વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં તેલના ડબ્બા ખરીદવાના બહાને બે ગઠીયા આવ્યા હતા. જે પૈકી એક ગોડાઉન માલિક સાથે ભાવતાલ કરતો હતો જ્યારે બીજાએ મોપેડની ડેકીમાંથી રૂપિયા 3 લાખ ભરેલી થેલી લઈને બંને ફરાર થઈ ગયા હતા. જેથી વેપારીએ આ મામલે સિટી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. વડોદરા વારસિયા વિસ્તારમાં આવેલી સત્યવિલા સોસાયટીમાં રહેતા જયેશભાઈ જેઠાલાલ બાવીસીએ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારા પરિવાર સાથે રહું છું અને યાકુતપુરા ખાતે ચરોતર હોલની બાજુમાં સૌરાષ્ટ્ર ટ્રેડીંગ કોર્પોરેશન નામના પોતાના ગોડાઉનમાં તેલના ખાલી ડબ્બાનો લે વેચનો વેપાર-ધંધો કરૂ છું. 25 નવેમ્બરના રોજ સાંજના સમયે હું મારા ગોડાઉન યાકુતપુરાથી મારું મોપેડ લઈને સુલતાનપુરા આર.કે આંગડીયા પેઢી ઉપર પૈસા લેવા ગયો હતો અને તે પૈસા સિધ્ધપુરના મારા મિત્ર મિતેષભાઈ મોદીએ આર.કે. આંગડીયા પેઢીમાં મોકલ્યા હતાં. મોપેડને ગોડાઉનના પાર્કિંગમાં પાર્ક કરી મારી દુકાને ગયો
મેં આર.કે. આંગડીયા પેઢીમાંથી રોકડા 3 રૂપિયા લાખ પ્લાસ્ટીકની ડેકીમાં મુકી ગાડી લઈને એમ.જી રોડથી નરસિંહજીની પોળ થઈ અડાણીયા પુલ ચાર રસ્તાથી અજબડી મીલ તરફ મારા ગોડાઉન ખાતે આવ્યો હતો. આવ્યાં બાદ મેં મારી મોપેડ અમારા ગોડાઉનના કંપાઉન્ડમાં પાર્ક કરીને હું મારી દુકાનમાં જતો રહ્યો હતો. તે વખતે અમારા ગોડાઉનમાં અમુક અજાણ્યા ગ્રાહકો આવ્યા હતા, તે સમયે મારી મોપેડની ડેકીમાં ધંધા અર્થે લાવેલા રોકડ રૂપિયા 3 લાખ ભરેલી થેલી બાબતે અમુક ગ્રાહક ઉપર શક ગયો હતો. 3 લાખ રૂપિયા રોકડાની ચોરી કરીને ફરાર થઈ ગયો
મને શક જતા હું ત્યાં જોવા માટે ગયો હતો. મેં મોપેડની ડેકી ચેક કરતાં તે ખુલ્લી હતી અને તેમાં 3 લાખ રૂપીયા ભરેલી થેલી પણ ગાયબ હતી. દુકાનના CCTV ચેક કરતા બે ઈસમો મારી દુકાનમાં આવ્યા હતા અને એક ઈસમ મારાભાઈ ભાવેશ સાથે ભાવતાલ કરવા લાગ્યો હતો અને તે દરમિયાન તેની સાથે બીજો ડેકી નીચે હાથ નાંખીને ડેકી ખોલીને 3 લાખ રૂપિયા રોકડાની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. ‘કોઈએ મારી રેકી કરીને રૂપિયા ચોરી કર્યા હોય તેવું લાગે છે’
વેપારીએ આ મામલે સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને સીટી પોલીસે ત્રણ લાખ રૂપિયા લઈને ભાગી છુટેલા બે શખ્સોની શોધખોળ શરૂ કરી છે. આરોપીઓ કોઈ જાણભેદુ છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. વેપારી જયેશભાઈ બાવીસીએ જણાવ્યું હતું કે, આ પ્રકારની ઘટના અમારી દુકાન પાસે પહેલીવાર બની છે. કોઈ જાણભેદુ હોય તેવી મને શંકા નથી. કોઈએ મારી રેકી કરીને રૂપિયા ચોરી લીધા હોય તેવું લાગે છે. આ મામલે પોલીસ ફરિયાદ કરી છે.