શ્રીલંકામાં ભારે વરસાદને કારણે લોકો પૂરનો સામનો કરી રહ્યા છે. પૂરના કારણે 4 લોકોના મોત થયા છે. આ સિવાય ઘણા ગુમ છે. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. 2 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, ભારે વરસાદ અને તેજ પવનને કારણે કોલંબો એરપોર્ટ પર લેન્ડિંગ કરતી 6 ફ્લાઈટને ડાયવર્ટ કરવી પડી હતી. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે શ્રીલંકામાં ભારે વરસાદ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 75 મીમીથી વધુ વરસાદ પડ્યો છે. સતત વરસાદ હોવા છતાં ઉચ્ચ દબાણનો વિસ્તાર યથાવત છે. તેમજ દેશભરમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદી સિસ્ટમ ધીમે ધીમે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહી છે, જે ભવિષ્યમાં ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. રાહત અને બચાવ માટે સેના તૈનાત
શ્રીલંકાની સરકારે પૂરની સ્થિતિનો સામનો કરવા અને લોકોને બહાર કાઢવા માટે આર્મી અને નેવીને તૈનાત કરી છે. સૈન્યના જવાનો પૂર પ્રભાવિત લોકોને ખોરાક અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ આપી રહ્યા છે. બીજી તરફ અમપારા જિલ્લામાં મંગળવારે ગુમ થયેલા 6 વિદ્યાર્થીઓમાંથી 2ના મૃતદેહ પોલીસે બહાર કાઢ્યા છે. ગુમ થયેલા વિદ્યાર્થીઓની ઉંમર 12 થી 16 વર્ષની વચ્ચે હતી. તેઓ જે ટ્રેક્ટર-ટ્રોલીમાં મુસાફરી કરી રહ્યા હતા તે પૂરના પાણીમાં તણાયા હતા. જોકે, ટ્રેક્ટર ચાલક અને અન્ય 5 વિદ્યાર્થીઓનો ઘટનાસ્થળેથી બચાવ થયો હતો. આ ઉપરાંત વરસાદના કારણે પહાડી વિસ્તારોમાં રેલ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. પૂર પ્રભાવિત લોકોને રાહત કેમ્પમાં મોકલવામાં આવ્યા
શ્રીલંકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરના જણાવ્યા અનુસાર પૂરના કારણે 3 હજાર પરિવારોના 10 હજારથી વધુ લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે. તેમને 104 રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે. નેશનલ બિલ્ડીંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (NBRI) એ દેશના 9 પ્રાંતોમાં ભૂસ્ખલનની ચેતવણી જારી કરી છે. એનબીઆરઆઈએ એક નિવેદન જારી કરીને જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં 75 મીમીથી વધુ વરસાદ પડ્યો છે. જો વરસાદ ચાલુ રહેશે તો ભૂસ્ખલનનું જોખમ વધી જશે. સરકારે કેલાની નદીની આસપાસના વિસ્તારોમાં પૂરની ચેતવણી પણ જારી કરી છે. શુક્રવાર સુધી આ ચેતવણી આપવામાં આવી છે.