માંજલપુરના રિલાયન્સ સર્કલથી તુલસીધામ સર્કલ થઈ જ્યુપિટર ચાર રસ્તા તરફ ગૌરવ પથ બનાવવાની કામગીરી દરમિયાન મોટા ફૂટપાથને કારણે માંજલપુરના ધારાસભ્યે કામગીરી રોકાવી હતી. જોકે રોકાવેલી કામગીરી બાદ ત્યાંથી પેવર બ્લોક કાઢી ત્યાં ડામરનો રોડ બનાવવાની કામગીરી માટે હવે પાલિકાને રૂા. 2.23 કરોડ ચૂકવવાનો વારો આવ્યો છે, જેના કારણે વિવાદ થયો છે. રાજ્ય સરકારના સૂચનથી શહેરમાં 6 સ્થળોએ ગૌરવ પથ બનાવવાની કામગીરી કરાઈ રહી છે. જે અંતર્ગત રિલાયન્સ સર્કલથી તુલસીધામ સર્કલ થઈ જ્યુપિટર ચાર રસ્તા સુધી ગૌરવ પથ બનાવવાનું કામ અંદાજ ભાવ કરતાં 29 ટકા વધુ 9.55 કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટર શાંતિલાલ પટેલને અપાયું હતું. પાલિકામાં મળતી સાંસદ, ધારાસભ્યોની સંકલનની બેઠકમાં ફૂટપાથ 4 ફૂટના રાખવાનું સૂચન કર્યું હોવા છતાં 10થી 15 ફૂટના મોટા ફૂટપાથ બનાવ્યા હોવાની ફરિયાદ કરી ધારાસભ્ય યોગેશ પટેલે રોડની કામગીરી બંધ કરાવી હતી. આ અંગે અધિકારીઓનું કહેવું છે કે, તે ફૂટપાથ નથી, પણ સર્વિસ ટ્રેક છે. જોકે ધારાસભ્ય યોગેશ પટેલને ફૂટપાથ અંગે થયેલી ગેરસમજથી કામગીરી રોકાવી છે. યોગેશ પટેલે કામગીરી રોકાવીને ફેરફાર કરવાની સૂચના આપતાં અધિકારીઓએ કામગીરીમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું છે. જે ફેરફાર પાલિકાને 2.23 કરોડમાં પડશે તેવી માહિતી આધારભૂત સૂત્રો તરફથી મળી છે. હાલમાં બની ગયેલા રોડના નવા પેવર બ્લોકને કાઢી તેની જગ્યાએ ડામરનો રોડ બનાવાશે. જેનાથી ખર્ચ 9.56 કરોડથી વધી જશે અને કોન્ટ્રાક્ટરને 2.23 કરોડ વધુ ચૂકવવા પડશે. આમ, ધારાસભ્યની જીદ પાલિકાને રૂ. 2.23 કરોડમાં પડશે. મેં બનેલા રોડને યથાવત્ રાખી બાકીનો રોડ બનાવવા કહ્યું હતું
3 મહિના પૂર્વે મળેલી સંકલનની બેઠકમાં મેં ગાંધીનગરની જેમ ફૂટપાથ એકસરખા અને 4 ફૂટના બનાવવા કહ્યું હતું. જેમાં મ્યુનિ. કમિશનરે હામી ભરી હતી, છતાં મોટા ફૂટપાથનાં ટેન્ડર કેમ બહાર પડાયાં? રાજ્ય સરકારનું સૂચન છે તો સરકાર ગાંધીનગરમાં 4 ફૂટના અને વડોદરામાં 15 ફૂટના બનાવવાનું કહે છે? 2 કરોડનો ખર્ચ વધારે થશે તેવો હાવ ઊભો કરાઈ રહ્યો છે. કારણ કે રોડની કામગીરી પૂરી થાય. મારું સ્પષ્ટ કહેવું છે કે સંકલનની બેઠકમાં હવે પછી નવા રોડના ફૂટપાથ 4 ફૂટના રાખવા કે નહીં તે નક્કી કરીશું. માંજલપુરના રોડ બાબતે મેં સ્પષ્ટ કહ્યું છે કે, બનેલો રોડ યથાવત્ રાખો અને બાકી રહેલા રોડમાં સુધારો કરો. પેવર બ્લોક ઉખાડી કામ કરવા સૂચન કર્યું નથી. > યોગેશ પટેલ, ધારાસભ્ય, માંજલપુર યોગેશ પટેલને તરસાલી-ડેરી રોડ પરનો ફૂટપાથ કેમ ન દેખાયો ?
સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલને માંજલપુરમાં બનતા ગૌરવ પથના 10થી 15 ફૂટ પહોળા ફૂટપાથ દેખાયા, પરંતુ તેમના જ મત વિસ્તારમાં તરસાલી શાક માર્કેટથી ડેરી ત્રણ રસ્તા સુધી 2.85 કરોડના ખર્ચે બનાવેલો 15થી 20 ફૂટનો ફૂટપાથ કેમ નથી દેખાતો તેની ભારે ચર્ચા છે. આ અંગે ધારાસભ્યનું કહેવું છે કે, માંજલપુરના સ્થાનિકોની ફરિયાદ બાદ તેઓએ મોટા ફૂટપાથની ફરિયાદ કરી હતી. પેવર બ્લોક કાઢી રોડ બનાવાતાં 156 જેટલાં વૃક્ષોને કાપવાં પડશે
સૂત્રો મુજબ રિલાયન્સ સર્કલથી તુલસીધામ ચાર રસ્તા થઈ જ્યુપિટર ચાર રસ્તા તરફના ગૌરવ પથ પર નવા નાખેલા પેવર બ્લોક કાઢી ત્યાં ડામર રોડ બનાવવામાં આવશે. પાકો રસ્તો બનાવવાની કામગીરી કરવાથી અંદાજિત 156 જેટલાં નાનાં મોટાં વૃક્ષોને કાપવાના થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.