શિંદેએ સંવિધાન મુજબ રાજ્યપાલને રાજીનામું તો આપી દીધું, પણ આજના સંવિધાનના દિવસે જ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીપદ માટે કટોકટી થઈ છે. ભાજપ પાસે સીટ વધુ છે, પણ શિંદેની શિવસેના ડિમાન્ડ કરી રહી છે કે એકનાથ જ મહારાષ્ટ્રના ‘નાથ’ બને. અઢી વર્ષ પહેલાં ઉદ્ધવ શિવસેનાને ધ્વસ્ત કરવા ભાજપે એકનાથ શિંદેનો સહારો લીધો. શરદ પવારની NCPનો નાશ કરવા અજિત પવારનો સહારો લીધો. શિંદે અને અજિત પવારના ખભે ભાજપ મોટો થઈ ગયો. હવે થયું એવું કે શિંદે ભાજપના ગળે પડ્યા છે. નમસ્કાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ મહારાષ્ટ્રનું મનોમંથન કરી રહ્યા છે. શિંદે અને પવારનો ટેકો લઈને મહારાષ્ટ્રમાં ભાજપે ગઠબંધનમાં શાસન કર્યું. હવે ભલે ભાજપ પાસે સીટ વધુ છે, પણ શિંદે અને પવારને કોરાણે મૂકી ન શકે. ભાજપ ઘણી ફોર્મ્યુલા વિચારે છે, પણ ભાજપ પાસે સમય ઓછો છે. મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ પૂરો થવામાં ગણતરીના કલાકો બાકી છે. જો ત્યાં સુધીમાં નવી સરકારની રચના ન થાય તો રાષ્ટ્રપતિશાસન લાગી શકે. ફડણવીસ મુખ્યમંત્રી બને એ શિંદેને પોસાય એમ નથી
મહારાષ્ટ્રમાં ભાજપને બહુમતીના આંકડાની નજીક લઈ જવામાં દેવેન્દ્ર ફડણવીસનો મોટો ફાળો છે. સીટની સંખ્યાની દૃષ્ટિએ પણ બહુમતી ભાજપની છે. ભાજપ જે નક્કી કરશે એ મુખ્યમંત્રી બની શકે. અત્યારે દેવેન્દ્ર ફડણવીસનું નામ આગળ છે. શિંદેની શિવસેનાની માગણી છે કે ભલે ભાજપની બહુમતી રહી, પણ એકનાથ શિંદે જ મુખ્યમંત્રી બને, બીજું કોઈ નહીં, કારણ કે મહારાષ્ટ્રમાં ઉદ્ધવની શિવસેનાનું પતન હોય કે મહારાષ્ટ્રમાં ભાજપ મજબૂત બન્યો હોય તો એમાં એકનાથ શિંદેનો સારોએવો ફાળો છે, એટલે શિંદેએ પોતે પણ CMની ખુરસી માટે દાવો ઠોકી દીધો છે, કારણ કે જો ફડણવીસ મુખ્યમંત્રી બને તો શિંદે સાઈડ લાઈન થઈ જાય. ભાજપે કાં તો શિંદેને કેન્દ્રમાં મોટું પદ આપવું પડે અથવા શિંદેને જ CM બનાવવા પડે. શિંદેને ભય છે કે ફડણવીસ મુખ્યમંત્રી બનશે તો પોતે સાઈડ આઉટ થઈ જશે, એટલે તેમને આ વાત પોસાય એમ નથી. નવી ફોર્મ્યુલા- શિંદેને કેબિનેટ મંત્રી બનાવાય, શિંદેના દીકરાને નાયબ મુખ્યમંત્રી
જનસત્તાના એક અહેવાલમાં જણાવાયું છે કે જે અન્ય ફોર્મ્યુલા સામે આવી છે એ મુજબ, એકનાથ શિંદેને કેબિનેટ મંત્રી પદની ઓફર કરવામાં આવી છે અને તેમના સ્થાને તેમના પુત્ર શ્રીકાંત શિંદેને નાયબ મુખ્યમંત્રીપદ સોંપવામાં આવશે. આ ઉપરાંત અજિત પવાર પણ નાયબ મુખ્યમંત્રી પદ પર રહેશે. આ રીતે ભાજપ બંને પક્ષને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યો છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું હતું કે આ નિર્ણય ભાજપ હાઇકમાન્ડ લેશે. એકનાથ શિંદેની પાર્ટીના એક નેતાએ કહ્યું હતું કે મહાયુતિ ગઠબંધન એકનાથ શિંદેના નેતૃત્વમાં ચૂંટણી લડ્યું હતું અને ઐતિહાસિક જીત મેળવી હતી, તેથી તેમને મુખ્યમંત્રી પદ મળવું જોઈએ. શિંદે જૂથના નેતા દીપક કેસરકરે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો નિર્ણય શિંદેને સ્વીકાર્ય રહેશે. આ પહેલાં કેસરકરે પણ શિંદે માટે મુખ્યમંત્રીપદની માગણી કરી હતી. મહારાષ્ટ્રના ‘કેરટેકર’ CM શિંદે !
