ગિરનાર પર્વત પર અંબાજી મંદિરના મહંત તનસુખગિરિજી બ્રહ્મલીન થયા પછી અંબાજી મંદિરની ગાદીને લઈને થયેલો વિવાદ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ભૂતનાથ મંદિરના મહંત મહેશગિરિએ ગુરુવારે જૂના અખાડાનો એક લેટરબોંબ ફોડ્યા બાદ હરિગિરિ મહારાજને ભવનાથ મંદિરેથી હટાવવા અને ભવનાથ મંદિરમાં કબજો લેવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે હવે આ સમગ્ર મામલે હવે પ્રથમ વખત હરિગિરીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓએ તમામ આક્ષેપોને ફગાવી દીધા હતા. તેમજ હરિગિરિએ કહ્યું કે, ‘મહેશગિરિએ તેની માનસિક સારવાર કરાવવી જોઈએ, કઈ બેંકમાંથી રકમ ટ્રાન્સફર કરી એ સાબિત થશે તો હું ભસ્મ થઈ જઈશ’. હરિગિરિ મહારાજે લેટરને અસત્ય અને ખોટો ગણાવ્યો
ભવનાથ મંદિરના મહંત હરિગિરિ મહારાજે જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલા મહેશગિરિ દ્વારા એક લેટર બતાવવામાં આવ્યો હતો, તે અસત્ય અને સંપૂર્ણપણે ખોટો છે. આ બાબતની જાણ પંચ 10 નામ જુના અખાડાના સાધુને થતા જ અખાડામાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. આ લેટરમાં જે સાધુ સંતો, પ્રશાસન, રાજકારણ, અને ગિરનાર મંડળના સાધુ સંતોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે પત્રમાં ઉલ્લેખવામાં આવેલી બાબત તદ્દન ખોટી છે. વધુમાં જણાવ્યું કે, જે સમયે ધનસુખગિરિ મહારાજ ભવનાથ મંદિરના મહંત બન્યા હતા, તે સમયે મેં તેની ચાદર વિધિ કરી હતી અને જ્યારે હું ભવનાથ મંદિરનો મહંત બન્યો ત્યારે તેમણે મારી ચાદર વિધિ કરી હતી. ત્યારે મહેશગિરિ દ્વારા મીડિયા સામે બતાવવામાં આવેલા પત્રને જુના અખાડા સાધુ-સંતો, પદાધિકારી દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી. થોડા દિવસો પહેલા જ કુંભના મેળામાં ભૈરવ અષ્ટમી હતી અને ધ્વજા રોહણ પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાધુ-સંતોની બેઠકમાં આ પત્રને અસત્ય જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પંચ દશનામ જુના અખાડા વારાણસીથી અગ્રણી સાધુ-સંતોએ હાલમાં જે પત્ર જાહેર કર્યો છે તેમાં અગાઉના મહેશગિરિ દ્વારા જાહેર કરેલા પત્રને ખોટો અને અસત્ય સાબિત કર્યો છે. જુના અખાડા પાસે પાંચ કરોડ રૂપિયા હતા જ નહીંઃ હરિગિરિ મહારાજ
વધુમાં જણાવ્યું કે, જુના અખાડાની આવક જાવકની બેલેન્સ શીટ અને કાશી અખાડામાં પણ શું આવક જાવક થાય છે તે જાહેર કરવામાં આવશે. કાશીમાં ક્યારેક 10 થી 20 લાખ તો ક્યારેક 12 લાખની આવક થાય છે. સાધુ સંતો દ્વારા ભારતમાં અલગ-અલગ જગ્યામાં છે યજ્ઞ અને પૂજા અર્ચના કરે છે તેમાં નિર્માણના નામ ઉપરથી જે અમુક રૂપિયા મળે છે. જે ગિરનાર મેળા, કુંભમેળા, હરિદ્વાર કે અન્ય મેળાઓમાં સાધુ-સંતો માટે વાપરવામાં આવે છે. ક્યારેય પણ જુના અખાડા પાસે પાંચ કરોડ રૂપિયા હતા જ નહીં. આ બાબતે કોઈ કહે