બાંગ્લાદેશમાં નવેસરથી ફેલાયેલી હિંસાની આગની ઝાળ ભારતને દઝાડી શકે છે, પણ બાંગ્લાદેશને તો આ આગ ભસ્મ જ કરી નાખશે. બાંગ્લાદેશના હિન્દુઓ ભારત તરફ આવી રહ્યા છે અને આ બધું શરૂ થયું સનાતન મંચની સભાથી. બાંગ્લાદેશમાં ઈસ્કોન મંદિરના પૂજારી ચિન્મય કૃષ્ણદાસ બ્રહ્મચારી ઉર્ફે ચિન્મય પ્રભુની ચર્ચા ભારત અને બાંગ્લાદેશમાં છે. તેમની બાંગ્લાદેશમાં ધરપકડ પછી હિન્દુઓ રસ્તા પર ઊતરી આવ્યા. હવે હિન્દુઓ પર અત્યાચાર શરૂ થયા છે. નમસ્કાર, બાંગ્લાદેશમાં ઈસ્કોન મંદિરના પૂજારી ચિન્મય પ્રભુએ કહ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો અને હિન્દુઓ સુરક્ષિત નથી. તેમના નિવેદન પછી તેમની ધરપકડ થઈ. ચિન્મય કૃષ્ણદાસ બ્રહ્મચારીની ધરપકડ પછી બાંગ્લાદેશમાં હિન્દુઓ રસ્તા પર ઊતરી આવ્યા ને ભારે હિંસા ફાટી નીકળી. આ આખી ઘટનામાં બે મુદ્દા નોંધવા જેવા છે. ચિન્મય પ્રભુ વિવાદમાં કેમ છે?
બાંગ્લાદેશમાં સત્તા સંઘર્ષ ચાલતો હતો એ દરમિયાન 6 ઓગસ્ટના રોજ ખુલના જિલ્લામાં એક ઇસ્કોન મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં ભગવાન જગન્નાથની મૂર્તિઓને સળગાવી નાખવામાં આવી હતી. આ હુમલા બાદ ચિન્મયદાસે કહ્યું હતું કે ચટગાંવમાં ત્રણ અન્ય મંદિરો પણ ખતરામાં છે. હિન્દુ સમુદાય તેમની સુરક્ષા માટે સાથે મળીને કામ કરી રહ્યો છે. દાસે કહ્યું હતું કે હિંસાથી બચવા માટે હિન્દુઓ ત્રિપુરા અને બંગાળ થઈને ભારતમાં આશ્રય લઈ રહ્યા છે. ચિન્મયદાસ લાંબા સમયથી હિંદુ મંદિરોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. સતત હિન્દુઓની રક્ષાની વાતો કરવાને કારણે બાંગ્લાદેશમાં તેઓ વિવાદમાં રહ્યા કરે છે. ચિન્મય પ્રભુની ધરપકડ કેમ થઈ?
25 ઓક્ટોબરના રોજ સનાતન જાગરણ મંચે 8 મુદ્દાની માગ સાથે બાંગ્લાદેશના ચટગાંવના લાલદીઘી મેદાનમાં સભા યોજી હતી. ચિન્મય કૃષ્ણદાસે પણ આ સભાને સંબોધી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ ન્યૂ માર્કેટ ચોકમાં આઝાદી સ્તંભ પર બાંગ્લાદેશનો રાષ્ટ્રધ્વજ ઉતારીને ભગવો ધ્વજ ફરકાવ્યો હતો. આ ધ્વજ પર ‘આમી સનાતની’ (અમે સનાતની) એવું લખેલું હતું. સભા પછી 31 ઓક્ટોબરે બેગમ ખાલિદા જિયાની BNP પાર્ટીના નેતા ફિરોઝ ખાને ચટગાંવમાં ચિન્મય કૃષ્ણદાસ સહિત 19 લોકો વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કર્યો. તેમના પર બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો આરોપ છે. ચિન્મય પ્રભુની ધરપકડ ક્યારે અને ક્યાંથી થઈ?
બાંગ્લાદેશ પોલીસે 25 નવેમ્બર સોમવારે ઢાકાના હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ચિન્મય કૃષ્ણદાસ બ્રહ્મચારીની ધરપકડ કરી હતી. તેઓ ચટગાંવ જઈ રહ્યા હતા. ઘટનાસ્થળે હાજર ઈસ્કોનના સભ્યોએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશ પોલીસની ડિટેક્ટિવ બ્રાન્ચ (ડીબી બ્રાન્ચ) કોઈ ધરપકડ વોરંટ બતાવ્યું નથી. પોલીસે એટલું જ કહ્યું હતું કે તેઓ વાત કરવા માગે છે. આ પછી તેમને માઇક્રોબસમાં લઈ ગયા. ડીબી બ્રાન્ચના એડિશનલ પોલીસ કમિશનર રેઝાઉલ કરીમ મલિકે જણાવ્યું હતું કે પોલીસની વિનંતીને પગલે ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ કરવામાં આવી હતી. ચિન્મયદાસને કાયદાકીય પ્રક્રિયા માટે લાગતાવળગતા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવશે. ચિન્મય પ્રભુની ધરપકડ થતાં જ હિન્દુઓ રસ્તા પર ઊતરી આવ્યા
ચિન્મય પ્રભુની ધરપકડના સમાચાર વહેતા થતાં જ ઢાકા અને બાંગ્લાદેશના અનેક વિસ્તારોમાં હિન્દુઓ રસ્તા પર ઊતરી આવ્યા હતા. 25 નવેમ્બર સોમવારથી જ લાખો હિન્દુઓ રસ્તા પર છે અને હજી પણ બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરોધ કરી રહ્યા છે. સોમવાર અને મંગળવારે દેખાવકારોએ પ્રદર્શન કર્યાં. ઢાકા, ચિત્તાગોંગ અને દિનાજપુરમાં રસ્તાઓ બંધ કરી દીધા હતા અને ચિન્મય પ્રભુની વહેલી મુક્તિની માગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. ચિન્મયદાસ પ્રભુ વિરુદ્ધ દેશદ્રોહ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો કેસ ચાલી રહ્યો છે. ચિત્તાગોંગમાં વકીલના મોત પછી હિંસા વકરી
ચિત્તાગોંગમાં ચિન્મય પ્રભુના સમર્થનમાં પ્રદર્શન દરમિયાન એક વકીલનું મોત થયું હતું. માર્યા ગયેલા વકીલનું નામ સૈફુલ ઈસ્લામ હતું. વકીલનું મૃત્યુ કેવી રીતે થયું એ હાલ સ્પષ્ટ નથી, પણ તેમના મૃત્યુ પર ચટગાંવ વકીલમંડળના પ્રમુખ નાઝીમ ઉદ્દીન ચૌધરીએ આરોપ લગાવ્યો કે વિરોધીઓએ સૈફુલને ચેમ્બરમાંથી પકડીને તેની હત્યા કરી નાખી. બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે સૈફુલની હત્યાની નિંદા કરી છે અને તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો. આ ઘટના પછી ઇસ્લામિક કટ્ટરપંથીઓએ મંદિરો પર હુમલા શરૂ કર્યા, દલિતોનાં ઘરો સળગાવ્યાં. ટોળાએ એ વિસ્તારના હિંદુઓને દુકાનો બંધ કરવાની ધમકી પણ આપી હતી. સ્થાનિક લોકોએ મીડિયાને જણાવ્યું હતું કે હુમલાખોરો ઈસ્લામી જમાત અને વિપક્ષી પાર્ટી BNP સાથે સંકળાયેલા હતા. ચિન્મય પ્રભુની ધરપકડ પછી તેમનું શું થયું?
બાંગ્લાદેશમાં હિન્દુ સમાજનો ચહેરો મનાતા અને ઈસ્કોન મંદિરના ચિન્મય પ્રભુને 26 નવેમ્બરે ચિત્તાગોંગના કોતવાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાજદ્રોહના કેસમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ચિન્મય પ્રભુ વિરુદ્ધ બાંગ્લાદેશ દંડ સંહિતાની અલગ અલગ કલમો હેઠળ રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. કોર્ટે જામીન અરજી નામંજૂર કરી તેમને જેલમાં મોકલી આપ્યા હતા. પોલીસે ચિત્તાગોંગ કોર્ટની બહાર ચિન્મય પ્રભુના સમર્થકો પર ટિયરગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો. પોલીસે દેખાવકારોને વિખેરવા માટે રબરની ગોળીઓ પણ છોડી. ચિન્મય પ્રભુની ધરપકડનો વિરોધ કરવા આવેલા લોકોને પોલીસે હટાવી દીધા હતા. બીજી તરફ ચિન્મય પ્રભુએ કોર્ટ પરિસરમાં જ સમર્થકોને સંબોધતાં કાયદા મુજબ આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. કોણ છે ચિન્મય કૃષ્ણદાસ બ્રહ્મચારી?
