IPL મેગા ઓક્શનનો બીજો દિવસ બપોરે 3.30 વાગ્યે શરૂ થશે. સોમવારે, ફ્રેન્ચાઇઝી 132 સ્પોટ માટે 493 ખેલાડીઓ પર બિડ કરશે. તમામની નજર આફ્રિકન બેટર ફાફ ડુ પ્લેસિસ, ભારતીય ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર અને ભુવનેશ્વર કુમાર પર રહેશે. રવિવારે પ્રથમ દિવસે કુલ 72 ખેલાડીઓ વેચાયા હતા, જેમાં સૌથી મોંઘો રિષભ પંત હતો, જેને લખનઉએ 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે શ્રેયસ અય્યરને પંજાબ કિંગ્સે રૂ. 26.75 કરોડમાં ખરીદ્યો હતો. તે જ સમયે કોલકાતા નાઈટ રાઈડર્સે ઓલરાઉન્ડર વેંકટેશ અય્યર માટે 23.75 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજા ફરી એકવાર ચેન્નઈ સુપર કિંગ્સમાં સાથે રમતા જોવા મળશે. પ્રથમ દિવસે ઓક્શનમાં ટોચના 5 ખેલાડીઓ
ઓક્શનના પ્રથમ દિવસે તમામ પાંચ ટોચના ખેલાડીઓ ભારતીય હતા. વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને LSGએ દિલ્હીના ભૂતપૂર્વ કેપ્ટન પંત પર ભારે બોલી લગાવી. છેલ્લે, દિલ્હીને પૂછવામાં આવ્યું કે શું તે રાઈટ ટુ મેચ વિકલ્પ સાથે પંતને ખરીદવા માગે છે, દિલ્હીએ હા પાડી. પરંતુ લખનઉએ રૂ. 27 કરોડની બોલી લગાવી અને આ પછી દિલ્હી પાછળ હટી ગયું. ગઈ સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ને ચેમ્પિયન બનાવનાર શ્રેયસ અય્યરને પંજાબ કિંગ્સે 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. શ્રેયસે 23 નવેમ્બરે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 57 બોલમાં 130 રનની ઇનિંગ રમી હતી. કોલકાતાએ વેંકટેશ અય્યરને ફરીથી ટીમમાં સામેલ કર્યો છે. KKRએ તેને 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ સાથે તે IPL ઈતિહાસનો ત્રીજો સૌથી મોંઘો ભારતીય ખેલાડી બની ગયો છે. પંજાબે યુઝવેન્દ્ર ચહલને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો સ્પિનર બની ગયો. ચહલ IPLના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 2013માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું, ત્યારથી લઈને 2024 સુધી તેણે 160 મેચમાં 205 વિકેટ લીધી હતી. ઓપનર વોર્નર, બેયરસ્ટો અને પેડિકલ અનસોલ્ડ રહ્યા
ત્રીજા સેટમાં બે કેપ્ડ બેટર્સ અનસોલ્ડ રહ્યા હતા. ઓક્શનમાં ઓસ્ટ્રેલિયાનો બેટર ડેવિડ વોર્નર અને ભારતીય બેટર દેવદત્ત પડિકલ માટે કોઈ ટીમે બોલી લગાવી નથી. પંજાબે આફ્રિકન કેપ્ટન એડન માર્કરમને બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યો છે. ઇંગ્લેન્ડના ઓપનર જોની બેયરસ્ટોને કોઈએ ખરીદ્યો નથી. છેલ્લી સિઝનમાં ડેવિડ વોર્નર દિલ્હી માટે, પડિકલલ લખનઉ તરફથી અને બેયરસ્ટો પંજાબ તરફથી રમ્યો હતો.