હિંમતનગરના બી ઝેડ ફાયનાન્શિયલ કૌભાંડમાં ગુરૂવારે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો કૌભાંડી ગ્રૂપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાના વખાણ કરતો વીડિયો વાઈરલ થયો હતો. બી ઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસના 18 જાન્યુઆરીના ઉદઘાટન કાર્યક્રમમાં ધવલસિંહે ભૂપેન્દ્રસિંહ ઝાલાને પોતાના મિત્ર ગણાવતા કહ્યું હતું કે, ભૂપેન્દ્રસિંહને એકના બે અને બે ના ચાર કેવી રીતે થાય આ સારી રીતે આવડે છે. આ વીડિયો વાઈરલ થયા બાદ તરત જ તેમણે આ વાતે ફેરવી તોળ્યું હતું. તેમણે કહ્યું કે આ સંસ્થામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફની સંખ્યા બમણી થશે તેવું કહેવાનો ઈરાદો હતો, તેનું ખોટું અર્થઘટન કરાયું છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર સાથે કનેકશન ધરાવતો હોવાની ચર્ચા થવા લાગી છે. ભીખુસિંહનો પુત્ર કરણસિંહ આરોપી ભૂપેન્દ્રસિંહે શરૂ કરેલી મૈત્રી ફાઉન્ડેશન નામની સંસ્થામાં ટ્રસ્ટી હોવાની વાત બહાર આવી છે, જ્યારે ધવલસિંહે જાહેરમાં ભૂપેન્દ્રસિંહના વખાણ કર્યા ત્યારે તેની બાજુમાં બેઠેલા ભીખુસિંહ તાળી પાડતા હતા. ભાજપના નેતાઓ સાથેના ફોટા વહેતા થયા
ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાર્યક્રમોમાં હાજર રહેતા સાંસદ દિપસિંહ, મંત્રી ભીખુસિંહ,ધારાસભ્ય ધવલસિંહ સહિતના ધારાસભ્ય મંત્રી સાંસદ સહિત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથેના ફોટા પણ ઉપલબ્ધ છે. ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે પણ આરોપીની તસવીરો વાઈરલ થઈ છે. જો કે આ મુદ્દે હાલ ભાજપના નેતાઓ મૌન સેવીને બેસી રહ્યા છે.
અમારે કાંઇ લેવા દેવા નથી: સાબરકાંઠા ભાજપ પ્રમુખ
સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કનુ પટેલે ભૂપેન્દ્ર ઝાલા ભાજપના સભ્ય હોવા વિશે કહ્યું કે દેશનો કોઇપણ નાગરિક ભાજપનો સભ્ય બની શકે છે. પણ ભૂપેન્દ્રસિંહ ભાજપનો પ્રાથમિક સભ્ય છે એવું જાણમાં નથી. તેમણે જે ગુનાહિત કૃત્ય કર્યું છે તેની પોલીસ તપાસ કરી રહી છે. આમાં સત્ય બહાર આવશેે. ભાજપને આનાથી લેવા દેવા નથી.
સત્તાધારી પક્ષના ઝાલા પર ચાર હાથ છે : કોંગ્રેસ
સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અશોક પટેલે કહ્યું કે, સત્તાધારી પાર્ટીના ચાર હાથ હોય તો જ કોઇ આ રીતે 6 હજાર કરોડનું કૌભાંડ કરી શકે છે. ભાજપના નેતાઓ સાથે ફોટો તે સાબિત કરે છે.