અમરેલી ભાજપ શાસિત નગરપાલિકામાં ભાજપના સદસ્યો વચ્ચે ખેંચતાણ શરૂ થતાં ભડકો થયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વર્તમાન નગરપાલિકા પ્રમુખ સામે ભાજપના જ કાળુ પાનસુરીયાની આગેવાનીમાં કેટલાક સદસ્યોએ મોરચો માંડી અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવી છે, જેના કારણે ખળભળાટ મચી ગયો છે. ગઇકાલે અસંતોષી સદસ્યોએ નગરપાલિકા બાદ કલેકટર કચેરીમાં પહોંચી અવીશ્વાસ દરખાસ્ત મૂકી શાસન સામે મનસ્વી વર્તન કર્યાના ગંભીર આક્ષેપો મુકવામા આવ્યા હતા અને બોર્ડ મિટિંગ કોઈ કારણો વગર રદ કરી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. જે બાદ આજે અમરેલીમાં નારાજ સદસ્યોની ટીમ ભાવનગર શહેરમાં આવેલ પ્રાદેશિક કમિશ્નર સમક્ષ પહોચી અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવી છે. જેના કારણે અમરેલીના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. હાલ અમરેલી વર્તમાન પ્રમુખ સામે 18 જેટલા અસંતોષ સદસ્યોએ મોરચો માડવામાં આવ્યો છે. ભરત કાનાબારે ટ્વીટ કરતા રાજકારણ વધુ ગરમાયુ
અમરેલી ભાજપ નેતા ડો.ભરત કાનાબાર દ્વારા અમરેલી નગરપાલિકાના મુદ્દે ભાજપના નેતાઓ સંબોધી ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે લખ્યું છે કે, અમરેલી નગરપાલિકામાં કેટલાક સભ્યોને ઘોર અન્યાય! સહુનો સાથ પણ વિકાસ ત્રણ-ચાર સભ્યોનો જ !! પાલિકાના સરળ અને સાલસ પ્રમુખ માટે સૂડી વચ્ચે સોપારી મેં ઇધર જાઉં યા ઉધાર જાઉં? ગઈકાલે મિટિંગ પહેલા કેટલાક અસંતુષ્ઠોને રોટલાનો ટુકડો મળ્યો પણ હવે આખો રોટલો જોઈએ છે ! કેટલાક કહે છે કે છેલ્લે ઘીના ઠામમાં ઘી પડી જશે પણ ઘી કોના ઠામમાં પડશે એ નક્કી નથી. પ્રજાની કોઈને પડી નથી. બધાને ભાગ જોઈએ છે. અમરેલીના લોકો સાથે મજાક થય રહી છે.