ભાવિન પટેલ
સુરત એરપોર્ટ પાસેની 2000 કરોડ મૂલ્યની ચર્ચાસ્પદ જમીનના કૌભાંડની તપાસ હજુ પૂરી થઈ નથી, ત્યાં સુરતનું જ બીજું મોટું જમીન કૌભાંડ સામે આવ્યું છે. અધિકારીઓ અને જમીન માફિયાઓની મિલિભગતથી આ વખતે ગૌચરની જમીન વેચાઈ ગઈ છે. જેમાં રૂ. 1.70 કરોડની સ્ટેમ્પ ડ્યૂટી ભરીને 24 કરોડનો દસ્તાવેજ થઈ ગયો અને કાચી નોંધ પણ પડી ગઈ છે. પૂણા તાલુકાના મગોબ ગામની સર્વે નંબર 3- બ, બ્લોક નંબર 156 પૈકી 1, ક્ષેત્રફળ 7891 ચો.મીટર (કોતર, ઢોર ચરણ માટેની) જમીનનો મોટો વહીવટ સંસ્થાના પદાધિકારીઓ અને જમીન માફિયાઓએ કરી નાખ્યો છે. મૂળ આ જમીન મગોબ ગામ સમસ્ત સંસ્થાના નામે હતી. મગોબ ગામ સમસ્તના વહીવટકર્તા રાજેન્દ્રસિંહ પ્રતાપતિંહ ગોહિલ અને સંસ્થાના અન્ય પાંચ લોકોનો એક નકલી ઠરાવ ઊભો કરીને આ કરોડો રૂપિયાની જમીન વેચી નાખવામાં આવી છે. રાજેન્દ્રસિંહ ગોહિલ, જમીન લેનારા કેતનસિંહ ફતેસિંહ ગોહિલ અને મહેશ વિરમભાઇ બારોટ સામે તાત્કાલિક સરકારે તપાસની માંગ ઊઠી છે. ટી.પી સ્કીમ પડતા જ જમીનોના ભાવ ભડકે બળ્યાં અને રચાયો મસમોટો ખેલ સુરત પાસેની અંદાજે 100 કરોડ રૂપિયાની આ જમીનનો ખેલ પાડનારાઓને પહેલા જ ખબર પડી ગઈ હતી કે અહીં નવી ટીપી નંબર 64ને કારણે જમીનોના ભાવ આસમાને જવાના છે. જેથી ભ્રષ્ટ અધિકારીઓ અને બિલ્ડરોએ સાંઠગાંઠ કરીને આ ગૌચરની જમીન હડપી લીધી. બિલ્ડરો ટીપી જમીન કપાતમાં મુકીને કરોડો રૂપિયાનો ખેલ કરી રહ્યાં હોવાનો દાવો છે.
અનેક અધિકારીઓ શંકાના દાયરામાં આ જમીનમાં સ્થાનિક કક્ષાના અને ગાંધીનગરના કેટલાક અધિકારીઓ શંકાના ઘેરામાં છે. જમીન વેચાણની પ્રક્રિયામાં જે અધિકારીઓના સહી-સિક્કા છે તેમની સામે સરકારે તાત્કાલિક તપાસ બેસાડવાની માંગ છે. રાજ્ય સરકાર રજિસ્ટ્રાર વિભાગ, સુરત નવાગામ સબ રજિસ્ટ્રાર, મહેસૂલ વિભાગ અને ગ્રામ પંચાયતની કામગીરી સામે સવાલ ઊભા થયા છે. દસ્તાવેજ 1… સુરત જિલ્લાના પૂણા તાલુકાના મગોબ ગામના 7 /12 ના ઉતારામાં કોતર,ઢોર ચરણનો સ્પષ્ટ ઉલ્લેખ દસ્તાવેજ 2… કમિટીએ ગૌચરની જમીન તેમના બે મળતિયાઓના નામે કરી વેચાણ દસ્તાવેજ કરી દીધો. દસ્તાવેજ 3… દસ્તાવેજ પેટે સરકારના રેવન્યુ ખાતામાં 24 કરોડ 31 લાખની નોંધણી ફીનું ચલણ. ગુજરાત જમીન કૌભાંડોનું હબ બન્યું, ઉચ્ચ અધિકારીઓ ભ્રષ્ટાચારમાં સામેલ થોડા સમય પહેલા સુરત એરપોર્ટ પાસેની જમીનનું અંદાજે 2000 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં તત્કાલીન કલેક્ટર આયુષ ઓકને ઘરભેગા કરીને ભાજપના નેતાઓને બચાવી લેવામાં આવ્યાં હતા. ગાંધીનગરના જમીન કૌભાંડમાં તત્કાલીન કલેક્ટર એસ. કે. લાંગાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતા. હાલમાં જ દાહોદની કરોડો રૂપિયાની જમીનનું બિનખેતી કૌભાંડ સામે આવ્યું છે. અંદાજે રૂ.100 કરોડની જમીનું આવી રીતે થયું કૌભાંડ 1 ગૌચરની જમીનનો બારોબાર ખેલ પાડવા માટે રાજ્ય સરકારના ચેરિટી કમિશનર કે ગ્રામ પંચાચતની પણ મંજૂરી લેવાઈ નથી.
2 ગૌચરની જમીન પચાવી પાડવા માટે છેલ્લા 9-10 મહિનાઓથી આખું ષડયંત્ર ચાલતું હતું.
3 એક ઉચ્ચ અધિકારી- કર્મચારીઓએ ભેગા મળીને આ ખેલ પાડી દીધો.
4 સર્વે નંબર 156 પૈકી 1 ની આ જમીન દાયકાઓથી મગોબ ગામ સમસ્તના વહીવટકર્તા કમિટીના નામે હતી.
5 ત્યારબાદ જમીન નહેર માટે સરકારે સંપાદન કરી હતી.
6 વર્ષ 2023માં સરકારે આ જમીન કમિટીને પરત સોંપી.
7 જાન્યુ. 2024માં 7-12માં મગોબ ગામ સમસ્ત કમિટીનું નામ પાછું દાખલ થયું.
8 કમિટીમાં 6 મળતિયા સભ્યોનું નામ દેખાડી નોટોરાઇઝ ઠરાવ બનાવ્યો.
9 કુલ 6માંથી એક વ્યક્તિ રાજેન્દ્રસિંહ ગોહિલને કાગળ પર સંસ્થાના પ્રમુખ બનાવી દેવાયા.
10 કેતનસિંહ ગોહીલ (મગોબ ગામ) અને મહેશ બારોટ (પરવટ પાટીયા, સુરત) ના નામે તા. 4-11-24 દસ્તાવેજ કરાવી દેવામાં આવ્યો. ત્યારબાદ સરકારી ચોંપડે કાચી નોંધ પાડી દેવાઈ. અધિકારીઓ સામે કડક પગલાં, કલેકટરને જણાવાશે
ગૌચરની જમીનનો ખોટી રીતે દસ્તાવેજ કરી દેવાનો મામલો ગંભીર છે જે અધિકારીએ આ દસ્તાવેજ કર્યો છે તેની સામે તપાસ કરી કડક પગલાં લઈશું. જો કે દસ્તાવેજ કેન્સલ કરવાની સત્તા અમારી પાસે નથી પણ અમે કલેકટરને જાણ કરી દઈશું જેથી પાકી નોંધ પડે નહિ. > જેનુ દેવન (મુખ્ય નિયંત્રણ મહેસૂલ અધિકારી, સુપ્રિ.ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણીસર નિરીક્ષક) આ પણ ચર્ચા | 5 કરોડ ખાઈ ગયા ભ્રષ્ટ અધિકારીઓ… ગ્રામજનોના મતે 100 કરોડનું જમીન કૌભાંડ અધિકારીઓની સંડોવણી વિના શક્ય નથી. દિવાળીએ સબ રજિસ્ટ્રાર રજા પર જતા નોંધણી નિરીક્ષક સતિષ કળથિયાએ ક્લાર્ક દર્શન પટેલને ચાર્જ સોંપ્યો હતો. ગાંધીનગરથી આદેશ બાદ ઇન્ચાર્જમાં મળતિયાને ગોઠવીને જમીનનો ખેલ પાડી દેવાયો હતો. કૌભાંડમાં 5 કરોડ રૂપિયાની લાંચ લેવાઈ છે.