છે તો તેને આ વાતને સાબિત કરવી જોઈએ. અગાઉ જે કરોડો રૂપિયાનો ઉલ્લેખ કરી પત્રક જાહેર કરવામાં આવ્યો હતો, તેમાં ભારત સરકારના ઉચ્ચકક્ષાના લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેનું નામનો ખોટો ઉલ્લેખ કરાયો છે, તેઓની છબી ખરાડાવવામાં આવી રહી છે. જેના કારણે તમામ અખાડાઓને ખૂબ જ દુઃખ થયું છે. કઈ બેન્કમાંથી રકમ ટ્રાન્સફર થઈ તે સાબિત કરોઃ હરિગિરિ મહારાજ
હરિગિરિ મહારાજે વધુમાં જણાવ્યું કે, મહેશગિરિ દ્વારા જે પત્ર જાહેર કરવામાં આવ્યો છે તેને પંચદશ નામ જુના અખાડા દ્વારા અસત્ય સાબિત કરવામાં આવ્યો છે. જે રૂપિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેને લઈ સીએ અને એકાઉન્ટ દ્વારા જુના અખાડાની બેલેન્સ શીટની કોપી પોલીસને આપવામાં આવશે. વર્ષ 2014થી લઈ અત્યાર સુધી ક્યારેય પણ જુના અખાડામાં આટલી રકમ આવી નથી અને કલ્પના પણ કરી શકાય નહીં. જો મહેશગિરિ દ્વારા સાબિત કરવામાં આવે કે, કઈ બેંક અને ક્યાં બેન્ક એકાઉન્ટ પરથી આટલી રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી તો હું ગિરનારમાં ભસ્મ થઈ જઈશ, જો આ સાબિત થઈ જશે તો. ‘આરોપ સાબિત થાય તો મારા પર નહિં તો પત્ર જાહેર કરનારા પર કાર્યવાહી કરો’
સાધુ સંતોના રીતી રિવાજ મુજબ તમામ વ્યવસ્થા કરવામાં આવે છે. જે આરોપો લગાવવામાં આવ્યા છે તેનો જવાબ આપવો અને આ વિષયની તમામ તપાસ કરવામાં આવે છે અને ત્યારબાદ જે વાસ્તવિકતા હોય તે પોલીસને સોંપવામાં આવશે. જો લગાવેલા આરોપો સત્ય સાબિત થાય તો મારા પર નહીંતર આ પત્ર જાહેર કરવા પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. ‘મારી હિયરિંગ અનેક વખત હાઈકોર્ટમાં થઈ હતી’
હરિગિરિ મહારાજે વધુમાં જણાવ્યું કે, ભવનાથ મંદિરના મહંત તરીકે હાઇકોર્ટમાંથી ત્રણ વખત મારા નામનો ત્રણ વખત રીન્યુ કરવામાં આવ્યો હતો. હું માત્ર એક જ વખત મહંત નથી બન્યો. મારી હિયરિંગ અનેક વખત હાઈકોર્ટમાં થઈ હતી. જેમાં તંત્ર દ્વારા મારી ગુણવત્તા જ હોય તે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં 15થી વધુ સભ્યોમાં એફિડેવીટ જોયા બાદ તંત્ર દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવે છે અને આ મામલે તંત્ર દ્વારા બધું રજૂ કરવામાં આવે છે હું કોઈ બાબત રજૂ કરતો નથી. ‘કરોડો રૂપિયાનો ઉલ્લેખ કરાયો તે વાત તદ્દન ખોટી’
આગામી 1 લી ડિસેમ્બરનો ભવનાથ મંદિરનો કબજો લેવાની વાત કરવામાં આવી છે, અને જેવી રીતે કરોડો રૂપિયાનો ઉલ્લેખ કરી પત્ર બતાવવામાં આવ્યો છે. તે વાત તદ્દન ખોટી છે અને સૌ જાણે છે કે, થોડા દિવસો પહેલા જ તનસુખગિરિ હોસ્પિટલમાં હતા ત્યારે તેમનો અંગૂઠો લગાવી લેવામાં આવ્યો હતો. હાલમાં જે બાબત છે તે તદ્દન ખોટી છે. જે સમયે મારી ચાદર વિધિ કરવામાં આવી તે સમયે તનસુખગીરી દ્વારા જ મારી તિલક વિધિ અને ચાદર વિધિ કરવામાં આવી હતી. અત્યાર સુધી મેં ધનસુખગીરી બાબતે કોઈ ખોટો વિચાર કર્યો જ નથી. અંબાજી મંદિરના મહંત પ્રેમગિરિને બનાવ્યા તે બાબતે હરિગિરીએ જણાવ્યું હતું કે, પ્રાચીન, પરંપરા અને પૌરાણિક ઇતિહાસને જોતા તનસુખગિરિની મહંત તરીકે નિયુક્તિ દશનામ જુના અખાડા અને ગિરનાર સાધુ મંડળ દ્વારા કરવામાં આવી હતી. સાધુ સમાજ અને અખાડા દ્વારા તનસુખગિરિની મહંત તરીકે નિમણૂક કરવામાં આવી હતી, જેને લઇ હાલ અંબાજી મંદિરના મહંત તરીકે પ્રેમગીરીની નિયુક્તિ કરવામાં આવી છે. મહેશ ગીરી દ્વારા ધનસુખગીરીના બ્રહ્મલીન થયા બાદ હોસ્પિટલમાં જ અંગુઠા લેવામાં આવ્યા તે બાબતે હાલ તપાસ શરૂ છે અને કાનૂની કાર્યવાહી કરવા માટે પણ સલાહ લેવામાં આવશે. અને વકીલ નિયુક્ત કરવામાં આવશે અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મહેશગિરીએ તેની માનસિક સારવાર કરાવવી જોઈએ: હરિગિરિ મહારાજ
વધુમાં જણાવ્યું કે, હાલમાં જે ભવનાથ અને અંબાજી મંદિરને લઈ વિવાદ ચાલી રહ્યો છે અને મહેશગિરિ દ્વારા જે નિવેદન આપવામાં આવી રહ્યા છે. જેને લઈ કહ્યું કે, મારે કે મહેશગિરિ વચ્ચે કોઈ પ્રકારની પણ લડાઈ ન તો પહેલા હતી કે ન અત્યારે છે. આ બધી માનસિકતાની વાત છે. મહેશગિરીએ તેની માનસિક સારવાર કરાવવી જોઈએ. એના સલાહકારોને પણ કહેવા માગું છું કે, મહેશગિરિને માનસિક સારવાર કરાવવાની જરૂર છે. શું છે સમગ્ર વિવાદ?
જૂનાગઢમાં ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિરના મહંત તનસુખગિરિ બાપુ લાંબી બીમારીના અંતે ખાનગી હોસ્પિટલમાં 19 નવેમ્બર, 2024ના રોજ દેવલોક પામ્યા હતા. એ બાદ તનસુખગિરિ બાપુની તેમના નિવાસ ભીડભંજન મંદિર ખાતે સનાતની પરંપરા મુજબ સમાધિ અપાઈ હતી. જોકે સમાધિ યાત્રા દરમિયાન જ ગાદીને લઈ વિવાદ શરૂ થયો હતો. આ વિવાદમાં એક તરફ ભવનાથ મંદિરના મહંત હરિગિરિ મહારાજ, રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ, તનસુખગિરિ સાથે રહેતા યોગેશપુરી, કિશોરભાઇ વગેરે છે. તો સામે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગિરિ બાપુ છે. બન્ને પક્ષકારો વચ્ચે ગાદીને લઇને આક્ષેપ પ્રતિ આક્ષેપ થઇ રહ્યા છે. ગિરનાર પર્વત પર અંબાજી મંદિરના મહંત તનસુખગિરિજી બ્રહ્મલીન થયા પછી અંબાજી મંદિરની ગાદીને લઈને થયેલો વિવાદ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ભૂતનાથ મંદિરના મહંત મહેશગિરિએ ગુરુવારે જૂના અખાડાનો એક લેટરબોંબ ફોડ્યા બાદ બે દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ યોજી હરિગિરિ મહારાજને ભવનાથ મંદિરેથી હટાવવા તેમજ જવાબદાર અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી હતી, આટલુ જ નહીં જો આમ નહીં થાય તો 1 ડિસેમ્બરે હજારોની સંખ્યામાં સાધુ-સંતો ધર્મપ્રેમી લોકોને લઈ ભવનાથ મંદિરનો કબજો લઈ લેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. આ સમગ્ર અહેવાલને વાંચવા અહિં ક્લિક કરો…