મંગળવારે આજે નેશનલ મિલ્ક ડે: છે. સૌથી મોટી દૂધ ડેરી અમૂલ આણંદ સ્થિત હોવાથી અને હજારો નહીં બલ્કે લાખો પરિવારોનો ગુજારો પશુપાલન – દૂધના વ્યવસાયથી થતો હોવાથી તેમજ દૂધની ક્રાંતિના બીજ ગુજરાતમાં વવાયેલા હોવાથી તેને શ્વેતક્રાંતિનું જનક માનવામાં આવે છે. ગુજરાતમાં 36 લાખ પરિવારો માટે પશુ જ પાલનહાર, દૂધાળા પશુ 1.5 કરોડ, માસિક 90 કરોડ લીટર દૂધનું ઉત્પાદન થાય છે. રાજ્યમાં કોઇએ પશુપાલન થકી પુત્રને IAS બનાવ્યો તો કોઇકે ડોક્ટર, પતિની ગેરહાજરીમાં મહિલાએ દૂધાળા ઢોરની આવકથી બે સંતાનને વિદેશમાં સ્થાયી કર્યા.વલસાડનો એક પરિવાર એવો છે જેમણે ઘરે એક ગાય બાંધી તેનું દૂધ ડેરીમાં ભરવાનું શરુ કર્યુ. આ નાનકડા પ્રયાસના ફળસ્વરુપે આજે પરિવારનો દીકરો ડોક્ટર બન્યો અને હાલમાં જ તેમણે યુપીએસસીની એક્ઝામ ક્રેક કરી છે. આવા તો લાખો પરિવાર છે જેમનું જીવન બદલાઇ ગયું છે. આજે નેશનલ મિલ્ક ડે: રાજ્યભરમાં તમામ ડેરીનું રૂ. 80 હજાર કરોડનું ટર્નઓવર, કેટલીક મહિલાઓ કે જેમનું જીવન પશુપાલનથી બદલાયું બીએસસી સુધી અભ્યાસ કરનાર બોરસદના કાવીઠા ગામના મિત્તલબેનના માતાપિતા કેનેડા રહેતા હોવાથી તેઓ પણ ત્યાં ગયા હતા પરંતુ મન ના લાગતા કાવીઠા પાછા આવ્યા અને 5 ગાય રાખી તબેલો શરુ કર્યો. આજે તેમની પાસે 170 પશુ છે અને 500 દૂધાળાનો તબેલો બનાવવાની ખેવના છે. વાર્ષિક દોઢ કરોડનું ટર્નઓવર કરતાં મિત્તલબેને તબેલામાં બીજી એક સુવિધા એ પણ કરી છે કે દરેક પશુના મોંઢા પાસે સેન્સરથી જોડાયેલી કુંડી બનાવી છે તેમાં પાણી ઓછું થઇ જાય એટલે ઓટોમેટિક મોટર ચાલુ થઇ કુંડી ફરી ભરાઇ જાય છે. વલસાડના મોટાપોંઢા નજીક નાનકડા ઓઝર ગામમાં ગરીબ આદિવાસી પરિવારમાં જન્મેલા આસ્તિક અરવિંદભાઇ થોરાટે એમબીબીએસ પૂર્ણ કર્યા બાદ તાજેતરમાં જ યુપીએસસી ક્રેક કરી છે. આ અંગે આસ્તિકની માતા કમળાબેન કહ્યું કે, એ જમાનામાં આવકના અન્ય કોઈ સ્ત્રોત હતા નહિ, જેથી ગાયોનું દૂધ ડેરીમાં ભરીને આર્થિક સહાય રહેતી, ગાયના દૂધ થકી જે આર્થિક મદદ મળી એનાથી જ મારા પુત્રનો અભ્યાસ પૂરો થયો. આજે પણ એ ગાયને અમારા પરિવાર એક સભ્ય તરીકે રાખે છે. આણંદના ઓડ ગામના મીનાબેન વસંતભાઇ પટેલનો કિસ્સો પણ પ્રેરણાદાયી છે. 2002માં થયેલી કોમી તોફાનોમાં તેમના પતિ અને જેઠને 10 વર્ષ જેલવાસ થતા પરિવારના નિભાવની જવાબદારી તેમના પર આવી ગઇ. માત્ર 11 પાસ હોવા છતાં દૂધના વ્યવસાયમાં દૈનિક આવક મળતી હોવાથી ઘરકામની સાથે પશુપાલનની જવાબદારી ઉપાડી. 5 ગાયમાંથી ધીમે ધીમે 10 કરી, આજે 50 થી વધુ ગાય-ભેંસ સાથેનો તબેલો તેઓ બખૂબી ચલાવી રહ્યા છે. તબેલાની કમાણીમાંથી બાળકોને વિદેશમાં અભ્યાસ માટે મોકલ્યા. આજે વાર્ષિક 36 લાખની આવક મેળવે છે. સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના હળિયાસર ગામના તેજાભાઈ શિયાણીયા પશુપાલન કરે છે. ડુંગરાળ વિસ્તારમાં ભેંસ,ગાયોને ચરાવીને તેજાભાઈએ એક પુત્રને ડોકટર બનાવ્યો છે. જ્યારે બીજા પુત્રને ડેરી ઉદ્યોગ વિષયનું ભણાવી ડીટીઓ બનાવ્યો છે. પશુપાલન કરીને બે પુત્રોની કારકિર્દીને પાટા પર લાવ્યા છે. છેલ્લા 22 વર્ષમાં દૂધ ઉત્પાદનમાં દેશના સરેરાશ 8.46 ટકા વધારાની સામે ગુજરાતના કુલ દૂધ ઉત્પાદનમાં 119.63 લાખ મેટ્રિક ટન એટલે કે, સરેરાશ 10.23 ટકાનો વધારો જોવા મળ્યો છે. આજે ગુજરાત વાર્ષિક 172.80 લાખ મેટ્રિક ટન દૂધ ઉત્પાદન અને ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં 7.49 ટકાના યોગદાન સાથે દેશમાં ચોથા ક્રમાંકે છે.