‘પ્યાર કા પંચનામા’માં જોવા મળેલી એક્ટ્રેસ સોનાલી સહગલ માતા બની ગઈ છે. એક રિપોર્ટ અનુસાર સોનાલીએ એક બાળકીને જન્મ આપ્યો છે. જોકે સોનાલી અને તેના પતિ આશિષ સજનાની દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સોનાલીએ બુધવારે સાંજે સાંતાક્રુઝની સૂર્યા હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો હતો. તેની ડિલિવરી નોર્મલ હતી. માતા અને પુત્રી બંને સ્વસ્થ છે. સોનાલી સહગલે જૂન 2023માં આશિષ સજનાની સાથે લગ્ન કર્યા હતા. અભિનેત્રીએ આ વર્ષે ઓગસ્ટમાં પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આ સિવાય સોનાલીએ 2006માં ‘મિસ ઈન્ટરનેશનલ’ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ટોપ 12માં સામેલ થઈ હતી. તેની ફિલ્મી કારકિર્દી 2011માં ‘પ્યાર કા પંચનામા’થી શરૂ થઈ હતી, જેમાં કાર્તિક આર્યન પણ જોવા મળ્યો હતો. આ ફિલ્મ લવ રંજને ડિરેક્ટ કરી હતી. આ પછી સોનાલી ‘પ્યાર કા પંચનામા 2’ અને વેડિંગ પુલાઓ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી છે.