ગત 25 નવેમ્બરની રાત્રે કણકોટ મવડી રોડ પર આવેલા શ્યામ પાર્ટી પ્લોટમાં એક લગ્ન પ્રસંગ યોજાયો હતો. આ લગ્નમાં રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતી સરધારા પર PI સંજય પાદરિયાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘાયલ થયેલા જયંતી સરધારાએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલના ઈશારે હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરતા હવે લેઉવા પાટીદાર સમાજની જ બન્ને સંસ્થા સરદાર ધામ અને ખોડલધામ સામ સામે આવી ગઈ છે. આ ઘટનાને કારણે કદાચ ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે, લેઉવા પાટીદાર સમાજની જ બે સંસ્થા વચ્ચે જાહેરમાં મારામારીની ઘટના બની. દિવ્ય ભાસ્કર લેઉવા પાટીદારોમાં ચર્ચાનો વિષય બનેલી આ ઘટનાની પડદા પાછળની વાત જણાવી રહ્યું છે. ખોડલધામ લેઉવા પટેલ સમાજનું આસ્થાનું કેન્દ્ર છે. જ્યાં માં ખોડલના દર્શને લાખો ભક્તો આવે છે. આ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. જ્યારે સરદાર ધામ શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલી સંસ્થા છે. જો કે સરદાર ધામમાં લેઉવા અને કડવા પાટીદાર એમ બન્ને સમાજના આગેવાનો જોડાયેલા છે. આ પણ વાંચો: સરદારધામના ઉપપ્રમુખની હત્યાની કોશિશ બન્ને સંસ્થાના ટ્રસ્ટી સ્ટેજ પણ શેર કરતા નથી
જ્યારથી સરદારધામની શરૂઆત થઈ ત્યારથી બન્ને સંસ્થા વચ્ચેની કડવાશ વધવા લાગી અને સમય જતા બન્ને સંસ્થાના ટ્રસ્ટી સ્ટેજ શેર કરવાથી પણ બચે છે. સમાજ અને એકતા માટે કામ કરવા બનેલી આ બન્ને સંસ્થાના ટ્રસ્ટીઓ વચ્ચે એકતા ન હોવાની લેઉવા પાટીદારોમાં પણ ચર્ચા જાગી છે. ખોડલધામને મળતું ફંડ સરદારધામમાં ડાયવર્ટ થવા લાગતા કડવાશ વધી
ખોડલધામ અને સરદાર ધામમાં હવે ફંડ મુખ્યો મુદ્દો બની રહ્યો છે અને ક્યાંકને ક્યાંક તેને લઈને વિવાદ સપાટી પર આવવા લાગ્યો છે. આ વિવાદના મૂળમાં ખોડલધામને મળતું ફંડ સરદારધામમાં ડાયવર્ટ થતું હોવાથી બન્ને સંસ્થાઓ વચ્ચે કડવાશ આવી ગઈ. બન્ને સંસ્થાના 60 ટકા ટ્રસ્ટી એક જ છે
ખોડલધામ અને સરદાર ધામ સંસ્થાના 60 ટકા ટ્રસ્ટીઓ એક જ છે. પરંતુ સરદારધામમાં ફંડ વધુ જવા લાગતા ખોડલધામને આર્થિક ફટકો પડવા લાગ્યો છે. ગતરાત્રે(25 નવેમ્બર, 2024) જે ઘટના બની તેના મૂળમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના જયંતી સરધારાનો બફાટ ભારે પડી ગયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સરધારા ખોડલધામમાં કંઈ રહ્યું નથી… બોલ્યાને મામલો બિચક્યો
તેઓ મવડી પ્લોટ પાસે એક જગ્યાએ જમણવારમાં હતા ત્યારે PI સંજય પાદરીયા આવ્યા હતા. આ સમયે જયંતી સરધારાએ જાહેરમાં બફાટ કર્યો કે હવે ખોડલધામમાં કંઈ રહ્યું નથી. નકામા લોકો રહ્યા છે અને બધા સરદારધામમાં આવી ગયા છે. જયંતી સરધારાના આ શબ્દો પાદરીયાના કાને પડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. માત્ર એટલું જ નહીં પણ લગ્ન પ્રસંગના આ જમણવારમાં જમવાની ડીશ લેવાની જગ્યાએ બન્ને વચ્ચે સામાન્ય મારા મારી થઈ ગઈ. આ સમયે હાજર લોકોએ બન્નેને છૂટા પાડ્યા હતા. સરદારધામમાં ટ્રસ્ટીઓ વગદાર
ત્યારબાદ PI પાદરિયા સરદારધામના ઉપપ્રમુખ જયંતી સરધારાની રાહ જોઈને બહાર જ ઉભા હતા. પોલીસ ફરિયાદ મુજબ, પાર્ટી પ્લોટની બહાર જ PI પાદરિયાએ સરદારધામના ઉપપ્રમુખ અને રાજકોટના પૂર્વ કોર્પોરેટર જયંતીભાઈ સરધારાને “હું નરેશભાઈ પટેલની સક્રિય ટીમમાં છું, તું સરદારધામમાં ઉપપ્રમુખ બનીને ગદ્દારી કરે છે, હવે તને અહીંથી જીવતો જવા દેવો નથી કહી પિસ્તોલ જેવું હથિયાર માથામાં મારી દીધું હતું. સરદારધામમાં ટ્રસ્ટીઓ થોડા વગવાળા છે અને સરકારમાં પણ તેમનું ઉપજે છે. જેથી PI પાદરિયા સામે તાત્કાલિક 307નો ગુનો પણ દાખલ દેવામાં આવ્યો છે. નરેશ પટેલનો કોઈ રોલ ન હોવાની ચર્ચા
જો કે અંગત સૂત્રો કહે છે આખા કેસમાં નરેશ પટેલનો કોઈ રોલ નથી. પરંતુ PI સંજય પાદરિયા નરેશ પટેલની નજીક છે એ વાત સાચી છે. જો કે નરેશ પટેલના આદેશથી આવા હુમલાઓ થાય તે વાત ગળે ઉતરતી નથી. નરેશ પટેલનું નામ આપી દેતા આખો મામલો વધુ હાઈપ મેળવે તેના માટેના એક પ્રયાસ થઈ રહ્યા આવવાનું જાણવા મળે છે. બન્નેનું અહમ ટકરાયું ને સમાજની બદનામી થઈ
મૂળ વાત આ બંનેના અંગત ઈગોની આવી હતી અને બંનેએ સામસામે બોલાચાલી કરી મારામારી સુધી પહોંચી ગયા હતા.જોકે હાલ પોલીસ તપાસ ચાલુ છે. પરંતુ મૂળ મુદ્દામાં જે રીતે રાજકોટના ભાગોળે પણ ખોડલધામની જેમ સરદારધામ બની રહ્યું છે. જેમાં સમાજના યુવાઓને IAS-IPSની તૈયારી માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ સરદાર ધામ ખોડલધામની સીધું હરીફ બની શકે તે મુદ્દો પણ અહીં કારણભૂત હોવાનું જાણકારો કરી રહ્યા છે. આ અંગે સરદારધામના જીતેન્દ્રભાઇ કથીરિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુતરિયા છે અને તેઓએ અમદાવાદમાં પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે અને કલાસ-1 અને કલાસ-2 અધિકારી બની શકે તે માટે હોસ્ટેલ બનાવી છે. 2014થી સરદારધામ નામથી કાર્યરત હોસ્ટેલમાં 2000 જેટલા પાટીદાર સમાજના દીકરા-દીકરી રહે છે. અમદાવાદ ઉપરાંત ભૂજમાં પણ સરદારધામનું કેન્દ્ર છે અને વડોદરા, સુરત અને રાજકોટમાં પ્રોજેક્ટ તૈયાર થઇ રહ્યા છે. રાજકોટમાં કણકોટ રોડ પર સરદારધામ બનાવવા 30 હજાર ચો.મી. જગ્યા લીધી છે અને 15મી ડિસેમ્બરે તેનું ખાતમુહૂર્ત થનાર છે. અગાઉ ખોડલધામમાં સેવા આપતા મનસુખભાઈ હવે સરદારધામનું ફંડ મેનેજમેન્ટ સંભાળે છે અને પરેશભાઇ ગજેરા બાંધકામનું મેનેજમેન્ટ સંભાળવાના છે. ખોડલધામની જેમ હવે સરદારધામ પણ રાજકોટમાં સમાજ માટે આ સુવિધા ઉપલબ્ધ કરી રહયું છે ત્યારે આ કારણોસર તો વૈમનસ્ય ઉભુ નહીં થયું હોય ને? તેવા સવાલો ઉઠી રહ્યા છે. કોણ છે સંજય પાદરિયા?
સંજય વી. પાદરિયા મૂળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વતની છે અને હાલ તેઓ રાજકોટમાં રહે છે. તેઓ લગભગ એક દાયકા કરતા વધુ સમયથી ખોડલધામ સમિતિ સાથે સંકળાયેલ છે. ખોડલધામ વિદ્યાર્થી સમિતિ KDVSના નેજા હેઠળ સંજય પાદરીયા યુવાનોને માર્ગદર્શન પૂરું પાડે છે. વર્ષ 2019માં તેઓને PSI માંથી PI તરીકે પ્રમોશન મળ્યું હતું ત્યારબાદ હાલ તેઓ જૂનાગઢ એસઆરપી રિજિયન PI તરીકે ફરજ બજાવી રહ્યા છે. તાજેતરમાં PSIની 12,472 PSI ભરતી મામલે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં સેમિનારનું આયોજન કરી પાટીદાર સમાજના યુવાનોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.