સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટનો વર્ષ 2017માં સ્માર્ટ સિટી યોજના અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજ્કોટમાં માળખાગત સુવિધા વધારવા માટે અલગ અલગ કામો કરવામાં આવી રહ્યા છે. તે પૈકીનું એક કામ આઈ-વે પ્રોજેક્ટનું હતું. આ પ્રોજેક્ટ હેઠળ શહેરના અલગ અલગ વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે 1000 સીસીટીવી લગાવવામાં આવ્યા હતા. જે પૈકીના મુખ્ય 23 રસ્તાઓ પરના 100 જેટલા સીસીટીવી બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. મહત્વની વાત એ છે કે, આ બાબતે પોલીસ વિભાગ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતા મનપા જે તે એજન્સી પાસે સમયસર કામ કરાવી શકી નથી. ઉલ્લેખનીય છે કે, આ કેમેરા ઉપયોગથી મનપા પણ મોનિટરિંગ કરી શહેરને સ્માર્ટ સિટી બનાવવા કામ કરી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. હવે આ કામગીરીમાં કોઈને રસ ન હોય તેમ માત્ર પોલીસ વિભાગ જ સૌથી વધુ ઉપયોગ કરતું હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે. સ્માર્ટ સિટી અંતર્ગત રાજકોટને કરોડોની ગ્રાન્ટની ફાળવણી
સ્માર્ટ સિટીની ત્રીજા તબક્કાની યાદીમાં 30 શહેરોમાં રાજકોટનો ત્રીજા નંબર પર સમાવેશ કરવામાં આવ્યો હતો. 23-06-2017ના રોજ કેન્દ્ર સરકારે જારી કરેલ યાદીમાં રાજકોટ શહેરનું નામ સ્માર્ટ સિટી તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 01-07-2018ના રોજ કેન્દ્ર સરકારની શહેરી વિકાસ મંત્રાલયે પ્રથમ તબક્કામાં 194 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી હતી અને 17-09-2018ના રોજ વધુ 100 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. ત્યારબાદથી સરકાર તરફથી મળતી ગ્રાન્ટમાંથી રાજકોટ મહાનગરપાલિકા અલગ-અલગ તબક્કામાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હાથ ધરી રહી છે. 1000માંથી 100થી વધુ કેમેરા બંધ હાલતમાં
આજ સમયે એટલે કે, વર્ષ 2018માં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેર પોલીસ સાથે મળી આઇ-વે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. રાજકોટ શહેરમાં આઇ-વે પ્રોજેક્ટ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરી સૌપ્રથમ 450 કેમેરા શહેરના મુખ્ય માર્ગો પર મૂકવામાં આવ્યા હતાં. ત્યારબાદ તબક્કાવાર વધુ કેમેરા ઇન્સ્ટોલ કરી હાલમાં 1000થી વધુ કેમેરા અલગ-અલગ જગ્યાએ મુકવામાં આવ્યા છે. રાજકોટ આઇ-વે પ્રોજેક્ટનો ઉપયોગ રાજકોટ પોલીસ અને મહાનગરપાલિકા બંને કરી રહી છે. રાજકોટ શહેરમાં થતા ગુનાને શોધવા અને ટ્રાફિક નિયમનો ભંગ કરતા લોકો સામે ઝડપથી કાર્યવાહી માટે રાજકોટ પોલીસ આ પ્રોજેક્ટનો ઉપયોગ કરી રહી છે. તો મહાનગરપાલિકા દ્વારા પણ આ પ્રોજેક્ટના ઉપયોગ માટે ખાસ નાનામવા સર્કલ ખાતે કમાન્ડ એન્ડ ઇન્ટીગ્રેટેડ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. જો કે, આજે 1000 પૈકી 100થી વધુ કેમેરા બંધ હાલતમાં છે. વારંવારની રજૂઆતને અવગણી હજુ સુધી આ કેમેરા ચાલુ કરાવવામાં આવ્યા નથી, જેના કારણે અનેક ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા કે ગુનેગારોને શોધવામાં પોલીસને મુશ્કેલી સર્જાઈ રહી છે. બંધ કેમેરાની યાદી પણ મનપાને આપીઃ એસીપી
રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતા કંટ્રોલ એસીપી વિનાયક પટેલે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ શહેર પોલીસ આઇ-વે પ્રોજેક્ટ અંતર્ગત મુકવામાં આવેલ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી રહી છે. રાજકોટ કોર્પોરર્શન દ્વારા આ ઈન્સ્ટોલેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તેનું સંચાલન પણ મનપા દ્વારા જ કરવામાં આવતું હોય છે. આ માટે એનીવેલ નામની કંપનીને કોન્ટ્રાક પણ આપવામાં આવ્યો છે. આ કંપની દ્વારા સીસીટીવી કેમેરાનું ઈન્સ્ટોલેશન, મેઇન્ટેન્નસ, તેમજ રિપેરિંગ સહિત તમામ કામગીરી કરી રહી છે. જો કે, આજે 1000થી વધુ કેમેરા ઉપલબ્ધ છે, જેમાંથી 100 જેટલા કેમેરા બંધ હાલતમાં છે. બંધ કેમેરાની યાદી પણ મનપાને લેખિતમાં મોકલવામાં આવતી હોય છે. જો કે, આ રિપેરિંગ કે મેઈનટેનન્સ કામગીરી થોડી ધીમી થઇ રહી છે. હજુ ઘણી બધી જગ્યાએ સીસીટીવી કેમેરાની ખાસ જરૂરિયાત છે, ત્યાં કેમેરા શરૂ થયા નથી. આ માટે અમે લેખિત રજૂઆત પણ કરી છે અને ફરીથી આગળ પણ કરીશું. બ્રિજ પરના હટાવેલા કેમેરા ફરી ન નખાયાં
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટમાં મુખ્યત્વે એક વર્ષ પહેલા એક સાથે ચારથી વધુ બ્રિજ ખુલ્લા મુકવામાં આવ્યા હતાં. આ બ્રિજ બનાવવા માટે કામગીરી શરૂ થતાની સાથે જ ત્યાં આગળ લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા કાઢી નાખવામાં આવ્યા હતાં. જે ફરી રિફીટીંગ કરવા માટે રાજકોટ પોલીસ દ્વારા માંગ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી થઇ શક્યું નથી. વધુ ગુના બનતા હોય તેવી જગ્યાએ સ્થાનિક પીઆઇથી લઇ ઉચ્ચ અધિકારીઓ સ્થળ વિઝીટ કરી કેમેરા ઇન્સ્ટોલ માત્ર ભલામણ પણ મનપાને કરતું હોય છે. એજ રીતે તાજેતરમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત વધુ 150 જેટલા સીસીટીવી કેમેરા નવા ઇન્સ્ટોલ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. આ કામગીરી પણ ચાલુમાં છે, જે લગભગ આગામી 6 મહિનાની અંદર પૂર્ણ થઇ જશે. શહેરના મુખ્ય રસ્તાઓ જ રામભરોસે
રાજકોટ શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર કહી શકાય તેવા ગ્રીનલેન્ડ ચોક, માધાપર ચોક, તેમજ ગોંડલ ચોક અને આજીડેમ ચોક સ્થિત મુકવામાં આવેલ સીસીટીવી કેમેરા હાલ બંધ હાલતમાં છે. એટલે કે, કોઈ ગુનેગાર ગુનો આચરી શહેરમાંથી બહાર ફરાર થઇ જાય તો તે કઈ દિશામાં ફરાર થયો છે તે જાણવામાં પોલીસે નાકે દમ આવી જાય છે. તો વળી ક્યાંક ખાનગી કેમેરાની મદદથી ગુનેગારો સુધી પહોંચવા મદદ મળી જતી હોય છે. બીજી તરફ તાજેતરમાં શહેરની અંદર 10 જેટલા સર્કલને મોટામાંથી ડિમોલિશન કરી નાના કરવા માટે કામગીરી ચાલુ હોવાથી ત્યાં મુકવામાં આવેલ સીસીટીવી કેમેરા હટાવી દેવામાં આવ્યા છે. ગુનેગારોને શોધવામાં સીસીટીવીનો ખૂબ જરૂરી
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગુજરાતના મુખ્ય શહેરોમાં જેમની ગણના થાય છે તેવા અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મહાનગરોમાં બનેલી ગુનાહિત પ્રવૃતિઓમાં ગુનેગારો સુધી પહોંચવામાં પોલીસને સીસીટીવી ફૂટેજ ખુબ જ મદદરૂપ સાબિત થયા હતાં. ત્યારે રાજકોટમાં પણ જો કોઈ મોટી ગુનાહિત પ્રવૃત્તિ સર્જાય તો પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં નાકે દમ આવી જાય તેવી સ્થિતિ વર્તાઈ રહી છે. ત્યારે તાત્કાલિક અસરથ બંધ રહેલ સીસીટીવી કેમેરા ચાલુ કરવામાં આવે તે ખુબ જ આવશ્યક છે. કેમેરાથી કરોડોની આવક છતાં જાળવણીનો અભાવ
છેલ્લા 8 વર્ષથી રાજકોટ પોલીસ આઇવે પ્રોજેક્ટ અંતર્ગત મુકવામાં આવેલા સીસીટીવી કેમેરા મદદથી ટ્રાફિક નિયમનો ભંગ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરી ઓનલાઇન ઇ-મેમો મોકલી કાર્યવાહી કરી રહી છે અને કરોડો રૂપિયાનો દંડ પણ વસુલ કરી રહી છે. આ દંડની રકમમાં પણ દર વર્ષે ઉતરોતર વધારો થતો હોય છે અને સરકારની તિજોરી ભરાતી પણ હોય છે. ચાલુ વર્ષે 9 મહિનામાં 18 કરોડથી વધુ કિંમતના દંડ ફટકારવામાં આવ્યા છે, જેની સામે 4 કરોડ આસપાસનો દંડ વસુલ પણ કરી લેવામાં આવ્યો છે. આમ છતાં પણ બંધ થતા કેમેરાને ફરી તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આટલો વિલંબ શા માટે થાય તે સૌથી મોટો સવાલ અહીં ઉભો થઇ રહ્યો છે.