દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેક ઈટ ઈઝી… મગફળીને બાઇટિંગનો માલ કહેતા PMને ફરિયાદ
રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાના વધુ એક નિવેદન સામે સૌરાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. રૂપાલાએ અમેરલીમાં માર્કેટયાર્ડમાં મગફ્ળીને વેચાણ માટે લઈને આવેલા ખેડૂતોને ‘લે, આ તો બાઈટિંગનો માલ છે’ એવું કહ્યું પરંતુ તેમના આ વાણીવિલાસે ફરીથી ભાજપને ભીંસમાં મૂકી દીધું હોવાની ચર્ચા ચાલી છે. એટલું જ નહીં કોંગ્રેસના એક પૂર્વ ધારાસભ્યએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનને પત્ર લખીને મગફળી જેવા પાકને દારૂ સાથેની બાઈટિંગના માલ સાથે સખામણી કરી ખેડૂતોની ક્રૂર મશ્કરી કર્યાની ફરિયાદ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. સાથે જ ચૂંટાયેલા સાંસદને બાઈટિંગ યાદ આવે છે તેનો અર્થ એ છે કે ગુજરાતમાં કઈ હદે ખુલ્લેઆમ દારૂ વેચાય છે તેનો પણ તેઓ સ્પષ્ટપણે સ્વીકાર કરી રહ્યા છે. દુધાતના આવો પત્ર વાંચીને હવે ભાજપના નેતાઓ પણ આવી રહેલી પાલિકા પંચાયતની ચૂંટણીમાં સામેથી કોંગ્રેસને મુદ્દો મળી રહ્યાનો કળકળાટ ઠાલવતા સૌરાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. પરિપત્ર તો બહાર પાડ્યો પણ અમલવારી કોણ કરાવે?
રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેર અને ખાનગી સ્થળો ઉપર જ્યાં ફાયર NOC અને ફાયર સેફટીના સાધનો હોય ત્યાં બિલ્ડીંગ પર લોકોને ગેટના પ્રવેશ દ્વાર ઉપર સ્પષ્ટ રીતે વંચાય તેમ ફાયર NOC છે અને સાધનો છે એવી માહિતી અંગેના બોર્ડ લગાવવા માટે પરિપત્ર કર્યો હતો પરંતુ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફીસ અને ઝોનલ ઓફિસોની બહાર જ ક્યાંય પણ ફાયર બ્રિગેડ દ્વારા NOC આપવામાં આવી છે અને સાધનો લગાવેલા છે, તે અંગે કોઈપણ બોર્ડ મારવામાં આવ્યા નથી. ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ પરિપત્ર કરી સૂચનાનું પાલન કરતું નથી ત્યારે જાહેર સ્થળો પર પરિપત્રોનો અમલ કેવી રીતે થશે તેને લઈને ચર્ચા જાગી છે. હોદ્દેદારોના ઝભ્ભા પકડીને ચાલવાથી હોદ્દો નહી મળે
ગુજરાત ભાજપનું નવું સંગઠન આગામી દિવસોમાં જાહેર થવાનું છે. પાર્ટીનું સંગઠન પર્વની પણ શરૂઆત થઈ ગઈ છે ત્યારે ભાજપના એક નેતાએ તમામ કાર્યકર્તાઓ તેમજ કોર્પોરેટરોને સ્પષ્ટ જણાવ્યું છે કે, જે કાર્યકર્તા પાર્ટી માટે લોકોની વચ્ચે ફરશે તે જ આગળ આવશે. જે કાર્યકર્તા નેતાઓને હોદ્દેદારોના ઝભ્ભા પકડી અને આગળ પાછળ ફર્યા કરશે તો તેમનો ક્યાંય નંબર આવશે નહીં. નેતાજીએ જાહેરમાં જ આ રીતે સ્પષ્ટ વાત કરી કાર્યકર્તાઓને ચેતવી દીધા છે ,કે જો સંગઠનનું કામ કરશો તો જ હોદ્દા મળશે બાકી જો નેતાઓના ભલામણથી અને આગળ-પાછળ ફરીને હોદ્દાઓ મેળવવા હોય તો કોઈ હોદ્દા મેળવી શકશે નહીં. સ્નેહમિલન કાર્યક્રમમાં શહેર ભાજપના હોદ્દેદારોની ગેરહાજરી
