વડોદરા કોર્પોરેશન દ્વારા માંજલપુર વિસ્તારમાં શ્રેયસ સ્કૂલથી તુલસીધામ ચાર રસ્તા તરફનો ગૌરવ પથ બનાવવામાં આવી રહ્યો છે પરંતુ, પેવર બ્લોક સાથેનો ફૂટપાથ મોટો બનાવાતા તેનો ઘારાસભ્ય દ્વારા વિરોધ કરાયો હતો. ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલી રજૂઆતને પગલે પાલિકા દ્વારા 4 ફૂટના ફૂટપાથ સાથે રોડ બનાવવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિમા રજૂ કરવામાં આવી છે. ફૂટપાથ નાનો કરવાના સર્જાયેલા વિવાદ બાદ પાલિકા દ્વારા શહેરમાં તમામ પેવર બ્લોકના ફૂટપાથ 4 ફૂટથી મોટા ન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સિનિયર ધારાસભ્યએ પેવર બ્લોકની કામગીરી બંધ કરાવી હતી
વડોદરા શહેરના તમામ ફૂટપાથ કે સર્વિસ ટ્રેકમાં એકસૂત્રતા જળવાય તે માટે રોડની પહોળાઇ મુજબ ફૂટપાથ રાખવા અનેક વખત રજૂઆતો અને સૂચનો કરવામાં આવ્યા છે પરંતુ, તેમછતાં અનેક રોડ પર ફૂટપાથની સાઇઝ નાની-મોટી રાખવામાં આવે છે. માંજલપુર વિસ્તારમાં બનાવાઇ રહેલા ગૌરવ પથનો ફૂટપાથ અને સર્વિસ ટ્રેક મોટો બનાવતાં વિસ્તારમાં ટ્રાફિક અને પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા વકરે એવી શક્યતાં ઉભી થઇ હતી. ત્યારે સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે પેવર બ્લોકની કામગીરી બંધ કરાવી હતી. ફૂટપાથ અને સર્વિસ ટ્રેકની પહોળાઇ 4 ફૂટથી વધુ ન કરવા સૂચના અપાઈ
તાજેતરમાં વડોદરા કોર્પોરેશનમાં મળેલી સંકલનની બેઠકમાં પણ ધારાસભ્ય અને સાંસદ સભ્ય દ્વારા અવારનવાર સૂચનો અને રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ પાલિકા દ્વારા આ અંગે પરિપત્ર કરીને પેવર બ્લોકથી બનાવવામાં આવતા ફૂટપાથ અને સર્વિસ ટ્રેકની પહોળાઇ 4 ફૂટ એટલે 1.20 મીટરથી વધુ નહી કરવા સૂચના આપવામાં આવી છે. જરૂરિયાત મુજબ ભાવપત્રો મંગાવવાની કાર્યવાહી કરવાની સૂચના અપાઈ
જેમાં જે ફૂટપાથ કે સર્વિસ ટ્રેકની કામગીરી પ્રગતિમાં હોય તેને પણ 1.20 મીટરથી પહોળાઇનો નહી બનાવવાની તકેદારી રાખવાની સૂચના આપી છે. ઉપરાંત જે કામો ચાલી રહ્યા છે અને તે કામોમાં પેવર બ્લોક સાથેનો ફૂટપાથ અને સર્વિસ ટ્રેકની પહોળાઈ જો 1.20 મીટરથી વધુ રાખવામાં આવી હોય તો તેને બંધ કરવા અને ચાલુ કામનો અંદાજ રીવાઇઝ્ડ કરીને ફૂટપાથ અને સર્વિસ ટ્રેકની કામગીરી કરવાની સુચના આપવામાં આવી છે. તે સાથે જે રોડ અને ફૂટપાથ કે સર્વિસ ટ્રેકના નવીન કામો માટે તૈયાર કરવામાં આવેલા અંદાજમાં પણ પહોળાઈ 1.20 મીટરથી વધારે રાખવામાં આવ્યા હોય તો તે 1.20 મીટર પહોળાઈ મુજબ રીવાઇઝ્ડ કરવા અને જરૂરીયાત મુજબ ભાવપત્રો મંગાવવાની કાર્યવાહી કરવાની સૂચના આપવમાં આવી છે.