back to top
Homeગુજરાતડિજિટલ ગુજરાત!, જન્મ-મરણ દાખલાની કામગીરી ઠપ્પ:RMC કચેરીએ ઇ-ઓળખ પોર્ટલના સર્વર ધાંધિયાથી લોકોને...

ડિજિટલ ગુજરાત!, જન્મ-મરણ દાખલાની કામગીરી ઠપ્પ:RMC કચેરીએ ઇ-ઓળખ પોર્ટલના સર્વર ધાંધિયાથી લોકોને 3 દિવસથી ધક્કા; સરકારમાંથી યોગ્ય જવાબ મળતો નથીઃ અધિકારી

રાજકોટ મનપા કચેરીએ આધારકાર્ડની કામગીરી રાબેતા મુજબ શરૂ થયા બાદ હવે જન્મ-મરણનાં દાખલાની કામગીરી ઠપ્પ થઈ છે. રાજકોટ કોર્પોરેશન કચેરીએ ઇ-ઓળખ પોર્ટલના કારણે કામ બંધ હોવાના બોર્ડ મૂકવા પડયા છે, જેને લઈને અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. બાળકોનાં આધારકાર્ડ માટે પણ જન્મ-મરણનાં દાખલામાં સુધારો કરવો ફરજિયાત હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જોકે, વિભાગની કામગીરી સંભાળતાં અધિકારી પ્રેરિત જોશીએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી સર્વરનાં પ્રોબ્લેમ આવી રહ્યા છે. આ અંગે અનેક રજૂઆતો કરવા છતાં રાજ્ય સરકારમાંથી કોઈ ચોક્કસ જવાબ મળતો નથી! સિવિક સેન્ટરની જાણી બંધ કરી લોકોનો પ્રવેશ અટકાવ્યો
રાજકોટ મનપામાં છેલ્લા થોડા દિવસોથી જન્મ-મરણના દાખલા કાઢવા અને નવી નોંધણી સહિત કામગીરી ધીમી પડી ગયા બાદ સદંતર બંધ થતા નાગરિકોમાં કકળાટ ફેલાઇ ગયો છે. આજે સવારથી ઇ-ઓળખ પોર્ટલ બંધ હોવાથી સિવિક સેન્ટર બહાર કામગીરી જ બંધ હોવાના બોર્ડ મારવા પડયા હતા. આધારકાર્ડ, જન્મ-મરણની તમામ કામગીરી હવે કેન્દ્ર અને રાજય સરકારના પોર્ટલ તથા વેબસાઇટ પર થાય છે. આ કારણે મનપાની સિસ્ટમ લાચાર બની જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે કચેરી બહાર કામગીરી બંધ હોવાનું બોર્ડ લગાવવા છતાં લોકો સર્વર શરૂ થવાની રાહમાં લાઈનમાં ઉભેલા જોવા મળ્યા હતા. જોકે, નોંધણી નહીં થવાથી સિવિક સેન્ટરની જાળી બંધ કરીને લોકોનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. બાળકોને સ્કૂલે મોકલવા પણ મુશ્કેલ બન્યા: શાંતિલાલ
શાંતિલાલ ગોડા નામના નાગરિકે જણાવ્યું હતું કે, હું આજે ચોથી વખત આવ્યો છું. અત્યારે કહેવામાં આવ્યું કે, સર્વર બંધ છે, કાલે આવજો. કાલે આવીએ તો પણ સર્વર બંધ હોય છે. માણસો પોતાનું 400 રૂપિયા જેટલું રોજ બગાડીને અહીં આવતા હોય છે. આધારકાર્ડ માટે જન્મ-મરણનો દાખલો ફરજિયાત હોવાથી સર્વર બંધ રહે નહીં તે માટે સરકારે કામગીરી કરવી જોઈએ. લોકોને સ્કૂલમાંથી આધારકાર્ડ માટે કહેવામાં આવે છે. અહીં આવીએ તો ત્રણ-ચાર ધક્કા ખાવા છતાં જન્મનો દાખલો નીકળતો નથી, જેના કારણે બાળકોને સ્કૂલે મોકલવા પણ મુશ્કેલ બન્યા છે. મારે આજે ત્રીજો ધક્કો છે: કલ્પેશભાઈ
જસદણથી આવેલા કલ્પેશભાઈ રામાનુજે જણાવ્યું કે, મારે આજે ત્રીજો ધક્કો છે. અહીં કા સર્વર બંધ હોય છે. કા લાઈનમાં વારો આવતો નથી. ત્રીજીવાર ધકકો ખાવા છતાં જન્મ તારીખનો દાખલો સુધરતો નથી. જેને કારણે ખૂબ મુશ્કેલી પડી રહી છે. ધંધા-રોજગાર બંધ રાખીને અમારે છેક જસદણથી અહીં ધક્કા ખાવા પડી રહ્યા છે. આજે તો કામ નહીં થાય તેવું બોર્ડ મારી દેવામાં આવ્યું છે. છતાં સર્વર ચાલુ થવાની આશાએ મારા સહિત અનેક લોકો હજુપણ લાઈનમાં બેઠા છે. ત્યારે તંત્ર દ્વારા સમગ્ર મામલે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી મારી માંગ છે. અમને સરકાર દ્વારા કોઈ જબાબ મળતો નથીઃ અધિકારી
મનપાનાં જન્મ-મરણ વિભાગના અધિકારી પ્રેરિત જોશીએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી કામ ધીમું થતું હતું, જેને લઈને રાજ્ય સરકારને અનેક વખત રજૂઆતો કરી છે. હાલમાં ઇ-ઓળખ પોર્ટલનું સર્વર સંપૂર્ણપણે બંધ થતાં અમારે ફરજિયાત કામગીરી બંધ રાખવાની ફરજ પડી છે. સર્વર ક્યારે શરૂ થશે તેનો પણ કોઈ યોગ્ય જવાબ રાજ્ય સરકારમાંથી આપવામાં આવતો નથી. લોકોને વારંવાર હાલાકી પડી રહી છે. પરંતુ આ મામલે અમારી રજૂઆતોનો પણ જવાબ મળતો નથી. ત્યારે સર્વર ક્યારે શરૂ થશે તે કહેવું પણ હાલ શક્ય નથી. આ છતાં સર્વર શરૂ થતાની સાથે જ કામગીરી ફરી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી સર્વરની સમસ્યાં
ઉલ્લેખનીય છે કે, જન્મ-મરણના દાખલાની તમામ પ્રકારની કામગીરી હવે રાજ્ય સરકારના ઇ-પોર્ટલ પર કરવામાં આવે છે. હવે મહાપાલિકાના નહીં પરંતુ રાજ્ય સરકારના જન્મ-મરણના દાખલા નીકળે છે. રાજ્યમાં આ માટે ઇ-પોર્ટલ પર ડેટા અપલોડ કરવામાં આવે છે, પરંતુ થોડા દિવસોથી સિસ્ટમ ઘણી ધીમી પડી ગઇ છે. તો આજે સર્વર સંપૂર્ણ ડાઉન હોવાથી દાખલા નીકળી શકયા ન હતા. રાજ્ય સરકારમાંથી કોઈ જવાબ તેમજ કોઇ ખાતરી ન મળતા અંતે અધિકારીઓની સૂચનાથી કેન્દ્ર બહાર બોર્ડ મૂકાયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments