કોઈપણ યાત્રાધામ હોય તેની પાછળ ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ રહેલું હોય છે અને તેના આધારિત કોઈને કોઈ સોવિનિયર કે ફિલ્મ દ્વારા શ્રદ્ધાળુઓ જે તે સ્થળનું મહત્વ જાણી શકતા હોય છે ત્યારે, પૌરાણિક યાત્રાધામ શામળાજીમાં લેસર એન્ડ સાઉન્ડ શો દ્વારા ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આજ રોજ આ શોનું મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક વિરાસતો અને કૃષ્ણભક્તિના દૃશ્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સાક્ષાત શ્રીકૃષ્ણની લીલાઓના દર્શન
યાત્રાધામ શામળાજીમાં યાત્રા વિકાસ બોર્ડ અને પ્રવાસન વિભાગ દ્વારા દસ કરોડના ખર્ચે લેસર એન્ડ સાઉન્ડ શો ટેકનોલોજી નાખવામાં આવી છે. આ લેસર શોમાં યાત્રાધામ શામળાજી અને તેની ઐતિહાસિક ધરોહરને તેમાં કંડારવામાં આવી છે. ભગવાન શામળિયાનું આબેહૂબ કલરફુલ સ્વરૂપ, મહાભારતના પ્રસંગો ભગવાન શ્રીકૃષ્ણની કલાત્મક પ્રતિમાના દર્શન પણ લેસર શોમાં દર્શાવવામાં આવ્યા છે. દરરોજ સાંજે સાત કલાકે શો દર્શાવવામાં આવશે
આ લેસર એન્ડ સાઉન્ડ શોના ટેસ્ટિંગ પૂર્ણ કર્યા બાદ આજે રાત્રે રાજ્ય સરકારના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે વિધિવત લોકાર્પણ કરાયું હતું. યાત્રાધામ શામળાજીમાં દરરોજ સાંજે સાત કલાકે આ શો દર્શાવવામાં આવશે. 23 મિનિટ ચાલનારા આ લેસર એન્ડ લાઈટ શો દ્વારા ભગવાન શામળિયા અને શ્રીકૃષ્ણ પ્રત્યે ખૂબ શ્રદ્ધા વધે અને ઔતિહાસિક મહત્વ ભક્તો ફ્રીમાં જાણી શકે તે માટે સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આ ધાર્મિક શો શરૂ કરવામાં આવ્યો છે. મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે લોકાર્પણ
રાજ્ય સરકારના મંત્રી મુળુભાઈ બેરાએ ભગવાન શામળિયાના દર્શન કર્યા હતા. આ પ્રસંગે અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશાસ્થી પારેકે મંત્રીનું સ્વાગત કર્યું હતું. મંત્રીએ રિમોટ દ્વારા આ લેસર સાઉન્ડ શોનો પ્રારંભ કરાવી ખુલ્લો મુક્યો હતો. રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર, ભિલોડા ધારાસભ્ય પી સી બરંડા, બાયડના ધારાસભ્ય ધવલ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા વહીવટી તંત્ર, યાત્રાધામ શામલજી મંદિર ટ્રસ્ટના ચેરમેન તેમજ તમામ ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યા હતા અને વિધિવત પ્રારંભ કરાયેલા લેસર એન્ડ લાઈટ શો નિહાળ્યો હતો.