back to top
Homeગુજરાતઅકસ્માતના ડેમો સાથે જાગૃતિ:VNSGUમાં વિદ્યાર્થીઓ-સ્ટાફને હેલ્મેટ પહેરાવવા બે હાથ જોડવા પડ્યા; સૌરાષ્ટ્ર...

અકસ્માતના ડેમો સાથે જાગૃતિ:VNSGUમાં વિદ્યાર્થીઓ-સ્ટાફને હેલ્મેટ પહેરાવવા બે હાથ જોડવા પડ્યા; સૌરાષ્ટ્ર યુનિ.માં કડકાઈથી અમલ કરાવવાનો VCનો દાવો

રાજ્યના DGPએ ગુજરાતની તમામ યુનિવર્સિટીના કુલપતિઓને પરિપત્ર કરી બાઈકચાલકો માટે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આમ છતાં અનેક યુનિવર્સિટીઓમાં હેલ્મેટના નિયમનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે. આજરોજ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)માં ખાસ અકસ્માતનો ડેમો ત્યારે કરી વિદ્યાર્થીઓ અને સ્ટાફને ફરજિયાત હેલ્મેટ પહેરવા અપીલ કરવામાં આવી હતી. આ સાથે જ તમામને બે હાથ જોડી ફરજિયાત હેલ્મેટ પહેરવા અપીલ કરાઈ હતી. તો નિયમનું પાલન કરનારને ગીતા આપી તાળી વગાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. આવી જ રીતે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓ અને સ્ટાફ હેલ્મેટ વગર આવતા નજરે પડ્યાં હતાં. આ મામલે કાર્યકારી કુલપતિ ડૉ. કમલસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં પ્રેમથી અને બાદમાં કડકાઈથી અમલ કરાવાશે. VNSGUના બે વિદ્યાર્થી માર્ગ અકસ્માતમાં મોતને ભેંટ્યાં
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં ગેટની બહાર છેલ્લાં એક વર્ષમાં હેલ્મેટ ન પહેરનારા બે વિદ્યાર્થીનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આવી દુર્ઘટનાઓ ફરીથી ન થાય તે માટે યુનિવર્સિટી દ્વારા એક ખાસ ડેમો રજૂ કરવામાં આવ્યો છે. આ ડેમોમાં એક બાઈકચાલક હેલ્મેટ વગર અકસ્માતનો ભોગ બને છે અને તેની બાજુમાં બેઠેલી પત્ની રડી રહી છે. આ પ્રકારના અકસ્માતનો ભોગ ન બનો તે માટે યુનિવર્સિટીના સુરક્ષા અધિકારી મેહુલ કે. મોદી વિદ્યાર્થીઓ-સ્ટાફને હેલ્મેટ પહેરવા માટે અનુરોધ કરી રહ્યા છે. બે હાથ જોડી સ્ટાફ-વિદ્યાર્થીને હેલ્મેટ પહેરવા અપીલ
બીજી તરફ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડાએ પોતાના વિદ્યાર્થીઓ અને સ્ટાફને આ નિયમનું પાલન કરાવવા માટે હાથ જોડીને તો ક્યારેક ભગવત ગીતા આપી હેલ્મેટ પહેરવા અનુરોધ કર્યો હતો. તો હેલ્મેટ પહેરીને આવતા વિદ્યાર્થીઓને રજિસ્ટ્રાર રમેશ ગઢવીએ તાળી વગાડી પ્રોત્સાહન આપ્યું હતું, જેથી તેઓ દરરોજ હેલ્મેટ પહેરીને આવે. ઉલ્લેખનીય છે કે, ઘણાં વિદ્યાર્થીઓ અને સ્ટાફના લોકોએ હેલ્મેટ પહેર્યું ન હોવાથી શરમમાં મુકાયા હતાં અને હવેથી પહેરીને આવશું તેવું જણાવ્યું હતું. વાઈસ ચાન્સેલરનો સંદેશ
વિસી કિશોરસિંહ ચાવડાએ કહ્યું કે, અમારો સૌને આ અનુરોધ છે કે નિયમોનું પાલન કરો. કેમ કે, યુનિવર્સિટી બહાર છેલ્લા એક વર્ષમાં બે વિદ્યાર્થીનું હેલ્મેટ ન પહેરવાના કારણે મૃત્યુ થયું છે. આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દિવ્ય ભાસ્કરનું રિયાલિટી ચેક
આજે દિવ્ય ભાસ્કરની ટીમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે પહોંચી હતી અને ત્યાં રિયાલિટી ચેક કર્યું હતું. તો તેમાં સામે આવ્યું હતું કે, મોટાભાગના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સહિતના કર્મચારીઓ હેલ્મેટ વિના યુનિવર્સિટીએ આવતા નજરે પડ્યા હતા. ‘પ્રેમથી નહીં સમજે તો તેનો કડક રીતે અમલ કરાવાશે’
આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડૉ. કમલસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, હું એક તબીબ તરીકે પણ કહું છું કે આપણા માથાની સંભાળ આપણે જ રાખવી જોઈએ. ડીજીપી દ્વારા હેલ્મેટ ફરજિયાતનો જે પરિપત્ર કરવામાં આવ્યો છે, તેની વહેલી તકે અમે અમલવારી શરૂ કરી દેશું. પ્રથમ તબક્કામાં એવા લોકો કે જેઓ હેલ્મેટ પહેરતા નથી કે અગાઉ પહેરતા હતા અને હવે આદત છૂટી ગઈ છે, તેવા વિદ્યાર્થીઓને, અધ્યાપકોને હેલ્મેટ પહેરવા માટે વિનંતી કરશું. જે વિનંતી પ્રેમભરી યાદી સ્વરૂપે હશે. ત્યારબાદ જો કોઈ વિદ્યાર્થીઓ કે અધ્યાપકો પ્રેમથી નહીં સમજે તો તેનો કડક રીતે અમલ કરાવવામાં આવશે. હેલ્મેટ પહેરવાથી આપણું માથું બચી શકે છે, તો આપણે શા માટે હેલ્મેટ ન પહેરીએ. જેથી મારી સૌને અપીલ છે કે હેલ્મેટ પહેરવું જોઈએ. વિદ્યાર્થીઓ સહિતના હેલ્મેટ વિના આવતા નજરે પડ્યા
આ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસન યુનિવર્સિટી કેમ્પસ પર કારમાં આવ્યા હતા અને સીટ બેલ્ટ બાંધેલો હતો. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે મોટાભાગનાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ સહિતના હેલ્મેટ વિના આવતા નજરે પડ્યા છે. તો અમલવારી બાબતે શું કહેશો? ત્યારે તેમને જણાવ્યું હતું કે, અમારા ભવનમાં તો અમે આજથી જ વિદ્યાર્થીઓ-અધ્યાપકોને હેલ્મેટ પહેરવા માટે વિનંતી કરશું. અકસ્માત સર્જાય તો તેઓને ગંભીર ઈજા ન થાય કે તેઓને જીવ ગુમાવવો ન પડે. DGPએ ફરજિયાત હેલ્મેટ પહેરવા પરિપત્ર બહાર પાડ્યો
ગુજરાતના DGP વિકાસ સહાયે રાજ્યની તમામ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, રાજયમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ-કોલેજોમાં અંદાજીત 16.4 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓ અવર-જવર માટે મોટા ભાગે દ્વિ-ચક્રી વાહનોનો ઉપયોગ કરે છે. રાજ્યમાં વર્ષ 2023 દરમિયાન માર્ગ પર અકસ્માત થવાના કારણે કુલ 7,854 લોકો મૃત્યુ પામ્યા હતા. જેમાં 2,767 (35%) લોકોના મૃત્યુ હેલ્મેટ ન પહેરવાને કારણે થયા હતા. આ ઉપરાંત કુલ જીવ ગુમાવનારમાંથી 2,082 (26.50%) વ્યકિત 26 વર્ષની નીચેની વયના છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. આ વયજુથમાં મુખ્યત્વે શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ હોય છે. ટુ-વ્હિલર પાછળ બેસનાર માટે પણ હેલ્મેટ ફરજિયાત
માર્ગ સુરક્ષા આજના સમયમાં અત્યંત મહત્વપૂર્ણ મુદ્દો છે. હેલ્મેટ પહેરવું એ એક સરળ પરંતુ અત્યંત અસરકારક પગલું છે. હેલ્મેટનો ઉપયોગ કરવાથી માથાના ભાગે ઘાતક ઇજાના જોખમને ઘટાડી શકાય છે. જે ગંભીર ઇજાઓને રોકી શકવામાં મદદરૂપ થાય છે અને જીવ બચાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. મોટર વાહન અધિનિયમ 1988ની કલમ 129 મુજબ દ્વિ-ચક્રીય વાહનચાલક તેમજ પાછળ બેસનાર વ્યકિતએ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. હેલ્મેટ પહેરવા અંગેની અમલવારી કરવા જણાવ્યું
તાજેતરમાં નામદાર ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો રીટ પીટીશન દાખલ કરેલી છે. જે અંતર્ગત હાઇકોર્ટ દ્વારા દ્વિ-ચક્રી વાહન ચલાવનાર તેમજ તેની પાછળ બેસનાર વ્યકિતને ફરજિયાતપણે હેલ્મેટ પહેરવા અંગેની અમલવારી કરવા જણાવ્યું છે. આ ઉપરાંત રાજ્યની તમામ સરકારી કચેરીઓના પરિસરમાં દ્વિ-ચક્રીય વાહનનો ઉપયોગ કરતા અધિકારીઓ, કર્મચારીઓ, સ્ટાફ માટે હેલ્મેટ પહેરવા અંગે જરૂરી સૂચના ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી છે. રાજ્યની તમામ યુનિવર્સિટીઓ (ખાનગી/સરકારી) પણ પોતાના તમામ અધિકારી-કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવા પ્રોત્સાહિત કરે તે જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments