ગુજરાતનું હડપ્પીય સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર ગણાતા લોથલમાં આજે ભેખડ ધસી પડતા બે મહિલા અધિકારીઓ દટાયા હતા. દિલ્હી અને ગાંધીનગરથી માટીના સેમ્પલ માટે ગયેલા બંને મહિલા અધિકારીઓ સેમ્પલ મેળવી રહ્યા હતા ત્યારે જ ભેખડ ધસી પડતા બંને દટાયા હતા. જેમાં એક મહિલા અધિકારીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્યની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. અમદાવાદ જિલ્લાના લોથલમાં હાલ મેરિટાઈમ મ્યુઝિયમની કામગીરી ચાલી રહી છે. તેની નજીકમાં જ આવેલી જૂની સાઈટ પાસે રસ્તાનું કામ ચાલી રહ્યું હતું ત્યાં જ બે મહિલા અધિકારીઓ દ્વારા એક ખાડામાં માટીના સેમ્પલ લેવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે જ અચાનક ભેખડ ધસી પડતા બંને મહિલા અધિકારી દટાયા હતા. જેમાં એકનું મોત નિપજ્યું છે જ્યારે અન્યની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. મળતી માહિતી મુજબ જે બે મહિલા અધિકારીઓ માટીના સેમ્પલ લેવા માટે ખાડામાં ઉતર્યા હતા તેમાં એક IITના અને અન્ય દિલ્હીના જીઓલોજિસ્ટ હોવાનુ સામે આવ્યું છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક મહિલા અધિકારીને બગોદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે બગોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 10 ફૂટના ખાડામાં ઉતરી માટીના સેમ્પલ લેતા હતા
મળતી માહિતી મુજબ ત્રણ લોકો ગાંધીનગરના અને બે દિલ્હી IITના અધિકારીઓ આજે લોથલ પહોંચ્યા હતા. જ્યાં જૂના લોથલ પાસે ખાડા ખોદી માટીના સેમ્પલ કલેક્ટ કરી રહ્યા હતા. ત્યારે જ ખાડામાં કાદવના કારણે બંને મહિલા અધિકારી ખૂંપવા લાગ્યા હતા અને માથેથી ભેખડ ધસી પડતા બંને દટાયા હતા.