મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગસ્ત્ય નંદા છેલ્લા કેટલાક સમયથી તેની આગામી ફિલ્મ ‘ઈક્કીસ’ને લઈને ચર્ચામાં છે. આમાં, તે ભારતીય સેનાના સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલ (પરમવીર ચક્ર એનાયત) ના રોલમાં જોવા મળશે, જેણે ખૂબ જ નાની ઉંમરે દેશ માટે પોતાનું બલિદાન આપ્યું હતું. આ ફિલ્મ અગસ્ત્ય નંદાના કરિયરમાં માઈલસ્ટોન સાબિત થઈ શકે છે, કારણ કે શહીદ વીર જવાનો પર બનેલી ફિલ્મો ખૂબ જ પસંદ કરવામાં આવે છે. થોડા સમય પહેલા અગસ્ત્ય નંદાએ ફિલ્મના સેટ પરથી પોતાની તસવીરની ઝલક બતાવી હતી, જેમાં તે ખુરશી પર બેઠેલો જોવા મળ્યા હતા. ખુરશીની પાછળ 21 લખેલું હતું. આ ફિલ્મ શ્રીરામ રાઘવન બનાવી રહ્યા છે, જેમણે અગાઉ ‘અંધાધુન’ અને ‘બદલાપુર’ જેવી લોકપ્રિય ફિલ્મો બનાવી છે. આ એક સંપૂર્ણ વોર ડ્રામા ફિલ્મ હશે, જે અરુણ ખેત્રપાલની બહાદુરી અને બલિદાનની વાર્તા પર આધારિત છે. કોણ હતા અરુણ ખેત્રપાલ?
અરુણ ખેત્રપાલનો જન્મ 14 ઓક્ટોબર, 1950ના રોજ પુણેમાં થયો હતો. તે સૈન્ય પરિવારમાંથી આવતા હતા. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અદભુત પરાક્રમ દર્શાવતા અરુણ ખેત્રપાલ 16 ડિસેમ્બર, 1971ના રોજ શહીદ થયા હતા. તે સમયે તેમની ઉંમર માત્ર 21 વર્ષની હતી. યુદ્ધ દરમિયાન તેમની બહાદુરી અને બલિદાનને ધ્યાનમાં રાખીને, અરુણ ખેત્રપાલને મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. આ ફિલ્મ માટે વરુણ ધવન પહેલી પસંદ હતો
વરુણ ધવનનું નામ સૌથી પહેલા ‘ઈક્કીસ’ માટે ફાઈનલ કરવામાં આવ્યું હતું. શ્રીરામ રાઘવન અને વરુણે ‘બદલાપુર’માં સાથે કામ કર્યું છે. કોરોના મહામારી પહેલા, એવા અહેવાલ હતા કે, બંને બાયોગ્રાફિકલ વોર ડ્રામા ‘ઇક્કીસ’માં ફરી સાથે કામ કરશે. પરંતુ વર્ષ 2022માં એવી જાહેરાત કરવામાં આવી હતી કે વરુણના સ્થાને અગસ્ત્ય નંદાને લેવામાં આવ્યો છે. આ મામલે શ્રીરામ રાઘવને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘શરૂઆતમાં માત્ર વરુણ ધવન ફિલ્મમાં હતા, પરંતુ કોરોના મહામારી પછી અમે ચર્ચા કરી અને જાણવા મળ્યું કે આ રોલ વરુણ ધવને સૂટ નહીં કરે.’ ધર્મેન્દ્ર પણ ‘ઇક્કીસ’નો ભાગ છે
નોંધનીય છે કે, બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર પણ ફિલ્મ ‘ઈક્કીસ’નો એક ભાગ છે. તે અરુણ ખેત્રપાલના પિતાના રોલમાં જોવા મળશે. આમાં જયદીપ અહલાવત પણ જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં તે પાકિસ્તાની આર્મી ઓફિસરના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં તેનો રોલ મહત્ત્વનો છે.