગને ઉખાડી નાખી. પાકિસ્તાને તેનો વિરોધ કર્યો અને ત્યાં સેના તૈનાત કરી. આ પછી તાલિબાને ત્યાં હાજર પાકિસ્તાની ચેકપોસ્ટને ઉડાવી દીધી હતી. આ પછી બંને દેશો વચ્ચે તણાવ વધુ વધી ગયો.