back to top
Homeબિઝનેસગિગ ઈકોનોમી:પગાર 11 હજારથી પણ ઓછો અને જોખમ વધારે

ગિગ ઈકોનોમી:પગાર 11 હજારથી પણ ઓછો અને જોખમ વધારે

ક્યાંક ફરવા જવું અથવા ખાવું કે કંઈક મગાવવું હોય તો આપણે ઘરેબેઠા મોબાઈલ પર આંગળીઓ વડે ઓર્ડર કરીએ છીએ અને થોડીવારમાં જ ડિલિવરીબોય સામાન સાથે દરવાજા પર હાજર થાય છે. આખરે કોણ છે આ લોકો? આ ગિગ અર્થતંત્રના સૌથી મોટાં પાત્રો છે. આ એ જ પ્લેટફોર્મ છે જે ફટાફટ રોજગાર પ્રદાન કરવામાં મોખરે છે. નીતિ આયોગના અહેવાલ મુજબ 2020-21 સુધી 77 લાખ લોકો ગિગ ઈકોનોમી સાથે જોડાયેલા હતા જે 2029-30 સુધીમાં વધીને 2.35 કરોડને પાર જશે. ગિગ ઈકોનોમીનો અર્થ ઉબેર, ઓલા, સ્વિગી અને ઝોમેટો વગેરે જેવી કામચલાઉ નોકરી. તેમની સરેરાશ માસિક કમાણી 11 હજાર અથવા તેનાથી ઓછી છે, પરંતુ આ માટે તેઓએ પોતાનો જીવ જોખમમાં મૂકવો પડે છે. 1. ગિગનો અર્થ શું છે? ગિગ ઈકોનોમી શું છે?
ગિગનો અર્થ એવી નોકરી કે જે ટૂંકા ગાળા માટે હોય છે. તે એવી અર્થવ્યવસ્થા સાથે સંબંધિત છે જેમાં કંપની અને કર્મચારી વચ્ચે કોઈ ચોક્કસ કરાર નથી. તેની શરૂઆત દેશમાં ઓનલાઈન માર્કેટપ્લેસ કંપની એરબીએનબી દ્વારા કરવામાં આવી હતી.
2. ગિગ ઈકોનોમીના ફાયદા/ગેરફાયદા શું છે?
એક વ્યક્તિ એક સાથે અનેક કંપનીઓ માટે કામ કરી શકે છે. તમે જ્યારે ઇચ્છો ત્યારે તમારી પસંદગીની નોકરી બદલી શકો છો. કામનો સમય જાતે નક્કી કરી શકો છો. આ એક ફાયદાકારક બાબત છે. નુકસાન એ છે કે તેમને પ્રોવિડન્ટ ફંડ, હેલ્થ ઈન્સ્યોરન્સ જેવી સુવિધા નથી મળતી. બીમારી કે રજા પર પગાર કપાય છે. નોકરીની કોઈ ગેરંટી નથી. આવક નિશ્ચિત નથી. તેમાં કરિયરમાં કોઈ ગ્રોથ નથી. ઘણા પ્રકારના ગિગવર્કર લેબર કોડના દાયરામાં આવતા નથી. તેમને નિવૃત્તિ યોજના જેવા લાભો મળતા નથી. કાર્યસ્થળ પર જાતીય સતામણીના કેસોમાં પણ કોઈ નક્કર નિયમો નથી.
3. દેશમાં ગિગ ઇકોનોમી આટલી ઝડપથી કેમ વધી રહી છે?
એસોસિયેટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર દેશની ગિગ ઈકોનોમી વાર્ષિક 17%ના ચક્રવૃદ્ધિ વાર્ષિક દરે વધી રહી છે. 2024 સુધીમાં લગભગ રૂ. 38 લાખ કરોડને પાર કરવાનો અંદાજ છે. મુખ્ય કારણ એ છે કે કોરાનાને કારણે ઘણાએ નોકરીઓ ગુમાવવી પડી, તેથી લોકોએ અસ્થાયી નોકરીઓ શરૂ કરી. સ્માર્ટફોનના વપરાશમાં વધારો અને હાઈ-સ્પીડ ઈન્ટરનેટની ઉપલબ્ધતાએ કામદારો અને વ્યવસાયો માટે ઓનલાઈન પ્લેટફોર્મ સાથે જોડાવાનું સરળ બનાવ્યું છે, જે ગિગ ઈકોનોમીને નવી ગતિ આપે છે. દેશમાં ઓનલાઈન બિઝનેસના ઝડપી વિકાસને કારણે ડિલિવરી અને લોજિસ્ટિક્સ સેવાઓની માગમાં વધારો થયો છે, જેના કારણે આ વિસ્તારોમાં ગિગ ઈકોનોમીનો વિકાસ થયો છે.
4. તેનાથી કયા પ્રકારનાં નવાં જોખમો સર્જાઈ રહ્યાં છે?
ઘણી કંપનીઓ ટેક્સમાંથી છટકવા માટે ગિગ વર્કરોને કોન્ટ્રાક્ટર તરીકે ખોટી રીતે વર્ગીકરણ કરીને તેમનું શોષણ કરે છે. તેમને પરંપરાગત કર્મચારીઓ કરતાં ઓછો પગાર આપવામાં આવે છે. કાનૂની રક્ષણ પણ ઉપલબ્ધ નથી. ગિગ અર્થતંત્ર પર ડેટા અને સંશોધનનો અભાવ છે, જે નીતિનિર્માતાઓ માટે તેના કદ, અવકાશ અને અર્થતંત્ર પરની અસરને યોગ્ય રીતે સમજવું મુશ્કેલ બનાવે છે.
5. આ માટે કેન્દ્રએ શું પગલાં લેવાની જરૂર છે?
કેન્દ્રએ ગિગ અર્થતંત્ર માટે સ્પષ્ટ નીતિ બનાવવી જોઈએ. જેથી ગિગ કામદારોની સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. ઉપરાંત, કંપનીઓને પણ જવાબદાર ઠેરવી શકાય છે. તેમનું કૌશલ્ય સુધારવા અને તેમની કમાણી ક્ષમતા વધારવા માટે શિક્ષણ અને તાલીમ કાર્યક્રમોમાં ઝડપથી રોકાણ વધારવાની જરૂર છે. ગિગ લેબરફોર્સમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું જોઈએ. તેમને પણ સમાન મજૂર અધિકાર મળવો જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments