બારડોલી ખાતે સદભાવના સંમેલનમાં ભાગ લેવા આવેલા ઉત્તરાખંડના કેબિનેટ મંત્રી અને માનવ ધર્મના પ્રણેતા સાતપાલ મહારાજે બટેંગે તો કટેંગેના સૂત્રને લઈને જણાવ્યું હતું કે, આ એ એકતાની વાત છે. એક રહીશું તો જ દુશ્મનોથી આપણી રક્ષા થશે. જે શક્તિ દેશનું વિઘટન ચાહે છે તેની સામે લડવા આપણે એક થવું પડશે. સદભાવના સંમેલન પહેલાં તેમણે બારડોલીના જલારામ મંદિર પાછળ નાલંદા પાર્કમાં બનેલા હંસ સુખ ધામ આશ્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાર બાદ સદભાવના સંમલેન સ્થળે પત્રકાર પરિષદને સંબોધતા તેમણે જણાવ્યું કે સરદારની કર્મભૂમિ બારડોલીમાં આવીને તેમને આનંદ થયો છે. દેશમાં, રાજ્યમાં, ઘરમાં, પ્રાણીઓમાં સદભાવના પ્રગટે તે જરૂરી છે. ધર્મનો વિજય થાય અને અધર્મનો નાશ થાય એ જ અમારો મુખ્ય ઉદ્દેશ છે. તેમણે વિશ્વના દેશમાં ચાલી રહેલી તણાવની સ્થિતિ અંગે વાત કરતા જણાવ્યું કે, હાલ ત્રીજું વિશ્વયુદ્ધ નજીક દેખાઈ રહ્યું છે. યુક્રેન અને રશિયા હવે બેલેસ્ટિક મિસાઈલનો ઉપયોગ કરવા લાગ્યા છે. નેતાઓએ જ તેને રોકવું પડશે. યુદ્ધ વાતચીત કરીને પણ હલ થઈ શકે છે. તેમણે અમેરિકા યુદ્ધ રોકતું હતું પણ હમણાં બાઇડનને મળેલા સમયમાં યુદ્ધનું ચિત્ર બદલાયું હોવાનું જણાવ્યું હતું. તેમણે ગુજરાતના વિકાસની પ્રશંસા કરી હતી. ગુજરાતના લોકો દુનિયાના લગભગ તમામ દેશોમાં જઈને વસ્યા છે એટલે ગુજરાતના લોકોનું યોગદાન સમગ્ર વિશ્વમાં રહેલું છે.