અમદાવાદના ભાજપના ધારાસભ્યો દ્વારા યોજાયેલા સ્નેહમિલનના કાર્યક્રમોમાં કેટલાક નેતાઓ ગેરહાજર રહેતા કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. પૂર્વ વિસ્તારના એક ધારાસભ્યના સ્નેહમિલન કાર્યક્રમમાં શહેર ભાજપના હોદ્દેદારોની ગેરહાજરી આંખે ઊડીને વળગી હતી. બીજા ધારાસભ્યોના સંમેલનમાં શહેર નેતાઓ હાજર રહેતા હતા પરંતુ, કેટલાક ધારાસભ્યોના સ્નેહમિલન કાર્યક્રમમાં જ હાજરી નહોતી જેને લઈને કાર્યકર્તાઓમાં ચર્ચા જાગી છે કે, સંગઠનનું માળખું બનવાની તૈયારી છે ત્યારે આંતરિક વિખવાદો બહાર આવી રહ્યા છે. ઓફિસના પહેલા માળે POPની શીટ તૂટી પણ ફરિયાદ કરે કોણ?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠમાં મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, મેયર અને ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ બેસે છે ત્યારે અહીં રોજના હજારો લોકોની અવર-જવર છે એવી જગ્યાએ જાનહાનિ થાય એવી પરિસ્થિતિ સર્જાઈ છે. પ્રથમ માળ ઉપર લગાવેલી POPની શીટ તૂટી ગયેલી હાલતમાં છે. જેના કારણે ગમે ત્યારે આ શીટ તૂટી પડે તેમ છે. સીડીઓથી નીચે ઉતરતી સમયે અધિકારીઓના ધ્યાન ઉપર પણ આ બાબત આવે છે છતાં પણ પ્રિન્સિપલ કોર્પોરેશનના મુખ્ય ઓફિસ ખાતે બેસતા કોઈપણ અધિકારીના ધ્યાને આ બાબત આવી નથી કે, તેઓ ખુદ ફરિયાદ કરી નથી ત્યારે હવે દુર્ઘટના સર્જાય અને એક-બે લોકો ગાયબ થાય ત્યાર બાદ જ કોર્પોરેશનની આંખ ઉઘડશે તેમ લાગી રહ્યું છે. આંતરિક વિખવાદે તો પ્રજાના કામ પણ ટલ્લે ચડાવ્યા
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર કોર્પોરેશનના અધિકારીઓથી હવે કંટાળી ગયા છે. એન્જિનિયરો કોન્ટ્રાક્ટરોની ભાષા બોલતા થઈ જતા કમિશનર રીવ્યુ બેઠકમાં એન્જિનિયરો ઉપર ખૂબ ગુસ્સે ભરાયા હતા. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રિવ્યૂ બેઠકમાં એન્જિનિયરો ઉપર રોષને લઈ કોર્પોરેશનમાં ચર્ચા જાગી છે કે, લાખો રૂપિયાનો પગાર લેતા એન્જિનિયરો અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો વચ્ચે ચાલી રહેલા આંતરિક શીત યુદ્ધના કારણે પ્રજાના કામો અટવાઈ રહ્યા છે. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને સત્તા આપવામાં આવી છે પરંતુ, કામગીરી થતી નથી તો બીજી તરફ દરેક કામગીરીમાં કમિશનર સીધા એન્જિનિયરોને જ કામગીરી બાબતે ખખડાવે છે. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને પણ આપવામાં આવેલી સત્તા બાદ પણ કામગીરી ન થતી હોવાથી કમિશનર અકળાયેલા છે ત્યારે એક તરફ પ્રજાના કામ માટે કમિશનર અધિકારીઓને ખખડાવે છે છતાં પણ કામગીરી ન થતા હવે કડક પગલાં ભરવા પર ખુદ અધિકારીઓએ મજબૂર કર્યા છે. એક તરફ સફાઈ અભિયાન ને બીજી તરફ ગંદકી
