ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ફરી એકવાર ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગયો છે. ICCએ બુધવારે નવી રેન્કિંગ જાહેર કરી છે. બુમરાહે તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં આઠ વિકેટ ઝડપી હતી. બુમરાહને પ્લેયર ઑફ ધ મેચ પણ પસંદ કર્યો હતો. બુમરાહે સાઉથ આફ્રિકાના કાગિસો રબાડાને પાછળ છોડી દીધો છે અને કેલેન્ડર વર્ષમાં બીજી વખત ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં તે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત પહેલા બુમરાહ બોલરોની રેન્કિંગમાં રબાડા અને જોશ હેઝલવુડ પછી ત્રીજા સ્થાને હતો. શ્રીલંકા સામે સાઉથ આફ્રિકાની ફાસ્ટ બોલિંગની આગેવાની કરી રહેલો રબાડા ટેસ્ટ રેન્કિંગમાં બીજા સ્થાને સરકી ગયો છે. ભારત સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં પાંચ વિકેટ લેવા છતાં ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર જોશ હેઝલવુડ ત્રીજા સ્થાને છે. યશસ્વીએ રેન્કિંગમાં છલાંગ લગાવી, બીજા સ્થાને પહોંચ્યો
ઓસ્ટ્રેલિયા સામે ભારતની 295 રનની જીતમાં મહત્વનું યોગદાન આપનાર યશસ્વી જયસ્વાલે પણ રેન્કિંગમાં છલાંગ લગાવી છે. યશસ્વી બેટિંગ રેન્કિંગમાં બે સ્થાન આગળ વધીને બીજા સ્થાને પહોંચી ગયો છે. હાલમાં ઇંગ્લેન્ડનો જો રૂટ તેમનાથી આગળ છે. યશસ્વીનો રેટિંગ પોઈન્ટ 825 છે જે તેની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ રેટિંગ છે. યશસ્વીએ ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટની બીજી ઇનિંગમાં 161 રનની ઇનિંગ રમી હતી. જોકે, તે પહેલી ઇનિંગમાં પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. યશસ્વીએ કેએલ રાહુલ સાથે પ્રથમ વિકેટ માટે 201 રનની ભાગીદારી કરી હતી. કોહલીને નવ સ્થાનનો ફાયદો થયો
પર્થ ટેસ્ટમાં અણનમ સદી રમનાર સ્ટાર બેટર વિરાટ કોહલીને પણ નવ સ્થાનનો ફાયદો થયો છે અને તે 13માં સ્થાને આવી ગયો છે. કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં અણનમ 100 રન બનાવ્યા હતા. ટેસ્ટમાં આ તેની 30મી સદી હતી. ઓસ્ટ્રેલિયાનો માર્નસ લાબુશેન ખરાબ ફોર્મના કારણે 14મા સ્થાને સરકી ગયો છે. સ્ટીવ સ્મિથ અને ઉસ્માન ખ્વાજાનું પણ બે અને ચાર સ્થાનનું નુકસાન થયું છે. ઓલરાઉન્ડરોમાં જાડેજા ટોપ પર યથાવત
ટેસ્ટ ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન ટૉપ-2માં યથાવત છે. જોકે, ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં બંને ટીમનો ભાગ ન હતા. બાંગ્લાદેશનો કેપ્ટન મેહદી હસન વેસ્ટ ઈન્ડિઝ સામે બેટ અને બોલથી સારા પ્રદર્શન બાદ ત્રણ સ્થાન ઉપર પહોંચીને ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો… ગુજરાતનો ઉર્વિલ T20માં ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારનાર ભારતીય બન્યો ગુજરાત ટીમનો ઓપનર અને વિકેટકીપર ઉર્વિલ પટેલ T-20 ફોર્મેટમાં સૌથી ઝડપી સદી ફટકારનારો ભારતીય બેટર બની ગયો છે. તેણે બુધવારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ત્રિપુરા સામે માત્ર 28 બોલમાં સદી ફટકારી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો…