સ્વચ્છતા સર્વેક્ષણ 2024 અંતર્ગત અમદાવાદ શહેરને નંબર વન બનાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન વિવિધ કામગીરી કરી રહ્યું છે. જાહેર રોડ પર ગંદકી ફેલાવનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં રોડ પર પાન-મસાલા ખાઈને થૂંકનાર લોકો સામે પણ કાર્યવાહી કરાઈ રહી છે. છેલ્લા એક અઠવાડિયામાં જાહેર રોડ પર થૂંકનારા 623 લોકોને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે ઝડપી રૂપિયા 63,400નો દંડ ફટકાર્યો છે. દરરોજ વિવિધ વિસ્તારોમાં ટીમો દ્વારા ફરીને આવા ગંદકી ફેલાવનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. રોડ પર થૂંકી ગંદકી ફેલાવનાર સામે AMCની કાર્યવાહી
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા ઓક્ટોબર મહિનામાં અમદાવાદ શહેરને સ્વચ્છતામાં નંબર વન બનાવવા માટે અમદાવાદીઓને સાથ સહકાર આપવા માટે કહ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રીએ પણ સ્વચ્છતાના સંસ્કાર લાવવાની વાત કરી હતી, ત્યારે દિવ્ય ભાસ્કરે અમદાવાદને સ્વચ્છતામાં અગ્રેસર બનાવવા માટે ‘ચલ સાફ કરીએ’ કેમ્પેઇન શરૂ કર્યું છે. જે સ્વચ્છતા અભિયાન અંતર્ગત ચલાવવામાં આવી રહ્યું છે. શહેરમાં જે પણ જાહેર રોડ પર થૂંકીને ગંદકી ફેલાવનારા લોકો છે તેમની સામે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. જાહેરમાં થૂંકનારને રૂપિયા 100થી લઈ 500નો દંડ
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક અઠવાડિયામાં શહેરમાં જાહેર રોડ પર ગંદકી ફેલાવનારા લોકો સામે કાર્યવાહી કરી રહ્યું છે. સ્માર્ટ સિટી અંતર્ગત શહેરના જંક્શનો પર લગાવેલા પાંચ હજારથી વધુ સીસીટીવી કેમેરાની મદદથી પણ જે વાહનચાલકો ચાર રસ્તા પર વાહન ઊભું રાખે છે તે દરમિયાન રોડ પર થૂંકે તેને સીસીટીવી કેમેરામાં કેપ્ચર કરી તેનો ફોટો લેવામાં આવે છે અને ત્યાર બાદ વાહન નંબરના આધારે તે વ્યક્તિને રૂપિયા 100થી લઈને અને રૂપિયા 500 રૂપિયા સુધીનો દંડ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વસૂલવામાં આવે છે. સીસીટીવી કેમેરા ઉપરાંત વિવિધ વિસ્તારોમાં કોર્પોરેશનના કર્મચારીઓ જે વ્યક્તિ જાહેર રોડ ઉપર થૂંકતા હોય તેમને પકડીને પણ દંડ કરી રહ્યા છે. AMCની અપીલ શહેરને સ્વચ્છ બનાવવા સાથ સહકાર આપો
અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવા માટે મ્યુનિસિપલ કમિશન દ્વારા અમદાવાદીઓને અપીલ કરવામાં આવી છે કે, આ શહેર તમારું છે અને તેને સ્વચ્છ બનાવવા માટે તમે સાથ સહકાર આપો. જાહેર રોડ પર જે લોકો કચરો ફેંકે છે તેઓએ કચરો ફેંકવો જોઇએ નહીં. ડોર ટુ ડોરની ગાડીઓમાં જ સૂકો ભીનો કચરો અલગ કરીને આપવો જોઇએ. કોમર્શિયલ એકમો અને દુકાનદારોએ ડસ્ટબિનમાં જ કચરો નાખવો જોઇએ. જાહેર રોડ પર કોઇપણ લોકોએ થૂંકીને ગંદકી ફેલાવવી જોઇએ નહીં.