મહાનગરપાલિકાના 8700 કરોડના જમ્બો બજેટમાં કેપિટલ કામો પાછળ કરોડો રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તે સાથે જ આવકના નવા સ્ત્રોત ઊભા કરવા માટે વિશેષ પ્રયાસો થઈ રહ્યા છે. જ્યારે આવકના પરંપરાગત સ્ત્રોત તરીકે પેઈડ એફએસઆઈ અને મિલકત વેરા પર મદાર રાખવામા આવે છે. દરમિયાન છેલ્લા એક મહિનામાં મિલકત વેરાના રિવિઝન વેરાબિલ ઇસ્યુ થતાં ચાલુ નાણાકીય વર્ષનું માંગણું 2390 કરોડે પહોંચી ગયું છે. તે સાથે જ 19 નવેમ્બર સુધીમાં મિલકતવેરા પેટે થયેલી આવકનો આંક 1 હજાર કરોડને પાર કરી ગયો છે. હવે નાણાકીય વર્ષના બીજા ચરણમાં મિલકત વેરા રિકવરી પર ભાર મુકાશે. આવક 1 હજાર કરોડને પાર કરી 1006.44 કરોડે પહોંચી છે. મિલકત વેરા ડિમાન્ડ અને રિકવરીના આંકડા પર નજર કરીએ તો, ગત વર્ષે 2023-24માં 2139 કરોડની ડિમાન્ડ સામે 1563 કરોડની આવક થઈ હતી. ચાલુ વર્ષે પાછલા એક મહિનામાં મોટી સંખ્યામાં રિવિઝન બિલો ઇસ્યુ થતાં માંગણું 251 કરોડ વધીને 2390 કરોડે પહોંચી ગયું છે. તે સામે હમણાં સુધીની આવક 1006.44 કરોડે પહોંચી છે. તેને જોતાં ગત વર્ષની સરખામણીએ ડિમાન્ડમાં વધારો થયો છે, પરંતુ 19 નવેમ્બર સુધી થયેલી રિકવરીનો આંક ઓછો દેખાઈ રહ્યો હોય આગામી દિવસોમાં રિકવરી પર ભાર મુકાશે. પાલિકાને 19 નવેમ્બરના મંગળવાર સુધીમાં કુલ ડિમાન્ડની સરખામણીએ 42 ટકા રિકવરી થયાનું નોંધાયું છે. 23.98 લાખ મિલકતોના બિલ ઇસ્યુ
પાલિકાએ 2024-25ના ચાલુ નાણાકીય વર્ષમાં 23,98,988 મિલકતોના બિલ ઇસ્યુ કર્યા છે. ગત વર્ષે 2023-24માં 23.60 લાખ મિલકતોના બિલ ઇસ્યુ થયા હતા. તે સામે રિવિઝન સાથે જ ચાલુ વર્ષે મિલકતોની સંખ્યા વધીને 23.98 લાખે પહોંચી છે. વધુમાં, પાલિકા તંત્રને 19 નવેમ્બર સુધીમાં થયેલી આવક, રિકવરીમાં ઉધના-એ ઝોન પ્રથમ ક્રમે રહ્યું છે. રાંદેર ઝોન 95.60 કરોડ, સેન્ટ્રલ ઝોન 107 .74 કરોડ, કતારગામ ઝોન 133.04 કરોડ, વરાછા-એ ઝોન 133.71 કરોડ, ઉધના-એ ઝોન 187.63 કરોડ, અઠવા ઝોન 131.22 કરોડ, લિંબાયત ઝોન 130.50 કરોડ, વરાછા-બી ઝોન 59.75 કરોડ અને સચિન-કનકપુર ઝોનમાં 27.25 કરોડની રિકવરી નોંધાઇ હતી.