છેલ્લા ઘણા સમયથી હૃદયરોગના હુમલાથી યુવાનોનાં આકસ્મિક મોત થઈ રહ્યાં છે. અગાઉ આધેડ ઉંમરના લોકો પણ 3 વખત એટેક આવતાં સુધી સારવાર લઈ અનેક વર્ષો સુધી જીવતા હતા, જ્યારે કેટલાંક વર્ષોથી સ્થિતિ બદલાઈ છે. 30 થી 55 વર્ષનાં લોકોને અચાનક હૃદયરોગનો હુમલો આવે છે અને સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ થઈ રહ્યું છે. આ મૃત્યુ કેમ થઈ રહ્યાં છે, કોઈ પેટર્ન બદલાઈ છે કે યુવાનોના આહાર-વિહાર તે અંગે બરોડા મેડિકલ કોલેજ દ્વારા રિસર્ચની તૈયારી હાથ ધરાઇ છે. કોલેજ દ્વારા પાલિકાના આરોગ્ય વિભાગ પાસે ડેટાની માગ કરાઈ હતી. યુવાનોની જીવનશૈલી બદલાઈ છે. ઉપરાંત ખાણી-પીણી તેમજ નશો કરવાની ટેવ પણ અચાનક મૃત્યુ માટે કારણભૂત હોઈ શકે છે. નોંધનીય છે કે, કોરોના બાદ રસીથી મૃત્યુ થયાની ચર્ચા ઊઠી હતી ત્યારે બરોડા મેડિકલ કોલેજે રિસર્ચ કરતાં વેક્સિનને લીધે મૃત્યુ થતાં નથી તેવું તારણ નીકળ્યું હતું. 30થી 40 વર્ષના થાપાના બોલની સર્જરી વધી કોરોના વખતે આપેલી સ્ટિરોઈડને પગલે યુવાનોમાં ખાસ કરીને 30થી 40 વર્ષની ઉંમરના યુવાનોમાં થાપાની નસમાં લોહીનું ભ્રમણ બંધ થવાને પગલે થાપાના બોલની સર્જરીમાં વધારો થયાનું જોવા મળી રહ્યું છે. છેલ્લાં 5 વર્ષમાં આ સંખ્યામાં 10%નો વધારો જોવા મળે છે, તેમ આઈએમએ દ્વારા જાણવા મળ્યું છે. ગભરામણ, ચક્કર, પરસેવા બાદ મોતના કિસ્સા શહેરના વાઘોડિયા રોડ પર 36 વર્ષના યુવકનું 2 દિવસ પહેલાં મૃત્યુ થયું હતું. આ યુવક સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ પામ્યો હતો. દવાખાનામાં ટેસ્ટ દરમિયાન તેનું 20 ટકા હૃદય કામ કરતું હોવાનું જણાયું હતું. સયાજી હોસ્પિટલમાં ચક્કર આવવાના, પરસેવો થયા બાદ અને ગભરામણ થયા બાદ અચાનક ઢળી પડતાં ગણતરીની મિનિટોમાં મૃત્યુ થયાના કિસ્સા જોવા મળે છે. હૃદય બંધ પડવાથી થતા મૃત્યુ પૈકી શહેરમાં રોજ 2થી 4 લોકોનાં આકસ્મિક મોત થાય છે વડોદરામાં હૃદય બંધ પડવાથી મૃત્યુ થવાની સંખ્યા પૈકી આકસ્મિક મૃત્યુ પામનાર યુવાનોની સંખ્યા રોજની 2થી 4 હોવાનું કોર્પોરેશનના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. વડોદરામાં રોજ સરેરાશ 12 થી 15 લોકોનાં મૃત્યુ થાય છે. SSGએ ડેટા માગ્યા હતા, જુદી જુદી માહિતી આપવી શક્ય નથી એસએસજીના સુપરિન્ટેન્ડેન્ટ મારફતે ડેટા માગતો પત્ર આવ્યો હતો. પરંતુ જન્મ-મરણ શાખા યુવાનો, વૃદ્ધો કે વિસ્તાર મુજબ મૃત્યુનાં પૃથક્કરણ કરતી નથી, જેથી તે માહિતી આપવી શક્ય નહોતી. > ડો.દેવેશ પટેલ, મુખ્ય આરોગ્ય અમલદાર, પાલિકા કોરોના સમયે આડેધડ અાપેલું સ્ટિરોઈડ કારણભૂત હોઈ શકે કોરોના બાદ યુવાનોના મૃત્યુની ઘટના વધી છે. તેના માટે લાઈફ સ્ટાઈલ, આહારમાં બદલાવ અને નશો પણ કારણભૂત હોવાની શક્યતાઓ છે. આ સાથે કોરોના વખતે સારવાર માટે આડેધડ આપેલી સ્ટિરોઈડ પણ કારણભૂત હોઈ શકે. > ડો.પ્રગ્નેશ શાહ, આઈએમએ, વડોદરા