એક તરફ સ્વચ્છતા સર્વેક્ષણ ચાલી રહ્યું છે, જેના માટે શહેરમાં સ્વચ્છતા માટે સફાઈ કામદારો ખૂબ મહેનત કરી રહ્યા છે. જાહેર સ્થળો ઉપર સ્વચ્છતા જળવાઈ અને સ્વચ્છ રહે એવા પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસમાં જ પોસ્ટરો લગાવી અને ઇમારતોને ગંદી કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ઓફિસના દરેક માળ ઉપર દિવાલ પર પોસ્ટરો લગાવી દેવામાં આવ્યા છે અને તે પોસ્ટરોને કાઢી નાખવામાં ઘસવામાં આવ્યા છે, તેના કારણે દિવાલો ખૂબ ગંદી થઈ છે. એક તરફ સ્વચ્છતા માટે સફાઈ કામદારો અને અધિકારીઓ મહેનત કરી રહ્યા છે પરંતુ, બીજી તરફ દીવાલો પર પોસ્ટરો લગાવી દિવાલને જ ગંદી કરવામાં આવી રહી છે. જેને લઈને કોર્પોરેશનના કર્મચારીઓમાં જ ચર્ચા જાગી છે કે, એક તરફ સફાઈ અભિયાન કરવાનું અને બીજી તરફ દીવાલો પર પોસ્ટરો લગાવી દીવાલ જ ગંદી કરવામાં આવી રહી છે. પ્રદેશ ભાજપ દ્વારા વ્હીપ આપવાની પરંપરાને લાગી રોક
રાજ્યભરમાં બહુ ચર્ચિત બનેલી રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી પૂર્ણ થઇ ગઈ છે અને ચેરમેન વાઇસ ચેરમેનની નિમણુંક પણ કરી દેવાઈ છે. આ ચૂંટણીમાં સંઘ અને ભાજપ મિશ્રિત સહકાર પેનલનો વિજય થયો છે. જ્યારે વિરોધમાં ઉભેલી સંસ્કાર પેનલનો કારમો પરાજય થયો છે. મહત્વનું છે કે હાઈપ્રોફાઈલ બનેલી આ ચૂંટણીમાં પ્રદેશ ભાજપ તરફથી પણ સહકાર પેનલ માટે કોઈ વ્હીપ અપાયો ન હતો. આ અગાઉ રાજકોટ લોધિકા સંઘ, માર્કેટ યાર્ડ, ઈફકો, ક્રિભકોની ચૂંટણીમાં ભાજપ તરફથી વ્હીપ આપીને ઉમેદવારો પસંદ કરાયા હતા પણ નાગરિક બેંકની ચૂંટણીમાં ભાજપ તરફથી સીધી કોઈ જ મધ્યસ્થી કરવામાં આવી ન હતી. આ ચૂંટણીમાં શહેર ભાજપના મહામંત્રી માધવ દવે સહિત ત્રણ ઉમેદવારો ભાજપ સાથે સંકળાયેલા હતા. પરંતુ વ્હીપ દ્વારા તેમને ઉભા રાખવામાં આવ્યા ન હતા. સંઘ પ્રેરીત સહકાર પેનલમાં ઉમેદવારો પણ સ્થાનિક સ્તરેથી પસંદ કરવામાં આવ્યા હતા. તેમજ ઉમેદવારોની પસંદગીમાં સહકાર પેનલના આગેવાનોએ સંઘ સાથે સંકળાયેલા ઉમેદવારો ઉપર પસંદગી ઉતારવા સાથે સાથે ડેલિગેટ સાથે સબંધો ધરાવનારાને પણ તક આપી હતી. વર્ષ 2014માં સૌરાષ્ટ્રમાં સૌની યોજનાની કામગીરી શરૂ થયા બાદ રાજકોટમાં નવી શરૂ થયેલી સૌની યોજના વિભાગની કાર્યપાલક ઈજનેરની કચેરીમાં વર્ષ 2015થી એક પણ કાયમી કાર્યપાલક ઈજનેરની નિયુક્તિ થઈ નથી. આ જ સમયકાળમાં કુંવરજી બાવળિયા ધારાસભ્યપદ વગર પાણી પુરવઠા વિભાગના કેબિનેટમંત્રી પદે આવ્યા એ એક સંયોગ હોય શકે છે. પરંતુ તેમણે મંત્રીપદ સંભાળ્યા બાદ મતક્ષેત્ર જસદણ અને ત્યાંથી સુરેન્દ્રનગર, રાજકોટ જિલ્લાને સ્પર્શતા ક્ષેત્રોમાં સૌની યોજના હેઠળ રૂ.2000 કરોડના કામો પ્રગતિ હેઠળ છે. આમ છતાં રાજકોટમાં સૌની યોજનાના ડિવિઝનમાં નવ વર્ષથી રેગ્યુલર કાર્યપાલક ઈજનેરની નિયુક્તિ થતી નથી એ કોઈ સંયોગ હોઈ શકે નહીં. બધું જ ઈન્ચાર્જને હવાલે ચાલી રહ્યાનું જાણમાં આવતા જળસંપત્તિ વિભાગના સેક્રેટરી પી.સી.વ્યાસે ધરાઈ- વિછીંયા પાઈપ લાઈન પ્રોજેક્ટમાં સ્થળ ઉપર જઈને સરપ્રાઈઝ વિઝિટ કરતા ઈજનેરી કેડરમાં કંઈ નવાજૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે. કહેવાય છે કે, સેક્રેટરી તો મંત્રીના વિસ્તારમાં સરપ્રાઈઝ વિઝિટ બાદ આ સપ્તાહે ગાંધીનગરમાં ડિટેલ્સ સાથે રિવ્યૂ બેઠક બોલાવી છે. તેમાં શું થાય છે તે જોવું મહત્વનું રહેશે.