તમિલ એક્ટર ધનુષ અને નયનતારા વચ્ચે ડોક્યુમેન્ટ્રી ‘નયનતારા: બિયોન્ડ ધ ફેરીટેલ’ને લઈને વિવાદ ચાલુ છે. તાજેતરમાં જ ધનુષે નયનતારા અને તેના પતિ અને ફિલ્મ નિર્માતા વિગ્નેશ શિવનને આ ડોક્યુમેન્ટરી અંગે કાનૂની નોટિસ મોકલી હતી. ધનુષે આરોપ લગાવ્યો છે કે નયનતારાએ તેની પરવાનગી વગર આ ડોક્યુમેન્ટ્રીમાં ફિલ્મ ‘નાનુમ રાઉડી ધાન’ના ગીતો અને વિઝ્યુઅલનો ઉપયોગ કર્યો છે. હવે આ મુદ્દે નયનતારાના વકીલ રાહુલ ધવને પ્રતિક્રિયા આપી છે. વકીલનું કહેવું છે કે તેણે ધનુષની લીગલ નોટિસનો ઔપચારિક જવાબ આપ્યો છે. જેમાં સીનનો ઉપયોગ કરીને કોપીરાઈટના કોઈ કાયદાનો ભંગ થયો નથી તેવું કહેવાયું છે. વકીલ રાહુલે વધુમાં કહ્યું- ડોક્યુમેન્ટ્રીમાં ઉપયોગમાં લેવાતા પડદા પાછળના દ્રશ્યો ફિલ્મના નથી. તે ક્લિપ વ્યક્તિગત લાઇબ્રેરીની છે, તેથી કોઈ ઉલ્લંઘન થયું નથી. વકીલે એમ પણ કહ્યું કે આ કેસની આગામી સુનાવણી સોમવારે મદ્રાસ હાઈકોર્ટમાં થઈ શકે છે. શું છે સમગ્ર મામલો? નયનતારાએ તેની ડોક્યુમેન્ટરી ‘નયનતારા: બિયોન્ડ ધ ફેરી ટેલ’ માટે તેની ફિલ્મ ‘નાનુમ રાઉડી ધાન’નાં ગીતો અને વિઝ્યુઅલ માટે ધનુષ પાસેથી પરવાનગી માગી હતી, પરંતુ ધનુષે તેને પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો અને પછી ડોક્યુમેન્ટરીનું ટ્રેલર જોયા પછી માત્ર 3 સેકન્ડની વિઝ્યુઅલ ચોરીના આરોપમાં અભિનેત્રીને 10 કરોડ રૂપિયાની કાનૂની નોટિસ મોકલી. નોંધનીય છે કે નયનતારા પોતે ફિલ્મ ‘નાનુમ રાઉડી ધાન’માં લીડ એક્ટ્રેસ હતી. નયનતારાની ડોક્યુમેન્ટરી નેટફ્લિક્સ પર રિલીઝ થશે નયનતારાની ડોક્યુમેન્ટરી ‘નયનતારા:બિયોન્ડ ધ ફેરી ટેલ’ નેટફ્લિક્સ પર 18 નવેમ્બરે રિલીઝ થશે. તાજેતરમાં તેનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. ડોક્યુમેન્ટરીમાં નયનતારાના જીવનના ઉતાર-ચઢાવ બતાવવામાં આવશે. ડોક્યુમેન્ટરીમાં વિજ્ઞેશ શિવન સાથેની તેની લવસ્ટોરી પણ જોવા મળશે, જે ‘નાનુમ રાઉડી ધાન’ના સેટ પર શરૂ થઈ હતી.