ભાસ્કર ન્યૂઝ | નવી દિલ્હી
અમેરિકા લાંચકાંડમાં ઘેરાયેલા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની મુશ્કેલી વધી રહી છે. મંગળવારે ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે અદાણી જૂથની 7 કંપનીઓનું આઉટલુક નેગેટિવ કર્યું છે. તેમાં અદાણી ગ્રીન એનર્જી, પોર્ટ્સ, ટ્રાન્સમિશન, ઇલેક્ટ્રિસિટી મુંબઇ લિ., ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ અને પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. વગેરે સામેલ છે. મૂડીઝે આ નિર્ણય અદાણી જૂથની કાનૂની સમસ્યાઓ અને તેના સંચાલન પર પડી રહેલા પ્રભાવને કારણે લીધો છે. જ્યારે, ફિચ રેટિંગ્સે પણ જૂથની 4 કંપનીઓ અદાણી પોર્ટ્સ, એનર્જી, ઇલેક્ટ્રિસિટી મુંબઇ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.નું રેટિંગ નેગેટિવ કર્યું છે. ફિચે આ નિર્ણય વધતા કોર્પોરેટ ગવર્નન્સના જોખમ તેમજ સંભવિત નાણાકીય સંકટને કારણે કર્યો છે. તેનાથી અદાણી ગ્રૂપને ભવિષ્યમાં મૂડી એકત્ર કરવામાં મુશ્કેલી આવી શકે છે. અત્યાર સુધી કેટલું નુકસાન: અદાણી ગ્રૂપની 10 કંપનીઓનું માર્કેટકેપ રૂ.2.77 લાખ કરોડ ઘટ્યું
1. આંધ્રની ચંદ્રાબાબુ નાયડુ સરકારે અદાણી ગ્રૂપની સાથે થયેલા ઇલેક્ટ્રિસિટી સપ્લાય સોદાની સમીક્ષા શરૂ કરી છે. ગૌતમ અદાણી અને તેમના સહયોગી પર અમેરિકન ફેડરલ કોર્ટનો આરોપ છે કે તેમણે 2021-22ની વચ્ચે ઓડિશા, તમિલનાડુ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં સોલર એનર્જીના સપ્લાયથી જોડાયેલા પ્રોજેક્ટ્સ હાંસલ કરવા માટે ભારતીય અધિકારીઓને કથિતપણે 2,200 કરોડની લાંચ આપી હતી. લાંચનો મોટો હિસ્સો આંધ્રની વીજળીનું વિતરણ કરતી કંપનીઓને વીજળી ખરીદવા માટે અપાયો હતો. આંધ્રના નાણામંત્રી પય્યાવુલા કેશવ અનુસાર અગાઉની સરકારની તમામ ફાઇલોની તપાસ થઇ રહી છે.
2. અમેરિકન કોર્ટમાં અભિયોગ દાખલ થયા બાદ છેલ્લા 6 દિવસમાં ગ્રૂપની 10 લિસ્ટેડ કંપનીઓનું માર્કેટકેપ રૂ.2.77 લાખ કરોડ ઘટ્યું છે. અદાણી ગ્રીનને રૂ.78,000 કરોડનું નુકસાન થયું છે.
3. ફ્રાન્સની કંપની ટોટલ એનર્જીએ ગ્રૂપમાં નવા રોકાણને રોક્યું છે. તેમનો અદાણી ગ્રીન એનર્જી લિ.માં 19.75% હિસ્સો છે. ફેબ્રુઆરી 2023માં હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ ટોટલ એનર્જીએ અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રિયલ લિ.માં 25% હિસ્સો હાંસલ કરવાની યોજના ટાળી હતી.
4. યુએસ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન અભિયોગના પ્રભાવની સમીક્ષા કરી રહ્યું છે. તેની અસર શ્રીલંકામાં બંદરના વિકાસના પ્રોજેક્ટ માટે $550 મિલિયનની લોન પર પડી શકે છે. આ પ્રોજેક્ટની આંશિક માલિકી અદાણી ગ્રૂપ પાસે છે.
5. શ્રીલંકા સરકાર પણ આરોપની તપાસ કરી રહી છે. અદાણીના અનેક પ્રોજેક્ટ્સ શ્રીલંકામાં ચાલી રહ્યા છે. 6. કેન્યા સરકાર પહેલાં જ અદાણીની સાથે 2 ડીલ રદ કરી ચૂકી છે.
7. બાંગ્લાદેશ સરકારે પૂર્વ પીએમ શેખ હસીનાના સમયે અદાણી ગ્રૂપની સાથે થયેલા વીજકરારની સમીક્ષા માટે સમિતિ બનાવી છે.