ઘણીવાર એવું કહેવામાં આવે છે કે ડિરેક્ટરનું કામ ફક્ત કટ કહેવાનું છે, પરંતુ તેની જવાબદારી ફક્ત એટલી જ નથી. ફિલ્મના નિર્માણથી લઈને ફિલ્મ રીલિઝ થાય ત્યાં સુધી ડિરેક્ટરે અલગ-અલગ વિભાગમાં કામ કરવું પડે છે. ડિરેક્ટર માટે લેખન, એડિટીંગ, ફોટોગ્રાફી સહિતની દરેક બાબતનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે ડિરેક્ટરને ‘કેપ્ટન ઓફ ધ શીપ’ કહેવું ખોટું નથી. ‘રીલ ટુ રિયલ’ના આ એપિસોડમાં આપણે ફિલ્મ નિર્માણમાં ડિરેક્ટરની ભૂમિકાને સમજીશું. આ માટે અમે ડિરેક્ટર તુષાર હિરાનંદાની અને મેહુલ કુમાર કે જે મૂળ ગુજરાતના જામનગરથી છે, તેની સાથે વાત કરી. તુષારે રાજકુમાર રાવની તાજેતરની ફિલ્મ ‘શ્રીકાંત’નું નિર્દેશન કર્યું છે. મેહુલ કુમાર ‘તિરંગા’, ‘ક્રાંતિવીર’, ‘મૃત્યુદાતા’ જેવી ફિલ્મો માટે જાણીતા છે. ફિલ્મ બનાવવાં માટે ડિરેક્ટર માટે યોગ્ય સ્ક્રિપ્ટ પસંદ કરવી મહત્વપૂર્ણ
ફિલ્મનું નિર્માણ ત્યારે જ શરૂ થઈ શકે છે જ્યારે ડિરેક્ટર પાસે ખૂબ જ સારી સ્ટોરી (સ્ક્રીપ્ટ) હોય. એ સ્ટોરીના વિષયમાં ઘણી નવીનતા હોવી જોઈએ. ડિરેક્ટરે સ્ટોરી પસંદ કરવામાં ઉતાવળ ન કરવી જોઈએ. એક ફિલ્મ બનાવવામાં 2-3 વર્ષ લાગે છે. આવી સ્થિતિમાં, નિર્માતાઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે આવનારા 2-3 વર્ષમાં અથવા તે પછી પણ ફિલ્મની સ્ટોરી લોકો માટે નવી અને અલગ હોવી જોઈએ. ડિરેક્ટર ફિલ્મના મુખ્ય કલાકારોની પસંદગી કરે છે, કાસ્ટિંગ ડિરેક્ટર સાઈડના કલાકારોની પસંદગી માટે જવાબદાર
ફિલ્મો માટે કલાકારોના કાસ્ટિંગમાં ડિરેક્ટર પણ સામેલ હોય છે. આ અંગે તુષાર કહે છે, એકટર્સના કાસ્ટિંગમાં મારી સંપૂર્ણ ભાગીદારી છે. ફિલ્મ અથવા કોઈપણ વેબ સિરીઝનું મુખ્ય કાસ્ટિંગ કાસ્ટિંગ ડિરેક્ટરના સહયોગથી મારા દ્વારા કરવામાં આવે છે, પરંતુ સાઈડ એક્ટર્સ અથવા બેકગ્રાઉન્ડ એક્ટર્સનું કાસ્ટિંગ સંપૂર્ણપણે કાસ્ટિંગ ડિરેક્ટરની જવાબદારી છે. ફિલ્મ ‘શ્રીકાંત’ની જેમ, મુખ્ય લીડ સિવાય, સમગ્ર કાસ્ટિંગ અભિમન્યુ દ્વારા કરવામાં આવ્યું હતું. તેણે વધુ સારી કાસ્ટિંગ કરી હતી. ફિલ્મમાં ઘણા નવા ચહેરા જોવા મળ્યા છે, પરંતુ બધાએ સારું કામ કર્યું છે. ડિરેક્ટર એકલા ફિલ્મ માટે તમામ લોકોનું કાસ્ટિંગ ન કરી શકે, અન્ય બાબતોમાં પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે. આવી સ્થિતિમાં અમારે કાસ્ટિંગ ડિરેક્ટર પર વિશ્વાસ કરવો રાખવો પડે. કયા દિવસે, ક્યારે અને ક્યાં શૂટિંગ થશે તે પણ ડિરેક્ટર નક્કી કરે છે
