બંગાળની ખાડીમાંથી ઉદભવેલું ફેંગલ વાવાઝોડું આજે ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે. તે આગામી બે દિવસમાં તમિલનાડુ તરફ આગળ વધશે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ દરમિયાન 75-80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ચેન્નાઈ, ચેંગલપેટ, કાંચીપુરમ, તિરુવલ્લુર, કુડ્ડાલોર, નાગાપટ્ટિનમમાં સતત વરસાદ ચાલુ છે. આ 6 જિલ્લામાં સ્કૂલો-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. મંગળવારે ચેન્નાઈમાં 7 ફ્લાઈટ મોડી પડી હતી. તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને વાવાઝોડાની અસર અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. NDRFની 7 ટીમો તિરુવરુર, માયલાદુથુરાઈ, નાગાપટ્ટિનમ અને કુડ્ડાલોર જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે. વાવાઝોડું ફેંગલનો રૂટ 4 રાજ્યોમાં વાવાઝોડાની વધુ અસર… તમિલનાડુ અને પુડુચેરી: 7 નવેમ્બરના રોજ તમિલનાડુ અને પુડુચેરીમાં છૂટાછવાયા સ્થળોએ ખૂબ જ ભારે વરસાદની શક્યતા છે, 28 અને 29 નવેમ્બરના રોજ દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા ભારે વરસાદનું એલર્ટ છે. આંધ્રપ્રદેશ: 27 નવેમ્બરે ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ અને કેટલીક જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે. 28 અને 29 નવેમ્બરે ભારે વરસાદનું એલર્ટ છે. કેરળ: 27 અને 28 નવેમ્બરે ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ અને કેટલીક જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે. વાવાઝોડા સામે શું છે તૈયારીઓ? સાઉદી અરેબિયાએ વાવાઝોડાને ‘ફેંગલ’ નામ આપ્યું
આ વાવાઝોડાનું નામ ‘ફેંગલ’ સાઉદી અરેબિયા દ્વારા રાખવામાં આવ્યું છે. તે એક અરબી શબ્દ છે, જે ભાષાકીય પરંપરા અને સાંસ્કૃતિક ઓળખનું મિશ્રણ છે. આ શબ્દ વિશ્વ હવામાન સંસ્થા (WMO) અને યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન (UNESCAP) ના નામકરણ પેનલમાં પ્રાદેશિક ભિન્નતા દર્શાવે છે. ચક્રવાતનાં નામ પસંદ કરતી વખતે એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે નામો ઉચ્ચારવામાં સરળ, યાદ રાખવામાં સરળ અને સાંસ્કૃતિક રીતે નિષ્પક્ષ છે. તે ધ્યાનમાં રાખવામાં આવે છે કે નામ એવા હોવા જોઈએ કે તે વિવિધ પ્રદેશો અને ભાષાઓ વચ્ચે કોઈ વિવાદ ન સર્જે કે કોઈનું અપમાન ન થાય. એક મહિના પહેલા ઓડિશામાં ‘દાના’ વાવાઝોડું ત્રાટક્યું હતું
25 ઓક્ટોબરની રાત્રે ચક્રવાતી વાવાઝોડું ‘દાના’ 110 કિમી પ્રતિ કલાકની ઝડપે ઓડિશાના દરિયાકાંઠે ટકરાયું હતું. વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયા સવારે લગભગ 8:30 વાગ્યે પુરી થઈ ગઈ. વાવાઝોડાની ઝડપ 8:30 કલાકમાં 110kmph થી ઘટીને 10kmph થઈ ગઈ હતી. ‘દાના’ની અસરને કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વરસાદ પડ્યો હતો. ઓડિશામાં અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે, વાહનોને પણ નુકસાન થયું હતું. પશ્ચિમ બંગાળમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ઓડિશાના સીએમ મોહન ચરણ માઝીએ કહ્યું કે 5.84 લાખ લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા હતા. ભુવનેશ્વર અને કોલકાતા એરપોર્ટ પર 24 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યાથી 25 ઓક્ટોબરના રોજ સવારે 8 વાગ્યા સુધી 300 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. તેમજ, સાઉથ ઈસ્ટ રેલ્વે, ઈસ્ટ કોસ્ટ રેલ્વે, ઈસ્ટર્ન રેલ્વે અને સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલ્વેની 552 ટ્રેનો રદ કરવામાં આવી હતી. ઓડિશા ઉપરાંત પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ અને તમિલનાડુમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી. પશ્ચિમ બંગાળ સરકારે 83 હજાર લોકોને રાહત શિબિરમાં પહોંચાડ્યા હતા.