અમદાવાદના આંબલી-બોપલ રોડ પર આજે સવારના સમયે એક ઓડી કારના ચાલકે નશાની હાલતમાં બેફામ રીતે પોતાની કાર હંકારી ચારથી પાંચ વાહનોને અડફેટે લીધાં હોવાની ઘટના સામે આવી છે. ઓડી કારના ચાલકે પીક અવર્સમાં બેફામ ડ્રાઈવિંગ કરી અકસ્માત સર્જતા અન્ય લોકોમાં ડરનો માહોલ છવાયો છે. અકસ્માત સર્જ્યા બાદ ઓડી કાર રેલિંગ સાથે અથડાતા અટકી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું હતું કે, કારનો ચાલક નશાની હાલતમાં હતો અને અકસ્માત સર્જ્યા બાદ કારની અંદર બેસીને જ સિગારેટ પીતો રહ્યો હતો. અકસ્માતની ઘટના બાદ પોલીસ કારના ચાલકને લઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. કારનો ચાલક નશાની હાલતમાં હતો- પ્રત્યક્ષદર્શી
આ અકસ્માતમાં ભોગ બનનાર રોનિકા પાટિલે જણાવ્યું હતું કે, મારી ઓફિસ બોપલ-આંબલી રોડ પર હોવાથી હું સવારે અહીં આવી રહી હતી. ત્યારે આગળ જઈ રહેલા ઓડી કારના ચાલકે ટક્કર મારતા હું ડિવાઈડર પર પડી ગઈ હતી. જે બાદ મને ઢસડીને આગળ લઈ ગયા હતા. એ ભાઈ એટલા નશાની હાલતમાં હતા કે એમને કંઈ ખબર પડતી નહોતી. જે બાદ ઓડી કારના ચાલકને હોશ આવતા તેણે કારમાં અંદર બેસીને સિગારેટ પીધી હતી. જે બાદ ફરી કાર ચલાવી ટાટા મોટર્સ પાસે અન્ય વાહનોને ટક્કર મારી હતી. એક બાદ એક ચારથી પાંચ વાહનોને અડફેટે લીધાં
આરોપી પોતાની ઓડી કાર લઈને ઈસ્કોન બ્રિજથી આંબલી તરફ જઈ રહ્યો હતો ત્યારે સૌ પ્રથમ તેને રસ્તામાં હેરિયર કારને ટક્કર મારી હતી. ત્યારબાદ આગળ જઈ રહેલા ટેમ્પોને ટક્કર મારતા ટેમ્પો અન્ય એક કાર સાથે અથડાયો હતો. તેનાથી આગળ ઓડી કારના ચાલકે ટાટા મોટર્સના શો રૂમ પાસે એક નેક્સન કારને ટક્કર મારી ડિવાઈડર સાથે ટકરાતા કાર ઊભી રહી ગઈ હતી. દારૂના નશામાં અકસ્માત સર્જી સિગારેટ ફૂંકતો રહ્યો
ચિક્કાર નશો કરી ટ્રાફિકથી ધમધમતા આંબલી-બોપલ માર્ગ પર અકસ્માત સર્જનાર કારના ચાલકનું નામ રિપલ પંચાલ હોવાનું સામે આવ્યું છે. જે થલતેજ વિસ્તારમાં રહે છે. કારનો ચાલક એટલો બધો નશામાં હતો કે, ચારથી પાંચ વાહનોને અડફેટે લીધા બાદ પણ કારમાં જ બેસીને સિગારેટના દમ મારતો રહ્યો હતો. અકસ્માતની પોલીસને જાણ થતાં અંતે પોલીસ કારના ચાલકને લઈ ગઈ હતી. રસ્તા પર ભાગંભાગનાં દૃશ્યો સર્જાયાં
બોપલ-આંબલી રોડ સવારના સમયે ટ્રાફિકથી ધમધમતો હતો ત્યારે જ ઓડી કારના ચાલકે સર્જેલા આતંકના કારણે રસ્તા પર ભાગંભાગનાં દૃશ્યો સર્જાયાં હતાં. ઓડી કારના ચાલકે એક બાદ એક વાહનોને અડફેટે લઈ ભાગવાનો પ્રયાસ કરતા રસ્તા પર હાજર લોકોએ કારની પાછળ દોડી તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો. અકસ્માત સર્જી ભાગી રહેલા કારના ચાલકે આગળ રેલિંગમાં કાર અથડાવી હતી. ત્યારબાદ ત્યાં પહોંચેલા લોકોએ ચાલકને ઝડપી પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે પકડ્યા બાદ પણ કારનો ચાલક લથડિયાં ખાતો જોવા મળ્યો હતો.