પાવાગઢ મહાકાળી માતાજીના દર્શને આવેલા છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મોટા વડકાના રહીશ અને હાલ સંજેલી ખાતે પાર્ટનર યુવતી સાથે લિવ ઇન રિલેશનમાં રહેતા યુવક સાથે પાવાગઢ બસ સ્ટેન્ડમાં માથાકૂટ કરી તેનો પીછો કરી હાલોલ સુધી આવેલા ત્રણ યુવકો સાથે હાલોલ એસટી ડેપો પોલીસ ચોકી સામે લોખંડની પાઇપ અને દંડા સાથે ગત રાત્રે ધીંગાણું થતાં ઇજગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જાહેરમાં માથા ફૂટ્યા હોવાથી હાલોલ ટાઉન પીઆઇ સહિત સરકારી હોસ્પિટલ દોડી ગયા હતા. હાલોલમાં ગત રાત્રે હીચકારા હુમલામાં રાત્રી સુધી કોઈ ફરિયાદ નોંધાઇ ન હતી, પરંતુ સવારે તપાસ કરતા પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. છોટા ઉદેપુરના કવાંટ તાલુકાના મોટા વાડકાના રહેવાસી અને હાલ શેહરા તાલુકાના સંજેલી ખાતે પાર્ટનર યુવતી તોરલ રાઠવા સાથે ત્રણ વર્ષથી લિવ ઇનમાં રહેતો અંકુશ ચંદનભાઈ રાઠવા ગઈકાલે કવાંટથી તેની કારમાં પાવાગઢ મહાકાળી માતાજીના દર્શને આવ્યો હતો. દર્શન કરી બંને સંજેલી જવાના હતા. સાંજે અંધારું થતા પાવાગઢ એસટી ડેપોમાં ગાડી પાર્ક કરી બેઠા હતા અને રાત્રે ઘરે જવું કે અહીં કોઈ ગેસ્ટ હાઉસમાં રોકાઈ જવું તે અંગે તે નક્કી કરે ત્યાં તેમની કાર પાસે આવી એક યુવકે અહીં કાર કેમ પાર્ક કરી છે, તેમ કહી માથાકૂટ કરી હતી અને લોખંડની પાઇપ લઈ અન્ય બે યુવકો સાથે હુમલો કરતા તે ત્યાંથી બચવા માટે કાર લઈ હાલોલ તરફ ભાગ્યો હતો. ત્યારે તેની સાથે માથાકૂટ કરનાર યુવકોએ પણ ઇકો કાર લઈને તેનો પીછો કર્યો હતો. હાલોલ એસટી ડેપો પોલીસ ચોકી બહાર બંને વચ્ચે માથાફોડ હુમલાની ઘટના બની હોવાનું અંકુશ રાઠવાએ જણાવ્યું હતું. અંકુશ રાઠવા સાથે આવેલી યુવતી તોરલ રાઠવા એ શરૂઆતમાં તેઓ ઉપર હુમલો કરનાર યુવકો કોણ હતા, તે અમે જાણતા નથી તેવું જણાવ્યું. પરંતુ તેઓ બંને હુમલાખોર યુવકોને જાણતા હતા, અંકુશ રાઠવાએ જણાવ્યું કે તે યુવતી સાથે લિવ ઇનમાં રહે છે અને સરપંચની ભાણી છે. તેમજ હુમલો કરનારા તેના જ ગામના જયેશ રાઠવા અને ભરત રાઠવા હોવાનું જણાવ્યું હતું. રાત્રે તેઓની કારનો પીછો કરી ઇકો લઈ ધસી આવેલા બંને યુવકોએ પોલીસ ચોકી સામે જ તેમની કાર આંતરી હતી અને અંકુશ રાઠવા ઉપર હુમલો કરે તે પહેલાં જ અંકુશ રાઠવાએ વાંસનો દંડો લઈ બંને ઉપર તૂટી પડ્યો હતો. એકનું માથુ ફોડી નાખતા અન્ય બે યુવકો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. જાહેરમાં મારામારી થતા પોલીસ દોડતી થઈ હતી. ઇકો કારમાં પીછો કરી આવેલા અને ઇજાગ્રસ્ત થયેલા એકને ખાનગી હોસ્પિટલમાં અને અંકુશ રાઠવાને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. મોડી રાત્રી સુધી બંને પક્ષોમાંથી કોઈએ ફરિયાદ નોંધાવી ન હતી. પરંતુ અંકુશ રાઠવાના તોરલ રાઠવા સાથેના સંબંધોને કારણે બંને ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાનું અનુમાન લગાવવમાં આવી રહ્યું છે. હાલોલમાં ગત રાત્રે હીચકારા હુમલામાં રાત્રી સુધી કોઈ ફરિયાદ નોંધાઇ ન હતી, પરંતુ સવારે તપાસ કરતા પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.