જો યોગ્ય આયોજન વગર ફિલ્મનું શૂટિંગ શરૂ થાય તો હંમેશા નુકસાન થાય છે. ફિલ્મ રેકોર્ડ તોડી શકે અને બોક્સ ઓફિસ પર કમાણી કરી શકે તે માટે પ્રી-પ્રોડક્શનનું કામ શ્રેષ્ઠ રીતે કરવું જોઈએ. ધારો કે, જો ફિલ્મ આઉટડોર લોકેશન પર શૂટ થવાની હોય, તો સૌ પ્રથમ ડિરેક્ટર અન્ય લોકો સાથે મળીને આઉટડોર લોકેશનનો સંપૂર્ણ ચાર્ટ બનાવે છે. આઉટડોર શૂટમાં કેટલા શોટ છે, કેટલા ગીતો છે, આ બધી બાબતો ચાર્ટમાં લખેલી છે. આ ચાર્ટમાં, દરેક સીન અનુસાર કપડાંની પણ વિગતવાર માહિતી હોય છે. શૂટિંગને લગતી દરેક નાની-મોટી બાબતોનો બાકીનો હિસાબ એ ચાર્ટમાં રાખવામાં આવે છે. આ અંગે તુષારે કહ્યું, ફિલ્મનું શૂટિંગ યોગ્ય તૈયારી વિના શરૂ થઈ શકતું નથી. ઉદાહરણ તરીકે, શૂટિંગ શરૂ થાય તેના એક મહિના પહેલાં, હું મારી આખી ટીમ સાથે બેસીને સ્ક્રિપ્ટને સંપૂર્ણપણે રિવાઇઝ કરું છું, જેથી દરેકને ખબર પડે કે કયો શૉટ કયા દિવસે શૂટ કરવાનો છે અથવા પહેલો અને છેલ્લો શૉટ કયો હશે. ડિરેક્ટરનું પ્રોડ્યુસર્સ સાથે મળીને કામ કરવું જરૂરી
મેહુલ કુમારે જણાવ્યું કે, ફિલ્મનું શૂટિંગ શરૂ થાય તે પહેલા ડિરેક્ટર અને પ્રોડ્યુસર્સ વચ્ચે સમજૂતી થાય છે. આ કરારમાં ફી સંબંધિત તમામ બાબતો લખેલી છે. આ પછી ડિરેક્ટર અને પ્રોડ્યુસર એક પરિવારની જેમ કામ કરે છે. તેણે વધુમાં કહ્યું કે ફિલ્મ નિર્માણમાં પ્રોડ્યુસર અને ડિરેક્ટરે સાથે કામ કરવું જરૂરી છે. ડિરેક્ટરને ફિલ્મના શેડ્યૂલ પ્રમાણે ફી મળે છે
મેહુલે ફી ડિસ્ટ્રીબ્યુશનની પણ વાત કરી. એક ઉદાહરણ દ્વારા સમજાવતાં તેણે કહ્યું કે, ધારો કે ફિલ્મનું શૂટિંગ 6 શેડ્યૂલમાં પૂર્ણ થઈ રહ્યું છે, તો નિર્માતાઓ આ 6 શેડ્યૂલમાં થોડી-થોડી કરીને ડિરેક્ટરની ફી ચૂકવે છે. ત્યારબાદ બાકીનું પેમેન્ટ ફિલ્મની રિલીઝ પહેલા ડિરેક્ટરને આપવામાં આવે છે. જોકે, પ્રોડ્યુસર અને ડિરેક્ટર વચ્ચે નાણાંની આપ-લે કરવાની રીત દરેક પ્રોજેક્ટમાં બદલાય છે. ઘણી વખત પ્રોડ્યુસર શરૂઆતમાં ડિરેક્ટરને ફી ચૂકવે છે. તે જ સમયે, ક્યારેક ફિલ્મનું શૂટિંગ પૂરું થયા પછી ડિરેક્ટરને ફી મળે છે. જ્યારે ગોવિંદાએ શૂટિંગ કરવાનો ઇનકાર કર્યો ત્યારે ડિરેક્ટર મેહુલે ફિલ્મને બંધ થતી બચાવી
ગોવિંદાએ ફિલ્મ ‘આસમાન સે ઉંચા’માં કામ કર્યું હતું. ફિલ્મની છેલ્લી એક્શન સિક્વન્સ કાશ્મીરમાં શૂટ થવાની હતી. ખૂબ જ ઠંડી હતી અને શૂટિંગની તારીખ પણ લંબાવાઈ ગઈ હતી, તેથી ગોવિંદા કાશ્મીરમાં રહેવા તૈયાર નહોતો. ફિલ્મના ડાયરેક્ટર મેહુલે તેને ઘણી વિનંતી કરી, પરંતુ તે માન્યા નહીં. જો મેહુલે ફિલ્મ અધૂરી છોડી દીધી હોત તો તેને ઘણું નુકસાન થાત. આવી સ્થિતિમાં તેને એક વિચાર આવ્યો. તેણે ગોવિંદાના બોડી ડબલ સાથે તે એક્શન સિક્વન્સ શૂટ કર્યું હતું. ફિલ્મસિટી, મુંબઈમાં ગોવિંદા સાથે આ સીનનો ક્લોઝ-અપ શૉટ શૂટ કરવામાં આવ્યો હતો. ડિરેક્ટર મેહુલે ફિલ્મને બરબાદ થતી બચાવી. મેહુલે આગળ કહ્યું – અમે તે સીનને એવી રીતે ફિલ્માવ્યો છે કે આજે પણ લોકોને ખ્યાલ નથી આવતો કે આ સીનનો અમુક ભાગ ફિલ્મસિટીમાં શૂટ થયો છે. નાના પાટેકર રાજ કુમાર સાથે કામ કરવા માગતા ન હતા
ફિલ્મ ‘તિરંગા’ નાનાના કરિયરની મહત્વની ફિલ્મ સાબિત થઈ હતી. જે 1993માં રિલીઝ થઈ હતી. આમાં તેણે ઈન્સ્પેક્ટર વાગલેની ભૂમિકા ભજવી હતી. તેના કાસ્ટિંગ પર ફિલ્મના ડિરેક્ટર મેહુલ કુમારે કહ્યું, ‘ઇન્સ્પેક્ટર વાગલેના રોલ માટે મારી પહેલી પસંદ રજનીકાંત હતા. રજનીકાંતને સ્ટોરી પણ ગમી, પરંતુ તેમણે ફિલ્મ કરવાની ના પાડી. તેમણે કહ્યું- વિષય સારો છે, મારું પાત્ર પણ શક્તિશાળી છે, પરંતુ હું રાજકુમાર સાથે કામ કરવાના મૂડમાં નથી. આ પછી નસીરુદ્દીન શાહનો સંપર્ક કરવામાં આવ્યો, તો તેણે ના પાડી અને કહ્યું – મેહુલ જી, રાજ સાહેબ સાથે મારું નહીં જામે. આ પછી નાનાને ઑફર કરવામાં આવી, સ્ટોરી સાંભળતા જ તે ફિલ્મ માટે સંમત થઈ ગયા, પરંતુ તેણે કહ્યું કે, જો રાજ જી ફિલ્મમાં દખલ કરશે તો તે શૂટિંગ છોડી દેશે. મેં રાજ જીને ફોન કર્યો અને નાનાના કાસ્ટિંગ વિશે જણાવ્યું. તેના પર તેણે કહ્યું- તે ખરાબ વર્તન કરે છે, સેટ પર ગાળો બોલે છે. તેની સાથે ગડબડ થઈ જશે. ઠીક છે, જો વાત ઓકે થઈ ગઈ છે તો ચાલો ફિલ્મ કરીએ. આ કાસ્ટિંગ પર, ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા એક ફેમસ પ્રોડ્યુસર-ડિરેક્ટરે શુભ મુહૂર્તના દિવસે જ ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે, ભગવાન કરે કે તમારો તિરંગો લહેરાય. મને એ વાતની ચિંતા છે કે તમે એકને પૂર્વમાંથી અને બીજીને પશ્ચિમમાંથી કાસ્ટ કરીને છ મહિનામાં ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે. શરૂઆતમાં, રાજકુમાર અને નાના પાટેકર શોટ આપ્યા પછી અલગ-અલગ બેસતા હતા, પરંતુ ‘પી લે પી લે ઓ મેરે રાજા…’ ગીત પિક્ચરાઈઝ થયા પછી બંને મિત્રો બની ગયા. આ પછી ક્લાઈમેક્સના શૂટિંગ સુધી બંને સારા મિત્રો બની ગયા. આ ફિલ્મ પણ રિલીઝ થયા બાદ સુપરહિટ બની હતી. ફિલ્મમાં ડિરેક્ટરે નાનાને જૂના કપડા પહેરાવ્યા હતા
નાના પાટેકરે મેહુલની ફિલ્મ ‘ક્રાંતિવીર’માં પણ કામ કર્યું હતું. આ ફિલ્મની સ્ટોરી સંભળાવતા ડિરેક્ટરે કહ્યું- આજના સમયમાં કલાકારો પોતાના કપડા જાતે જ પસંદ કરે છે, પહેલા આવું નહોતું થતું. ‘ક્રાંતિવીર’ ફિલ્મમાં નાનાનો લુક થોડો ફકીર જેવો હતો. આવી સ્થિતિમાં, મેં નાનાને કહ્યું કે તમે ફિલ્મમાં તમારા બધા જૂના કપડાં પહેરો. તેણે મારી આ માગને ખુશીથી સ્વીકારી લીધી. સેટ પર હંમેશા મોડા પહોંચતા શત્રુઘ્ન સિન્હા મેહુલના આગ્રહ પર સમયસર શૂટિંગ પર પહોંચી ગયા
આ સ્ટોરી ઈન્ડસ્ટ્રીમાં ખૂબ ફેમસ હતી કે શત્રુઘ્ન સિંહા ક્યારેય શૂટિંગ માટે સમયસર નથી આવ્યા. આ અંગે મેહુલે કહ્યું- તેણે મારી સાથે ફિલ્મ ‘નાઈસાફી’માં કામ કર્યું હતું. એક દિવસ ફિલ્મના ડિરેક્ટરે કહ્યું કે જો બધા સમયસર આવે છે તો શત્રુઘ્ન સાહેબ કેમ નથી આવતા. મેં આનો કોઈ જવાબ ન આપ્યો. એક દિવસ તક મળતાં જ હું શત્રુઘ્ન સાહેબને મળવા ગયો. મેં તેને કહ્યું કે સેટ પર એવી વસ્તુઓ થાય છે કે તમે સમયસર નથી આવતા. લોકો આવું કહે તો સારું નથી લાગતુ. આ કારણોસર, આવતીકાલે તમારું શૂટ સવારે 11 વાગ્યે થશે, તો કૃપા કરીને આવો. મેં જે કહ્યું તે તેમણે સ્વીકાર્યું. જ્યારે મેં પ્રોડક્શન ટીમને આ વાત કહી તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા. બધાએ કહ્યું કે તે સમયસર નહીં આવે, પરંતુ જ્યારે બીજા દિવસે સવારે 10:30 વાગ્યે શત્રુઘ્ન સાહેબ સેટ પર પહોંચ્યા તો બધા ચોંકી ગયા. જો કે, બાદમાં શત્રુઘ્ન સાહેબે મને કહ્યું કે એક દિવસ તો ઠીક છે, પણ દરરોજ આવી રીતે શૂટિંગ ન રાખો.