એક ઓછી જાણીતી રમૂજ છે. એક અમેરિકન બાપ એના દીકરાને કહે છે, “ભણો, નહીં તો ભારતીયો અને ચાઇનીઝ આવીને તમારી જોબ લઇ લેશે…!!” આ એક મજાક હતી પણ એક સમયે આખા વિશ્વમાં શ્રેષ્ઠ ગણાતી અમેરિકન શિક્ષણ વ્યવસ્થામાં એવું શું થયું કે આ દેશમાં જેટલી કુલ નોકરીઓ છે તેના માટે આ દેશ નોકરીને લાયક ઉમેદવારો પેદા નથી કરી શક્યું નહીં. પરિણામે બહારના દેશો જેવા કે, ભારત, ચીન, રશિયા, જાપાન, યુરોપ વગેરેથી કુશળ વ્યવસાયિકોને અમેરિકા આવવા આમંત્રણ આપવું પડ્યું. બીજા શબ્દોમાં કહીએ તો ટેલેન્ટની આયાત કરવી પડી અને પોતાના જ દેશના કામનું આઉટસોર્સિંગ કરવું પડ્યું. મૂળ અમેરિકન હોય એવા કોઈને પણ આ સ્થિતિ કડવી લાગે પણ આવી સ્થિતિ ઊભી કેમ થઈ? તે સમજવું હોય તો પહેલાં અહીંની શિક્ષણ વ્યવસ્થા સમજવી પડશે. 3 પ્રકારે શિક્ષણ અપાય છે
અમેરિકામાં ત્રણ પ્રકારે શિક્ષણ આપવામાં આવે છે. જાહેર શાળાઓ જેને અહીં પબ્લિક સ્કૂલ કહે છે એના દ્વારા; ખાનગી શાળાઓ થકી અને હોમ સ્કૂલિંગ, જેમાં મા-બાપ બાળકોને ઘરે ભણાવે. આ દરેક પ્રકારની સ્કૂલિંગ સિસ્ટમને ત્રણ તબક્કામાં વિભાજીત કરવામાં આવી છે: પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા. અહીં શિક્ષણ માટે સરકાર જંગી રકમ ફાળવે છે. ફેડરલ અને સ્થાનિક સરકારનું બાળ મંદિર થી ધોરણ 12 સુધીનું શિક્ષણ માટેનું બજેટ 878.2 બિલિયન ડોલરનું હોય છે. છતાં 51 % અમેરિકન્સ માને છે કે દેશની શિક્ષણ વ્યવસ્થા ખોટી દિશામાં જઈ રહી છે. અને એ કેમ ખોટી દિશામાં જઈ રહી છે તેને એક રિસર્ચ(Pew Research Center) દ્વારા અપાયેલા કારણો જોઈએ. ઉપરાંત સૌથી અગત્યના કારણમાં વાલીઓ શાળામાં શું ભણાવવું અને ના ભણાવવું તેને કંટ્રોલ કરે છે. મા-બાપનો સમુદાય સિલેબસ ઉપર પ્રભાવ પાડે છે આવું તો માત્ર અમેરિકામાં જોવા મળે. વિદ્યાર્થીઓને જે વિષયો ભણવા હોય તેની છૂટ અપાતી
એક સમયે શ્રેષ્ઠ ગણાતી અમેરિકન શિક્ષણ વ્યવસ્થા પોતાની ફ્લેક્સિબિલિટી માટે જાણીતી હતી. જે વિદ્યાર્થીઓને જે વિષયો ભણવા હોય તેની છૂટ આપતી. અત્યારે પરિસ્થિતિ જુદી છે. ઉપર જણાવેલા કારણો સિવાય બીજા પણ કારણો છે જેના લીધે લાગી શકે કે એટલું તોતિંગ બજેટ અને સંશાધનો હોવા ઉપરાંત અમેરિકન શિક્ષણ વ્યવસ્થા કેમ ખોટી દિશામાં જઈ રહી છે? કેમ બહારના દેશોમાંથી એચ-1 અને એલ-1 પર નોકરી માટે ઉમેદવારોને બોલાવવા પડે છે? વિદેશથી આવેલા લોકોએ શિક્ષણને પ્રભાવિત કર્યું
અગત્યના કારણોમાંથી અમુક મુખ્ય કારણો સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક છે. અમેરિકા એ વિશાળ મેલ્ટિંગ પોટ છે અને અહીં વિવિધ દેશોના લોકો આવીને વસ્યા છે. એ દરેક પોતાની સાથે પોતાની સામાજિક અને સાંસ્કૃતિક સમજણ અને વ્યવસ્થા લઇને આવે છે અને એ લોકો અમેરિકી શિક્ષણ વ્યવસ્થાને પ્રભાવિત કરે છે. દાખલા તરીકે, શિક્ષક-વાલીની મીટિંગ્સમાં કોઈ વળી કહે કે વધારે ઘર કામ આપો, કોઈ કહે વિજ્ઞાન અને ગણિતના વિષયો પર વધારે ભાર આપો તો કોઈ કહે, ભાષા પર વધારે ભાર આપો. સરવાળે, ઝાઝા રસોઈયાઓ રસોઇ બગાડે છે. અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મોંઘું છે
આ સિવાય અહીં શાળા પછીનું ઉચ્ચ શિક્ષણ ખૂબ જ મોંઘુ છે. અહીંની સામાજિક વ્યવસ્થા સાવ અલગ છે. અહીં બ્રોકન ફેમિલીઝ, સિંગલ મોમ, ઓછી આવક જેવી સમસ્યાઓ પણ પુષ્કળ છે. આવી સ્થિતિમાં ઉછરેલા બાળકોના મા-બાપ પાસે તેમને ભણાવવા કે લોન લેવા જરૂરી આર્થિક સગવડ હોતી નથી. માટે એ લોકો K-12 પછી નોકરીએ લાગી જાય અને ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચતા નથી. અને સરવાળે બહારના દેશોમાંથી ઉચ્ચ શિક્ષણ પામેલા સ્કીલફૂલ લોકોને બોલાવવા પડે છે. રિસર્ચમાં અમેરિકાનો ડંકો વાગે છે
પણ ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચની જેમ ઘણી બધી ખામીઓ છતાં અમેરિકન શિક્ષણ વ્યવસ્થાના કેટલાંક હકારત્મક પાસાંઓ પણ છે. સૌથી અગત્યનું પાસું છે કે તે વ્યક્તિના મૂળભૂત અધિકારની જાળવણી કરવાનું, મૌલિક વિચારવાનું અને વ્યક્તિત્વ જાળવવાનું શીખવે છે અને માટે જ રિસર્ચ તેમજ સંશોધનમાં આજે પણ આ દેશનો ડંકો દુનિયામાં વાગે છે! હજુ દુનિયાના લાખો-કરોડો વિદ્યાર્થીઓનું સપનું અમેરિકા આવીને અહીંની યુનિવર્સિટીમાં ભણવાનું હોય છે. આખા વિશ્વના સૌથી વધુ વિજ્ઞાનીઓ અને નિષ્ણાતો આ દેશ પાસે જ છે.