રાજકારણમાં જે પરંપરા રહી છે એ મુજબ ગઠબંધનમાં સૌથી વધુ બેઠકો ધરાવનાર પાર્ટી પાસે જ મુખ્યમંત્રીનું પદ રહે છે, પરંતુ રાજકારણીઓ માટે ધર્મસંકટ ત્યારે થાય છે જ્યારે તેમની પાર્ટી સત્તામાં હોય તોપણ મુખ્યમંત્રી પદ પરથી હટી જવાની ફરજ પડે છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામો બાદ મુખ્યમંત્રીપદ પર સસ્પેન્સ છે. ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ સીટો મળી છે. ભાજપની આગેવાની હેઠળના મહાગઠબંધનમાં ચર્ચા ચાલી રહી છે કે રાજ્યના આગામી મુખ્યમંત્રી ભાજપમાંથી હશે કે શિંદેની શિવસેનામાંથી?. જોકે નવા સીએમની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ સરકારના ‘કેરટેકર’ તરીકે રહેશે. મહારાષ્ટ્રમાં ભાજપ માટે ધર્મસંકટ
ચૂંટણી પરિણામો આવ્યાં બાદ દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી પહોંચી ગયા હતા. આ દરમિયાન એવી ચર્ચા થઈ હતી કે તેઓ વડાપ્રધાન સાથે વાત કરવા માટે રાજધાની પહોંચ્યા હતા, જોકે તેમણે આ વાતને નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ લોકસભા સ્પીકર ઓમ બિરલાની દીકરીના લગ્નમાં હાજરી આપવા માટે દિલ્હી ગયા હતા. ચૂંટણી પહેલાં શિવસેનાના એકનાથ શિંદે રાજ્યના મુખ્યમંત્રી હતા. ભાજપના દેવેન્દ્ર ફડણવીસ અને NCPના અજિત પવાર નાયબ મુખ્યમંત્રી હતા. રાજ્યમાં કુલ 288 વિધાનસભા બેઠક છે. સરકાર બનાવવા માટે 145 સીટની જરૂર છે. આ ચૂંટણીમાં ભાજપે એકલા હાથે 132 બેઠક જીતી છે. રાજકારણમાં પ્રચલિત પરંપરા અનુસાર, ગઠબંધનમાં સૌથી વધુ બેઠકો ધરાવનારી વ્યક્તિ સામાન્ય રીતે મુખ્યમંત્રીપદ પણ ધરાવે છે, પરંતુ અત્યારે ભાજપ માટે આ ધર્મસંકટ છે. બિહારમાં ભાજપને ગરજ છે, મહારાષ્ટ્રમાં ગરજ નથી
એકનાથ શિંદેએ મહારાષ્ટ્રમાં બિહાર ફોર્મ્યુલાની જેમ પોતાને મુખ્યમંત્રી બનાવવાની વાત કરી છે. હાલમાં બિહારમાં નીતિશ કુમારની પાર્ટી જેડીયુ પાસે ભાજપ કરતાં ઘણી ઓછી સીટો છે. આમ છતાં નીતિશ કુમાર ત્યાંના મુખ્યમંત્રી છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 132 બેઠક સાથે એકલા હાથે સરકાર બનાવી શકે નહીં, પરંતુ આ માટે એકનાથ શિંદેની પાર્ટીના ટેકાની પણ જરૂર નથી. શિંદેની પાર્ટીએ 57 અને અજિત પવારની પાર્ટીએ 41 બેઠક જીતી છે. આ રીતે આ ત્રણેય પક્ષે મળીને કુલ 230 બેઠક જીતી છે. મતલબ સ્પષ્ટ બહુમતી. દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે બંનેના સમર્થકોએ મુખ્યમંત્રીપદ માટે દાવો કર્યો છે. નવી સરકાર માટે અનેક ફોર્મ્યુલા પર ચર્ચા થઈ રહી છે. આ ફોર્મ્યુલામાંથી એક છે – બિહાર ફોર્મ્યુલા. જોકે નિષ્ણાતો કહી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં ભાજપ બિહારની ફોર્મ્યુલા સાથે સહમત થાય એવી શક્યતા બહુ ઓછી છે, કારણ કે બંને જગ્યાએ પરિસ્થિતિ તદ્દન અલગ છે. બિહારમાં ભાજપને ચોક્કસપણે સૌથી વધુ બેઠકો મળી છે, પરંતુ ભાજપ નીતિશ કુમારની મદદ વગર કેન્દ્રમાં સરકાર ટકાવવાની સ્થિતિમાં નથી. નીતિશ કુમારની ગરજ હોવાના કારણે તેમને મુખ્યમંત્રીપદે રહેવા દેવાયા છે, પણ મહારાષ્ટ્રમાં ભાજપની હવે કોઈ મજબૂરી નથી. ભાજપ ધારે તો શિંદેના સપોર્ટ વગર પણ સરકાર બનાવી શકે છે
બીજી તરફ મહારાષ્ટ્રમાં આ વખતે ભાજપ એકનાથ શિંદેના સમર્થન વગર સરકાર બનાવવાની સ્થિતિમાં છે. જો તેમની પાર્ટીની 57 બેઠક કાઢી નાખવામાં આવે તો ભાજપ પાસે એકલા અજિત પવારની પાર્ટીના સમર્થન સાથે 173 બેઠકો છે. જે બહુમતીથી વધારે છે. સ્થિતિ એવી બની રહી છે કે એકનાથ શિંદેને અન્ય ફોર્મ્યુલા પર સહમત થવું પડી શકે છે. જોકે મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બંને પક્ષો એકબીજાને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપ એકનાથ શિંદેને સીએમ પદ છોડવા માટે મનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, જ્યારે શિંદેની શિવસેનાના સમર્થકો તેમને આ પદ પર યથાવત્ રાખવા આગ્રહ કરી રહ્યા છે. મહારાષ્ટ્રની પાવર ગેમની ટાઇમલાઇન એકનાથ શિંદે બળવાખોર બની ગયા, એની પાછળની આખી કહાની જાણવા જેવી છે…. એકનાથ શિંદે કોણ છે અને અચાનક કેમ બળવાખોર બન્યા?
61 વર્ષના એકનાથ શિંદે શિવસેનાના કદાવર નેતા અને 2022માં મહારાષ્ટ્ર સરકારમાં નગર વિકાસમંત્રી હતા. 2019માં ઉદ્ધવ ઠાકરેએ શિંદેને ધારાસભ્ય ગ્રુપના નેતા બનાવી દીધા હતા. એ સમયે માનવામાં આવતું હતું કે શિંદે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે, જોકે એનસીપી અને કોંગ્રેસ ઈચ્છતાં હતાં કે ઉદ્ઘવ ઠાકરે જ મુખ્યમંત્રી બને. એ જ રીતે શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનતાં બનતાં રહી ગયા, એટલે શિંદે પોતાની અવગણનાના કારણે શિવસેનાથી નારાજ હતા. ઉદ્ધવ સરકાર કેવી રીતે બની હતી?
મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટ પર 2019માં ચૂંટણી થઈ હતી. આ ચૂંટણીમાં ભાજપ 105 ધારાસભ્યો સાથે રાજ્યની સૌથી મોટી પાર્ટી બની હતી. મુખ્યમંત્રીપદ માટે શિવસેના અને ભાજપ ગઠબંધનમાં વાત નહોતી થઈ. આ સંજોગોમાં 56 ધારાસભ્યોવાળી શિવસેનાએ 44 ધારાસભ્યોવાળી કોંગ્રેસ અને 53 ધારાસભ્યોની NCP સાથે મળીને મહાવિકાસ આઘાડી સરકાર બનાવી. શિવસેનામાં સંકટની શરૂઆત કેવી રીતે થઈ?
10 જૂને 2022એ થયેલી રાજ્યસભાની ચૂંટણીથી જ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર સામે સંકટ ઊભું થયું હતું. રાજ્યસભાની 6 સીટ પર સત્તાધીશ મહાવિકાસ આઘાડી, એટલે કે શિવસેના + કોંગ્રેસ + NCPના 3 અને BJPના 3 ઉમેદવાર જીત્યા હતા. આમ, હવે મહારાષ્ટ્ર વિધાનસભામાં BJP પાસે માત્ર 106 ધારાસભ્ય રહ્યા હતા. અપક્ષ મળીને આ સંખ્યા 113થી વધારે થતી હતી. રાજ્યસભા ચૂંટણીમાં તેમને 123 વોટ મળ્યા તો MLC ચૂંટણીમાં 134 વોટ મળ્યા હતા. આનો સીધો અર્થ એવો થાય કે BJPએ રાજ્યસભા ચૂંટણીમાં સત્તાપક્ષના 10 ધારાસભ્યો તોડ્યા હતા. જ્યારે MLC ચૂંટણીમાં BJPને 134 વોટ મળ્યા હતા, એટલે કે BJP સાથે સત્તાપક્ષના 21 ધારાસભ્ય આવી ગયા હતા. શિંદે 30 ધારાસભ્યને લઈને સુરત આવી ગયા પછી શું થયું?
