હાલ લગ્નની સિઝન ચાલી રહી છે અને લોકો મંડપ સહિતનાં આયોજનો માટે લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ કરતા જોવા મળી રહ્યા છે. આ ટ્રેન્ડમાં હવે લક્ઝુરિયસ કંકોત્રીનો ઉમેરો થયો છે. સુરતમાં લેવિસ કંકોત્રીએ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે. જેની કિંમત રૂ. 1500થી લઈને 50,000 સુધી પહોંચી રહી છે. આ અદભુત લગ્ન કાર્ડ્સ માટે ખાસ નિષ્ણાત ડિઝાઇનર્સ કામ કરે છે. કેટલાંક કાર્ડ્સમાં સાત ફેરા, હવનકુંડની થીમ, ભગવદ્ ગીતા જેવા પવિત્ર ગ્રંથ સાથે ચાંદીના સ્ટેચ્યૂની થીમ સામેલ હોય છે. મોટા બોક્સમાં ડિઝાઈન થતી થીમ મહેમાનોને વધુ આકર્ષી રહી છે. પરંપરાગત ટચ આપવા ચાંદીની મૂર્તિઓ સામેલ કરીઃ સ્નેહા
આ લગ્નના ભવ્ય અને લેવિસ કાર્ડ્સને ડિઝાઇન કરનાર સ્નેહાએ જણાવ્યું કે, હું અને મારા પાર્ટનર વરુણે મળીને આ બિઝનેસ શરૂ કર્યો હતો. અમે અમારા ક્લાયન્ટ્સને યુનિક અને અલગ ડિઝાઇન પ્રદાન કરીએ છીએ. ખાસ કરીને લગ્નનાં કાર્ડ્સમાં અમે ચાંદીની મૂર્તિઓ સામેલ કરી છે, જેમાં લક્ષ્મીજી, ગણેશજી અને શ્રીરામજીની મૂર્તિઓ છે. ચાંદીની મૂર્તિ સાથે કાર્ડ લગ્ન માટેનું આમંત્રણ છે. મોટા બોક્સમાં પણ ખાસ ડિઝાઈન’
તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે, અમે કેટલાક કાર્ડ્સ મોટા બોક્સમાં ડિઝાઇન કર્યાં છે. આ બોક્સમાં વુડન આમંત્રણ છે, જે લેઝર કટિંગથી કરવામાં આવ્યું છે. તેની સાથે વિવિધ ડ્રાયફ્રૂટ્સની બોટલ્સ પણ સામેલ છે, આ બોક્સ રિ-યૂઝ પણ કરી શકાય છે. લેધર અને ખાસ વૂડથી અલગ-અલગ મટીરિયલથી આ બોક્સ બનાવવામાં આવેલ છે. જેમાં ટ્રેડિશનલ ડિઝાઇન જોવા મળે છે, જેની કિંમત 30,000 સુધીની હોય છે. ‘સાત ફેરા’ પર આધારિત કંકોત્રી
અન્ય થીમ અંગે જણાવતાં તેઓએ કહ્યું હતું કે, અમે ખાસ ‘સાત ફેરા’ પર આધારિત એક અનોખું કાર્ડ પણ ડિઝાઇન કર્યું છે. આ કાર્ડને જ્યારે ધ્યાનથી જોવામાં આવે છે, ત્યારે તેના મધ્યમાં હવનકુંડ જોવા મળે છે. આ કાર્ડમાં વિવાહ સમયે ઉપયોગમાં આવતી વેદિક સામગ્રીને નાની કાચની બોટલ્સમાં રાખવામાં આવી છે, જેમાં નાડાછડી, હળદર, કુમકુમ અને અન્ય સામગ્રી સામેલ છે. ‘મટીરિયલ અને ફિનિશિંગમાં ખાસ ધ્યાન અપાય છે’
સ્નેહાએ વધુમાં જણાવ્યું કે, લોકો આજકાલ યુનિક અને અલગ ડિઝાઇન પસંદ કરે છે. તેમની આ પસંદને ધ્યાનમાં રાખીને અમે કાર્ડ ડિઝાઇન કરીએ છીએ. આ કાર્ડ્સની કિંમત રૂ.1500થી 50,000 સુધીની હોય છે, જે તેમાં વપરાતાં મટીરિયલ અને કારીગરી પર તે આધારિત છે. ફિનિશિંગ વિના કોઈ વસ્તુ આકર્ષક લાગતી નથી અને આ પર અમે વિશેષ ધ્યાન આપીએ છીએ. અમે હાઇક્વોલિટી વૂડ, મટીરિયલ, એક્રેલિક, ગ્લાસ, ગોલ્ડ પ્લેટેડ અને સિલ્વર પ્લેટેડ મેટલનો ઉપયોગ કરીએ છીએ. ‘વૂડન કંકોત્રી બોક્સમાં 500 વર્ષ સુધી ચાલે એવી ભગવદ્ ગીતા’
થીમ આધારિત ડિઝાઇનમાં ભાગવદ્ ગીતા થીમ પર આધારિત કાર્ડ ખૂબ જ લોકપ્રિય બની રહ્યું છે. આ કાર્ડમાં અંગ્રેજીમાં અનુવાદિત ગીતા શ્લોક સામેલ છે. આ ગીતા કાર્ડની ખાસિયત એ છે કે, તે 500 વર્ષ એમ જ રહેશે, એનાં પાનાં બગડશે નહીં. આ કાર્ડને ખાસ લાકડાના બોક્સમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં ગંગાજળ, આચમન અને શ્લોકી નામના પુસ્તક સામેલ છે. આ કાર્ડને પરંપરાગત અને ટ્રેડિશનલ લુક સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે લોકોને ખૂબ ગમે છે. ‘કાર્ડમાં ઇન્ટેબલ વસ્તુઓ પણ સામેલ’
સામાન્ય રીતે કાર્ડમાં નામ લગ્નમાં આમંત્રણ આપતા લોકોના હોય છે, પરંતુ હવે કાર્ડની અંદર વસ્તુઓ પણ મૂકવામાં આવે છે. કાચની નાની-નાની બોટલમાં આઈ ટેબલ વસ્તુઓ રાખવામાં આવે છે. જેમાં ખાસ કરીને મિસરી અને એલચી સામેલ હોય છે, જેને સિલ્વર કોટિંગ કરવામાં આવે છે જે રોયલ લુક આપે છે. ‘આ કાર્ડથી માર્કેટને નવી ઓળખ મળી રહી છે’
કંકોત્રીના ટ્રેન્ડને લઈને જણાવ્યું કે, આ ટ્રેન્ડ માટે શહેરીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આકર્ષક અને ખાસ ડિઝાઇનવાળી કંકોત્રી મહેમાનોને આમંત્રિત કરવા માટે લોકો આ પ્રકારનાં લક્ઝુરિયસ કાર્ડ્સ પસંદ કરી રહ્યા છે. સુરત શહેરના કાર્ડ માર્કેટમાં આ પ્રકારનાં કાર્ડ્સની માંગ દિવસે-દિવસે વધી રહી છે. લગ્નો સાથે જોડાયેલા આ નવા શોખ અને રંગતથી શહેરના લગ્નનાં આમંત્રણ કાર્ડથી માર્કેટને નવી ઓળખ મળી રહી છે.