ચિન્મય કૃષ્ણદાસ બ્રહ્મચારી એ ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઈસ્કોન) સમુદાયમાં શ્રી ચિન્મય કૃષ્ણ પ્રભુ તરીકે ઓળખાય છે, તેઓ બાંગ્લાદેશમાં પ્રભાવશાળી ધાર્મિક નેતા છે. બાંગ્લાદેશમાં ઈસ્કોન સંચાલિત પુંડરિક ધામના પ્રમુખ પણ છે. તેઓ લાંબા સમયથી ધાર્મિક સ્વતંત્રતા અને હિન્દુઓની સુરક્ષાની માગ સાથે અવાજ ઉઠાવતા રહ્યા છે. તેઓ અગાઉ ચટ્ટોગ્રામમાં ઈસ્કોન માટે વિભાગીય સંગઠન સચિવનું પદ સંભાળતા હતા. તેમનો જન્મ મે 1985માં ચટ્ટોગ્રામના સતકનિયા ઉપજિલ્લામાં આવેલા કારિયાનગર ગામમાં થયો હતો. ચિન્મય કૃષ્ણદાસ બ્રહ્મચારીએ ધાર્મિક વર્તુળમાં બાળવક્તા તરીકેની તેમની કુશળતા માટે ઓળખ મેળવી. તેમની આધ્યાત્મિક યાત્રા નાની ઉંમરે શરૂ થઈ હતી અને 1997માં માત્ર 12 વર્ષની ઉંમરે તેમણે દીક્ષા લીધી અને બ્રહ્મચારી તરીકે ઈસ્કોનમાં જોડાયા. પહેલા ભારતના ઈસ્કોન મંદિર અને પછી બાંગ્લાદેશના ઈસ્કોન મંદિરમાં સેવા માટે નિયુક્ત થયા હતા. ઇસ્કોને બાંગ્લાદેશ સરકારની નિંદા કરી
ઇસ્કોને બાંગ્લાદેશ ઈસ્કોનના વડા ચિન્મય કૃષ્ણદાસ પ્રભુની ધરપકડ અંગે પણ નિવેદન જાહેર કર્યું હતું. આમાં બાંગ્લાદેશ સરકારની નિંદા કરવામાં આવી છે. ઇસ્કોને બાંગ્લાદેશ સરકારને અપીલ કરી છે કે તેઓ એવું વાતાવરણ બનાવે, જેમાં તમામ ધર્મના લોકો સાથે રહે. ઇસ્કોને કહ્યું હતું કે ચિન્મય કૃષ્ણદાસ પ્રભુ બાંગ્લાદેશમાં હિન્દુઓના અધિકારો માટે અવાજ ઉઠાવી રહ્યા છે. સરકારે નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવું જોઈએ. આ પહેલાં બાંગ્લાદેશના ઈસ્કોને આ મામલે ભારતના હસ્તક્ષેપની માગ કરી હતી. તેમણે ભારત સરકારને વિનંતી કરી કે તેઓ બાંગ્લાદેશ સરકાર સાથે વાત કરે અને તેમને જણાવે કે વિશ્વમાં ક્યાંય પણ આતંકવાદ સાથે ઈસ્કોનનો કોઈ સંબંધ નથી. ચિન્મય પ્રભુની ધરપકડ પર ભારતના વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું…
બાંગ્લાદેશમાં હિન્દુઓનાં ઘરો અને દુકાનોમાં આગચંપી અને લૂંટફાટ, દેવી-દેવતાઓ અને મંદિરોમાં તોડફોડના ઘણા કેસો દાખલ છે. અમે ચિન્મય પ્રભુની ધરપકડ સામે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા હિન્દુઓ પરના હુમલાઓની નિંદા કરીએ છીએ. બાંગ્લાદેશ સત્તાવાળાઓએ હિન્દુઓ અને તમામ લઘુમતીઓનું રક્ષણ કરવું જોઈએ, તેમને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર આપવો જોઈએ. અમે ચિન્મય કૃષ્ણદાસની ધરપકડથી ચિંતિત છીએ. એ દુર્ભાગ્યપૂર્ણ છે કે ગુનેગારો ખુલ્લેઆમ ફરે છે, પણ સભા કરીને શાંતિથી વિરોધ કરનારા સામે કેસ થાય છે. ચિન્મય પ્રભુએ બનાવેલા સમાનત જાગરણ મંચની 8 માગણી એસ. જયશંકરે વડાપ્રધાન મોદીને તમામ માહિતી આપી
બાંગ્લાદેશમાં ઈસ્કોનના ચિન્મય પ્રભુની ધરપકડ, એ પછી થયેલો વિરોધ અને પછી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે રજેરજની માહિતી વડાપ્રધાન મોદીને આપી છે. બીજી તરફ બાંગ્લાદેશની સરકારે મીડિયા સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે કે ઈસ્કોન પર પ્રતિબંધ લગાવવાની અરજી ઢાકા હાઈકોર્ટે ફગાવી દીધી છે. ઈસ્કોન મામલે અત્યારસુધીમાં ત્રણ કેસ નોંધાયા છે અને 33ની ધરપકડ થઈ ચૂકી છે. છેલ્લે, ઇસ્કોનના ગૌર ગોપાલદાસ યૂથમાં પોપ્યુલર વક્તા છે. તેમણે સરસ વાત કરી છે- તમારા વિચારો પર ધ્યાન આપો, કારણ કે એ શબ્દોમાં ફેરવાય છે, તમારા શબ્દો પર ધ્યાન આપો, કારણ કે એ કાર્યોમાં ફેરવાય છે, તમારાં કાર્યો પર ધ્યાન આપો, કારણ કે એ આદતોમાં ફેરવાય છે. તમારી આદતો પર ધ્યાન આપો, કારણ કે એ ચરિત્રમાં ફેરવાય છે. તમારા ચરિત્ર પર ધ્યાન આપો, કારણ કે એ તમારી નિયતિ બની જાય છે. અને આ બધું એક વિચારથી શરૂ થાય છે. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… (રિસર્ચ : યશપાલ બક્ષી )