વડોદરા નજીક આવેલી IOCL (ગુજરાત રિફાઈનરી)માં 11 નવેમ્બરના રોજ થયેલી બ્લાસ્ટની ઘટનામાં બે કર્મચારીઓના મોત થયા હતા. આ મામલે વડોદરા ગ્રામ્ય સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ રાજેશ ચૌહાણ દ્વારા તપાસ માટે IOCL સહિતના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને મેજિસ્ટ્રીયલ ઇન્કવાયરી માટે બોલાવવામાં આવ્યા હતા. જોકે, IOCLના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર સહિતના કેટલાક અધિકારીઓ હાજર રહ્યા નહોતા, જે અધિકારીઓ હાજર રહ્યા હતા, તેઓએ પોતાના વચગાળાના રિપોર્ટ રજૂ કર્યા હતા. આગામી દિવસોમાં ફરી મેજિસ્ટ્રીયલ ઇન્કવાયરી માટે બોલાવવામાં આવશે. ઇન્કવાયરિમાં ત્રણ અધિકારીઓ ગેરહાજર રહ્યા
IOCLના ચીફ જનરલ મેનેજર (એચઆર), એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર, ચીફ કંટ્રોલર, સાઈટ કંટ્રોલર, CISFના આસિ. કમાન્ડન્ટ (સિક્યૂરીટી), ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના પ્રાદેશિક અધિકારી, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના નાયબ નિયામક, વડોદરા ગ્રામ્યના મામલતદાર, એક્ઝિક્યૂટીવ મેજિસ્ટ્રેટ, જવાહરનગરના પોલીસ સ્ટેશનના પીઆઇ અને તલાટી કમ મંત્રીને આજે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, વડોદરા ગ્રામ્ય દ્વારા કોઠી કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા. જોકે, આજે IOCLના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર, GPCBના પ્રાદેશિક અધિકારી અને જવાહરનગર પોલીસ સ્ટેશનના સહિતના અધિકારીઓ હાજર રહ્યા નહોતા. ગ્રામજનોનો મેજિસ્ટ્રેટ ઓફિસ બહાર હોબાળો
તો બીજી તરફ આ સમયે કરચિયા ગામના લોકોએ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની ઓફિસ બહાર હોબાળો મચાવ્યો હતો. IOCLના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર હાજર ન થતાં ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઘટનાના રિપોર્ટ જાહેર કરવા પણ ગ્રામજનોએ માગ કરી હતી. વચગાળાનો રિપોર્ટ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યો
આજે ગેરહાજર રહેલા અને હાજર રહેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આગામી દિવસોમાં ફરીથી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, વડોદરા ગ્રામ્ય દ્વારા બોલાવવામાં આવશે. આજે હાજર રહેલા અધિકારીઓએ તેમનો વચગાળાનો રિપોર્ટ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, વડોદરા ગ્રામ્ય સમક્ષ રજૂ કર્યો હતો. આગામી દિવસોમાં ફરીથી બધાને બોલાવીને સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. ત્યાર બાદ તે રિપોર્ટ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, વડોદરા ગ્રામ્ય દ્વારા કલેક્ટરને સોંપવામાં આવશે અને તે રિપોર્ટ કલેક્ટર રાજ્ય સરકારને સોંપશે. IOCLના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કેમ હાજર રહ્યા નથી
કરચિયા ગામના રહેવાસી પ્રિતેશ પટેલે જણાવ્યું હતું કે, IOCLમાં થયેલી બ્લાસ્ટની ઘટનામાં તપાસ માટે આજે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, વડોદરા ગ્રામ્ય દ્વારા ઘટના સાથે સંકળાયેલા અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. અમે ગ્રામજનો પણ હાજર રહ્યા છીએ. અમે આવી શકતા હોય તો IOCLના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કેમ આજે હાજર રહ્યા નથી. તેમની જગ્યાએ તેમની નીચેના અધિકારી હાજર રહ્યા છે. આ લોકોની બેદરકારીને કારણે બ્લાસ્ટ થયો હતો
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ લોકોની બેદરકારીને કારણે બ્લાસ્ટ થયો હતો. IOCL સેફટીના દાવાઓ કરે છે, તેમ છતાં આ પ્રકારની ઘટનાઓ બને છે. આ પહેલાં પણ અનેક વખત બ્લાસ્ટની ઘટનાઓ બની છે, અને તે વખતે પણ મેં રજૂઆતો કરી હતી. તેમ છતાં એ લોકો કોઈ નિવેડો લાવ્યા નથી. અમારી માંગણી છે કે, અહીં 18 મીટરના રસ્તા હોવા જોઈએ, ફાયર સ્ટેશનો પણ સ્થાપવા જોઈએ. એ લોકોએ આજુબાજુના ગામડાઓને કવર કરીને મોટી રેલવે બનાવી છે. આ સમયે જો કોઈ મોટી હોનારત થઈ જાય તો લોકોને ભાગવાનો પણ સમય ન મળે. બ્લાસ્ટના કારણે લોકોના ઘરોમાં તિરાડો પડી
તેઓએ વધુમાં ઉમેર્યુ હતું કે, આ બ્લાસ્ટના કારણે લોકોના ઘરોમાં તિરાડો પડી ગઈ છે. આ પ્રશ્ન ખાલી અમારા ગામનો નથી, પરંતુ આખું વડોદરા જીવતા બોમ્બ પર બેઠું છે. અવારનવાર જે ગ્લાસની ઘટનાઓ બને છે તે ન બને અને વડોદરા શહેર સલામત રહે તે માટે અમે આજે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. 11 નવે.ના બેન્ઝીન સ્ટોરેજની બે ટેન્કમાં બ્લાસ્ટ થયો હતો
ઉલ્લેખનીય છે કે, 11 નવેમ્બરના રોજ બપોરે 3.30 વાગ્યે ગુજરાત રિફાઇનરીના 68 નંબરના જ્વલનશીલ કેમિકલ બેન્ઝીન સ્ટોરેજ ટેન્કમાં ધડાકા સાથેની આગ બાદ રાત્રે 8:30 વાગે બીજા પ્રચંડ ધડાકા સાથે ટેન્ક ફાટી હતી. જેમાં કોન્ટ્રાક્ટર પરના બે કર્મચારીના મોત થયા હતા. આ ઉપરાંત આગ ઓલવવાની કામગીરી કરતા ફાયરબ્રિગેડના સબ ઓફિસર દાઝી ગયા હતા. ટેન્ક ફાટતાં ઢોળાયેલા બેન્ઝીનથી બાજુની 69 નંબરની ટેન્કમાં પણ આગ ફેલાતાં ચિંતાનો વિષય બન્યો હતો. વડોદરા ફાયરબ્રિગેડે સ્થિતિ પર કાબૂ મેળવવા અન્ય શહેરમાંથી પણ ફાયર એન્જિન બોલાવ્યા હતા. ગામોના રહીશો ભયના ઓથાર નીચે જીવતા હોય તેવો માહોલ
કેમિકલ ભરેલી ટેન્કમાં ધડાકા સાથે લાગેલી આગ બાદ કંપનીની આજુ-બાજુમાં આવેલા કોયલી, કરચિયા, બાજવા, ઊંડેરા સહિતના ગામોમાં રહેતા પરિવારોમાં ભયનો માહોલ ફેલાયો હતો. વિકરાળ આગની ઘટના બાદ કોયલી ગામના અનેક પરિવારો પોતાના ઘરો બંધ કરીને રાતોરાત ગામ છોડીને નીકળી ગયા હતા. જ્યારે રિફાઇનરીને અડીને આવેલા કરચિયા ગામના લોકોએ ઉજાગરા કરવાની ફરજ પડી હતી. ધડાકો થતાં બાજવા ગામ પણ ધણધણી ઉઠ્યું હતું. જેને પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ચારેય ગામોના નાગરિકોમાં ભયાવહ સન્નાટો ફેલાયેલો હતો, ગામોના રહીશો ભયના ઓથાર નીચે જીવતા હોય તેવો માહોલ હતો.