3 વર્ષમાં ફિકસ ડિપોઝિટ ડબલ કરી આપવાનું કહી તેમજ રોકાણ પર માસિક 7 ટકા વ્યાજ આપવાની લાલચ આપીને રોકાણકારો પાસેથી 6 હજાર કરોડ ઉઘરાવી લેનારી BZ ફાઈનાન્સિયલ સર્વિસની વડોદરા શહેરના સમા સાવલી રોડ પર આવેલા લોટસ ઓર કોમ્પલેક્ષના ઉપર CID ક્રાઈમે મંગળવારે દરોડા પાડ્યા હતા. દરોડા પાડ્યા બાદ આ ઓફિસ હાલ બંધ હાલતમાં છે. આસપાસના વેપારીઓએ કહ્યું હતું કે, આ ઓફીસમાં એક માણસ બેસતો હતો. 6 હાજર કરોડના ફૂલેકા અંગે અમને કંઈ ખબર નથી. માસિક 7 ટકા વ્યાજ આપવાની લાલચ આપીને રોકાણ કરાવતા
પોલીસના દરોડાના પગલે એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જ્યારે 2 બેંક એકાઉન્ટમાંથી રૂ.175 કરોડના ટ્રાન્જેકશન મળ્યા છે. CID ક્રાઈમને થોડા સમય પહેલા તેમને એક નનામી અરજી મળી હતી. જેમાં BZ ફાઈનાન્સીયલ સર્વિસસ અને BZ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાએ ગુજરાત તેમજ રાજસ્થાનમાં ઓફિસો શરૂ કરી હતી. જ્યાં એજન્ટોની ચેઈન ગોઠવીને રોકાણકારોને ફિકસ ડિપોઝિટ 3 વર્ષમાં ડબલ કરી આપવાનું કહીને તેમજ રોકાણ ઉપર માસિક 7 ટકા વ્યાજ આપવાની લાલચ આપીને રોકાણ કરાવતા હતા. મોટા ભાગની ઓફિસોમાંથી મહત્ત્વના ડોક્યુમેન્ટસ મળી આવ્યા
આ કંપનીએ રાષ્ટ્રીયકૃત બેંકો તેમજ નાણાકીય સંસ્થાઓ કરતા પણ વધારે વ્યાજ અને વળતરની લાલચ આપી લોકો પાસેથી રૂ.6 હજાર કરોડ ઉઘરાવી લીધા હતા. CID ક્રાઈમની ટીમે આ નનામી અરજીની તપાસ કરતા કંપનીએ ગુજરાતમાં તલોદ જિલ્લાના રણાસણમાં, હિંમતનગરમાં, વિજાપુરમાં, મોડાસા, ગાંધીનગર, વડોદરા અને અરવલ્લી જિલ્લાના માલપુરમાં ઓફિસો શરૂ કરી હતી. જેના આધારે CID ક્રાઈમના 50થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓની 7 ટીમોએ એકસાથે તમામ ઓફિસોમાં દરોડા પાડ્યા હતા, જેમાંથી મોટા ભાગની ઓફિસોમાંથી મહત્ત્વના ડોક્યુમેન્ટસ મળી આવ્યા હતા. CID ક્રાઈમની રેડ બાદ ઓફિસ બંધ કરી દેવામાં આવી
આ સાથે પોલીસને 2 બેંક એકાઉન્ટ મળ્યા હતા. તે બંને બેંક એકાઉન્ટમાં રૂ.175 કરોડના ટ્રાન્જેકશન થયા હોવાની માહિતી પોલીસને મળી હતી. આ તમામ ડોક્યુમેન્ટ્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે રાજસ્થાનમાં આવેલી ઓફિસોમાં દરોડા પાડતા રાજસ્થાન પોલીસ સાથે સંકલન કરી તેમને જાણ કરવામાં આવી હતી. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અન્ય શહેરો, જિલ્લા તેમજ ગામડામાં પણ ઓફિસો શરૂ કરી હતી, જેનું સંચાલન એજન્ટો કરતા હતા. આથી જે ઓફિસોમાં દરોડા પાડવામાં આવ્યા છે તે સિવાયની અન્ય ઓફિસનાં સરનામાં મેળવવામાં આવ્યાં છે. આ સાથે પોલીસે સ્ટાફ મેમ્બર્સની પણ પૂછપરછ શરૂ કરી છે. વડોદરા શહેરના સમા સાવલી રોડ પર આવેલ લોટસ ઓરા કોમ્પલેક્ષમાં આવેલ BZ ફાઈનાન્સિયલની ઓફિસમાં CID ક્રાઈમે મંગળવારે દરોડા પાડ્યા હતા. જ્યાંથી CID ક્રાઈમે કેટલાક ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા. આ ઓફિસ હિંમતનગરનો શત્રુઘ્નસિંહ સંભાળતો હતો. ગઈકાલ સુધી આ ઓફિસ ચાલુ હતી, જો કે CID ક્રાઈમની રેડ બાદ ઓફિસ બંધ કરી દેવામાં આવી છે. 6000 કરોડના ફૂલેકા અંગે અમને કંઈ ખબર નથી- સ્થાનિક વેપારી
સ્થાનિક વેપારી હરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, અહીં ફાઇનાન્સની ઓફિસ ચાલે છે તે અંગે અમને કોઈ જાણ ન હતી. જ્યારે અમદાવાદથી પોલીસ આવી ત્યારે એમને ખબર પડી કે અહીં તો ફાઇનાન્સની ઓફિસ ચાલે છે. અહીં એક માણસ આવતો હતો અને ચા પીતો હતો અને રોજ ઓફિસ ખોલીને બેસતો હતો. 6000 કરોડના ફૂલેકા અંગે અમને કંઈ ખબર નથી, અમને તો નવાઈ લાગે છે. એવું કંઈ લાગતું જ નહોતું. પોલીસ આવી હતી અને ઓફિસમાંથી જ પછી નીકળી ગઈ હતી. પોલીસ આવ્યા પછી ઓફિસ બંધ થઈ ગઈ છે.