સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાની ટીમ માત્ર 42 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 5 બેટર્સ પોતાનું ખાતું પણ ખોલી શક્યા ન હતા અને ટીમે 13.5 ઓવરમાં 10 વિકેટ ગુમાવી દીધી હતી. સાઉથ આફ્રિકા તરફથી લેફ્ટ આર્મ પેસર માર્કો યાન્સેને 7 વિકેટ ઝડપી હતી. ડરબનના કિંગ્સમીડ સ્ટેડિયમમાં શ્રીલંકાએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. સાઉથ આફ્રિકાએ બુધવારે રમવાનું શરૂ કર્યું, ટીમ 191 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. આ રીતે તેમને પહેલી ઇનિંગમાં 149 રનની લીડ મળી હતી. સાઉથ આફ્રિકા તરફથી બાવુમાએ ફિફ્ટી ફટકારી
પ્રથમ દિવસે સાઉથ આફ્રિકાએ 80 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ વરસાદ શરૂ થયો, જેના કારણે રમત બંધ થઈ ગઈ. બીજા દિવસે ટીમના કેપ્ટન ટેમ્બા બાવુમાએ 70 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ્સની મદદથી સાઉથ આફ્રિકાએ 191 રન બનાવ્યા હતા. કેશવ મહારાજે 24, માર્કો યાન્સેને 13, કાગિસો રબાડાએ 15 અને ટ્રિસ્ટન સ્ટબ્સે 16 રન બનાવ્યા હતા. બાકીના બેટર્સ 10થી વધુ રન બનાવી શક્યા ન હતા. શ્રીલંકા તરફથી અસિથા ફર્નાન્ડો અને લાહિરુ કુમારાએ 3-3 વિકેટ લીધી હતી. વિશ્વા ફર્નાન્ડો અને પ્રબથ જયસૂર્યાને 2-2 વિકેટ મળી હતી. શ્રીલંકા 14 ઓવર પણ બેટિંગ કરી શકી નહીં
શ્રીલંકાની ટીમ પ્રથમ દાવમાં 14 ઓવર પણ બેટિંગ કરી શકી ન હતી. ટીમે ત્રીજી ઓવરમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી અને 10મી વિકેટ પણ 14મી ઓવરના પાંચમા બોલ પર પડી હતી. લાહિરુ કુમારાએ 10 અને કામિન્દુ મેન્ડિસે 13 રન બનાવ્યા હતા. દિનેશ ચાંદીમલ, કુસલ મેન્ડિસ, પ્રબથ જયસૂર્યા, વિશ્વા ફર્નાન્ડો અને અસિથા ફર્નાન્ડો ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. એન્જેલો મેથ્યુસે 1, દિમુથ કરુણારત્નેએ 2 અને પથુમ નિસાંકાએ 3 રન બનાવ્યા હતા. સા. આફ્રિકા તરફથી માર્કો યાન્સેને 7 વિકેટ ઝડપી હતી. ગેરાલ્ડ કોત્ઝીએ 2 અને કાગિસો રબાડાએ 1 વિકેટ લીધી હતી. શ્રીલંકાનો ટેસ્ટનો સૌથી લોએસ્ટ સ્કોર
ટેસ્ટ ક્રિકેટમાં શ્રીલંકાનો આ સૌથી લોએસ્ટ સ્કોર છે. આ પહેલા ટીમ 1994માં પાકિસ્તાન સામે 71 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સાઉથ આફ્રિકા સામે કોઈપણ ટીમનો આ સૌથી લોએસ્ટ સ્કોર પણ હતો. આ પહેલાં 2013માં કેપટાઉનમાં ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 45 રન બનાવી શકી હતી. સાઉથ આફ્રિકાનો આ ત્રીજો સૌથી લોએસ્ટ સ્કોર હતો. આ પહેલા ઘરઆંગણે ટીમ 30 અને 35 રન સુધી ઓલઆઉટ થઈ ગઈ હતી. WTC ફાઈનલ માટે મહત્વપૂર્ણ સિરીઝ
શ્રીલંકા અને સાઉથ આફ્રિકા બંનેને હજુ પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવાની આશા છે. શ્રીલંકાએ બાકીની 4માંથી 3 ટેસ્ટ જીતવી પડશે, જ્યારે સાઉથ આફ્રિકાએ બાકીની ચારેય મેચ જીતવી પડશે. સાઉથ આફ્રિકાએ પાકિસ્તાન સામે અને શ્રીલંકા ઓસ્ટ્રેલિયા સામે વધુ 2-2 ટેસ્ટ રમવાની છે.