એકનાથ શિંદે ફડણવીસના સંપર્કમાં હતા. ભાજપ સાથે ગઠબંધનની વાતચીત ચાલતી હતી. તેઓ બસમાં 30 ધારાસભ્યને લઈને સુરતની એક હોટલમાં રોકાયા. મહારાષ્ટ્રના 30થી વધુ ધારાસભ્યોની સાથે ગુજરાતના સુરત પહોંચેલા એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરેની સામે ભાજપ સાથે ગઠબંધન કરવાની વાત મૂકી હતી. ઉદ્ધવે શિંદે સાથે વાતચીત કરવા માટે મિલિંદ નાર્વેકરને સુરત મોકલ્યા હતા. નાર્વેકર અને શિંદે વચ્ચે સુરતની લા મેરિડિયન હોટલમાં લગભગ એક કલાક સુધી મુલાકાત ચાલી હતી. નાર્વેકરે ફોન પર ઉદ્ધવ સાથે શિંદેની વાતચીત કરાવી હતી. 20 મિનિટ ચાલેલી આ વાતચીતમાં ઉદ્ધવે મુંબઈ આવીને વાતચીત કરવા પ્રસ્તાવ મૂક્યો, પણ શિંદે ભાજપ સાથે જોડાણ કરવા મક્કમ રહ્યા. એકનાથ શિંદે પોતાના સહિત શિવસેનાના 15, એક NCP અને 14 અપક્ષ ધારાસભ્યો હતા. શિંદે ત્યારે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી હતા અને તેમની સાથે શિવસેનાના બીજા બે મંત્રી પણ હતા. ગુજરાતથી તમામ ધારાસભ્યોને ગુવાહાટી લઈ જવાયા
પહેલાં શિંદે અને અન્ય ધારાસભ્યો સુરત રોકાયા અને ત્યાંથી આસામના ગુવાહાટીના રેડિસન બ્લૂ રિસોર્ટમાં રોકાયા. અહીંથી શિંદે અને ફડણવીસ સતત ફોનથી સંપર્કમાં હતા. શિંદેની સાથે રહેલા ધારાસભ્યો મૂંઝાતા હતા કે અમે બળવો કરીને આવ્યા તો ખરા, પણ કાંઈ પરિણામ ન આવ્યું તો શું થશે? ત્યારે શિંદેએ તમામને ધરપત આપી હતી કે હું તમને કોઈને કાંઈ નહીં થવા દઉં. ઉદ્ધવ સરકાર શા માટે પડી ગઈ?
એકનાથ શિંદેએ ઉદ્ધવ સરકારમાંથી બળવો કર્યો ત્યારે તેમની સાથે 30 ધારાસભ્યો હતા. એ વખતે 170 ધારાસભ્યો ઉદ્ધવના સમર્થનમાં હતા. આ સંજોગોમાં 30 ધારાસભ્યો તૂટે તો આ આંકડો ઘટીને 140 થઈ જાય. જ્યારે બહુમતીનો આંકડો 145 છે. આ સંજોગોમાં ઉદ્ધવ સરકાર લઘુમતીમાં આવી ગઈ અને ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપી દેવું પડ્યું. એ પછી એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા. છેલ્લે, બાળાસાહેબની શિવસેનાના નેતા આનંદ દીઘે જ એકનાથ શિંદેને શિવસેનામાં લાવ્યા. એકનાથ શિંદેનાં બે બાળકો પાણીમાં ડૂબીને મૃત્યુ પામ્યાં ત્યારે રાજકારણ છોડી દીધું હતું, પણ દીઘે તેમને ફરી પોલિટિક્સમાં લાવ્યા. એ વખતે આનંદ દીઘેએ શિંદેને હિંમત આપતાં કહેલું કે પોતાનાં આંસુ લૂંછવા કરતાં બીજાનાં આંસુ લૂછવા મોટું કામ છે. હવે જોઈએ… શિંદે કોનાં આંસુ લૂંછી શકે છે. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… (રિસર્ચ : યશપાલ બક્ષી )